ગરબી ચોકનો સર્વે શરૂ: સોમવારથી ડામર અને પેચવર્કનો ધમધમાટ

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે શહેરનાં રાજમાર્ગોને ૫૧ કરોડ રૂપિયાની નુકસાની થવા પામી છે. સતત વરસાદ ચાલુ હોવાનાં કારણે રોડ પર ડામર કે પેચવર્કનાં કામ શરૂ થઈ શકયા નથી. નવરાત્રીનાં તહેવારનાં આડે હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબી ચોકની હાલત તુટેલી જ રહેશે કે કેમ તેવા સવાલો શહેરીજનોનાં મનમાં ઉદભવી રહ્યા છે. આજે મહાપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે એવી જાહેરાત કરી છે કે, નવરાત્રી પહેલા શહેરનાં ત્રણેય ઝોન વિસ્તારમાં તમામ ગરબી ચોકમાં ડામર કે પેચવર્કનું કામ પુર્ણ કરવામાં આવશે. આ અંગે છેલ્લા બે દિવસથી સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને સોમવારથી ગરબી ચોકમાં ડામર કે પેચવર્કનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરનાં આશરે ૪૦૦ જેટલા ગરબી ચોકમાં ડામર, પેચવર્ક કરવા માટે સંબંધિત અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. વરસાદે વિરામ લેતા છેલ્લા એક સપ્તાહથી શહેરમાં રોડ-રસ્તા, ચોકમાં ખાડાઓ બુરવા માટે જરૂરીયાત મુજબ મોરમ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મહદઅંશે કામગીરી પૂર્ણતાનાં આરે છે. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગરબીમાં રાસ લેતી બહેનો અને બાળાઓને તકલીફ ન પડે તે માટે નવરાત્રી પહેલા શહેરનાં તમામ ગરબી ચોકમાં ડામર તથા પેચવર્કની કામગીરી પૂર્ણ કરવા માટે ત્રણેય ઝોનનાં અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. હાલ ગરબી ચોક આસપાસ સફાઈની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી સોમવારથી શહેરનાં તમામ ગરબી ચોકમાં ડામર કે પેચવર્કની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવશે અને તે પ્રથમ નોરતા પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, રેકોર્ડબ્રેક વરસાદમાં શહેરનાં જે-જે રાજમાર્ગો તુટયા છે તે તમામ દિવાળી પહેલા જો વરસાદ વિરામ લેશે તો ફરી પહેલા જેવા બનાવી દેવામાં આવશે. ડામર કામ માટે સરકારે ૨૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બાકીનાં પૈસા કોર્પોરેશન પોતાનાં તિજોરીનાં ખર્ચી શહેરનાં રાજમાર્ગોને ફરી ડામરથી મઢી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.