૧૬મી થી રસ્તાઓ રી-કાર્પેટ,પેવરકામ માટે સફાઈ શરૂ કરી દેવાશે
ચોમાસાની સીઝનમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોની હાલત બિસ્માર બની જવા પામી છે.ખખડધજ રસ્તાથી ત્રાહિમામ શહેરીજનો માટે રાહતના સમાચાર છે.આગામી ૨૧મી થી ત્રણેય ઝોનમાં પેવર કામ શરૂ કરી દેવામાં આવશે. નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા ફરી રાજમાર્ગો ટનાટન થઈ જશે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આગામી ૧૬ સપ્ટેમ્બરથી શહેરના રસ્તા સફાઈની કામગીરી શરૂ થઇ ત્યારબાદ ડામર પેવરકામ શરૂ કરવામાં આવશે.તે વી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે કરી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે વધુમાં જણાવ્યું હતું કે,ચોમાસાની ઋતુ પૂર્ણ થવાના આરે છે. તેમજ શહેરમાં મેઘરાજાએ ઘણા સમયથી વિરામ પણ લીધો છે.ત્યારે શહેરના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન રસ્તાઓ પર પડેલ ખાડાઓમાં વહેલાસર પેચ થાય અને ચાલુ વર્ષે જુદા જુદા વોર્ડના એક્શન પ્લાનના રસ્તાઓ તથા ટી.પી. રસ્તાઓ રી-કાર્પેટ અને પેવરકામ કરવા કુલ રૂ.૫૭.૪૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં ચરેડાઓ વિગેરેના પેચ કામ માટે પણ રૂ.૧૨.૫૦ કરોડ મંજુર કરેલ છે. જે ધ્યાને લઇ આજરોજ તમામ સીટી એન્જીનીયરો સાથે ચર્ચા કરી ટૂંક સમયમાં જ રસ્તાઓ ડામરના અને ચરેડા પેચવર્ક વિગેરે કામો શરૂ કરવા જણાવવામાં આવ્યુ છે.જેના અનુસંધાને આગામી ૧૬મીથી શહેરના રસ્તાઓ રી-કાર્પેટ પેવરકામની સફાઈ શરૂ કરી દેવામાં આવશે. અને તા.૨૧ સપ્ટેમ્બરથી ત્રણેય ઝોનમાં પેવરકામો શરૂ થઇ જશે. સાથે સાથે પેચવર્કના પણ કામો તુરંત શરૂ કરવામાં આવશે.
વિશેષમાં ચેરમેને જણાવ્યુ છે કે, શહેરમાં જે જે રસ્તાઓ ડામરકામ કરવાની જરૂર જણાશે તો વિશેષ ફંડની ફાળવણી કરવામાં આવશે. હાલમાં શહેરમાં કોરોના મહામારી ચાલી રહી છે તો પણ પ્રાથમિક સુવિધાના કામો અટકે નહિ તેની ખાસ તકેદારી રાખવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે મેયર બીનાબેન આચાર્ય દ્રારા મુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને પત્ર લખી તાત્કાલીક રસ્તાના કામો શરુ કરવા જણાવ્યું હતું.દરમિયાન આજે સ્ટન્ડિંગ ચેરમેને સિટી ઇજનેરો સાથે મિટિંગ કરીને આગામી ૧૬મી થી રસ્તા કામ શરૂ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા ૪૫ ઇંચથી વધુ વરસાદના કારણે રાજમાર્ગોને અંદાજે ૨૦ કરોડથી વધુનું નુકસાન થવા પામ્યું છે. હાલ મોટાભાગના રસ્તાઓની હાલત ખખડધજ થવા પામી છે જેનેથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી ૨૧મીથી ડામર અને પેચરવર્ક શરૂ થતાની સાથે જ શહેરીજનોને કમરતોડ રસ્તાઓની હલાકીમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે નગરપાલિકાઓને જે રીતે રસ્તાઓ ડામરથી મઢવા માટે ૧૬૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેજ રીતે આગામી દિવસોમાં મહાનગરપાલિકાઓને રસ્તાઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.