કપિલા હનુમાનજી મંદિર પાસે રી-ટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી દરમિયાન બની ઘટના
શહેરનાં વોર્ડ નં.૭માં આજી નદી કાંઠે કપીલા હનુમાનજીનાં મંદિર પાસે રી-ટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી દરમ્યાન આજે બપોરે ૩૫ મીટર સુધીનો ડામર રોડ બેસી જતા તાબડતોબ રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી. અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તાબડતોબ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા વોર્ડ નં.૭નાં એન્જીનીયર વી.પી.પટેલીયાએ જણાવ્યું હતું કે, શહેરનાં વોર્ડ નં.૭માં આજી નદીનાં કાંઠે કપીલા હનુમાનજી મંદિરવાળા માર્ગ પાસે થોડા સમય પહેલા આજી નદીની રી-ટેઈનીંગ વોલ ધરાશાયી થઈ ગઈ હતી. આ નવી વોલ બનાવવા માટે હાલ ૭૦ લાખનાં ખર્ચે કામગીરી ચાલી રહી છે તેનો કોન્ટ્રાકટ હીરાચના ચૌહાણ નામના કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો છે. નવી રી-ટેઈનીંગ વોલ બનાવવા માટેની કામગીરી દરમિયાન આજે સવારે જુની દિવાલ હટાવવાનું કામકાજ શરૂ કરવામાં આવતા કપીલા હનુમાનજી માર્ગ પર આશરે ૩૫ મીટર સુધીનો રોડ કોલેપક્ષ અર્થાત ધરાશાયી થઈ ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો દિવાલનો ટેકો હટી જવાનાં કારણે રોડ એક સાઈડથી ફસકી ગયો હતો. આ ઘટનાની જાણ થતા અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.