નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની આખરી યાદી આવતીકાલે પ્રસિઘ્ધ કરાશે: ગત વર્ષે આસામનાં ૩.૨૯ કરોડ નાગરિકોમાંથી ૪૧ લાખ લોકોને ગેરકાયદે ઠેરવાયા હતા
આસામની આશરે ૧૦% વસતીના હૃદયના ધબકારા આજકાલ વધી ગયા છે. તેનું કારણ વરસાદ, પૂર કે ઉગ્રવાદ નથી, પરંતુ એનઆરસી છે. કારણ કે, બહુ પ્રશિક્ષિત નેસનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)ની આખરી યાદી ૩૧ ઓગસ્ટ એટલે કે શનિવારે પ્રકાશિત થશે. આ દિવસોમાં આસામમાં ૪૧ લાખ લોકોના નસીબનો ફેંસલો થશે કે, તેઓ ભારતના નાગરિક છે કે નહીં. આસામનાં કામરૂપ જિલ્લાના ગોરોઈમારી ગામના રહેવાસી હબીબુર રહેમાને જણાવ્યું કે, પહેલા ક્યારેય હું આટલો ચિંતિત ન હતો, જેટલો આખરી યાદી આવતા પહેલા છું. અગાઉની યાદીમાં મારું નામ નહોતું આવ્યું. આ મારી જિંદગીની સૌથી મુશ્કેલ ઘડીઓ છે. મેં અનેક દસ્તાવેજો જમા કરાવ્યા છે. આમ છતાં, મારું નામ યાદીમાં નથી આવતું. હબીબુર અને તેમના પત્ની અકલીમા ખાતૂન સિવાય તેમના પુત્ર નૂર આલમ અને ફરીદુલનું નામ પણ યાદીમાં ન હતું, પરંતુ તેમની બે પુત્રી ફરીદા અને શહીદાના નામ યાદીમાં હતા. હબીબુરનાં જણાવ્યા અનુસાર આ વખતે મેં બધા જ પેપર્સ આપ્યા છે, તેમાં જમીનને લગતા દસ્તાવેજો પણ છે. તેમાં મારા પિતાનું નામ ૧૯૪૮ પહેલેથી આસામમાં નોંધાયેલું છે. હવે અમારે નાગરિકતા સાબિત કરવા શું કરવું પડશે? નામ યાદીમાં નહીં આવે તો તેમને ડિટેન્શન સેન્ટર મોકલી દેવાશે.
આસામમાં હાલ છ હજાર ડિટેન્શન સેન્ટર ચાલી રહ્યા છે, તેમાં આશરે એક હજાર ગેરકાયદે નાગરિકો રહે છે. આ મોટા ભાગના લોકો બાંગ્લાદેશ અને મ્યાંમારના છે, જે ભારતીય સરહદમાં ગેરકાયદે ઘૂસ્યા હતા. સરકારે સ્પષ્ટતા કરી છે કે, નાગરિકતા ગુમાવ્યા પછી અહીં રહેતા લોકોને પણ ડિટેન્શન સેન્ટરોમાં મોકલી દેવાશે. આસામમાં ૧૯૫૧ પછી પહેલી વાર લોકોની નાગરિકતાની ઓળખ કરાઈ રહી છે કારણ કે, અહીં મોટી સંખ્યામાં લોકો ગેરકાયદે રીતે વસી રહ્યા છે. એનઆરસીની આખરી યાદી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તૈયાર કરાઈ રહી છે. ૨૦૧૮માં એનઆરસી યાદીમાં આસામમાં વસતા ૩.૨૯ કરોડમાંથી ૪૧ લાખ લોકોને ગેરકાયદે દર્શાવાયા હતા.