ગઢકાના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો ત્યાં વધુ એક ખૂનનો ગુનો નોંધાતા પોલીસમાં દોડધામ કુટુંબી ભત્રીજી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ત્રણ ભાઇઓએ ગળુકાંપી ખૂન કર્યાની કબુલાત
શહેરના યુવરાજનગરના યુવાનની બે દિવસ પહેલાં થયેલી હત્યાનો આજી ડેમ પોલીસે ભેદ ઉકેલ્યો ત્યાં રણુજા મંદિર પાસે લિફટનો દરવાજો ખુલ્લો રાખવા જેવી નજીવી બાબતે એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પ્રૌઢને ચોથા માળે રહેતા શખ્સે બોથડ પર્દાથ મારી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસે રહેતા ભરતભાઇ દેવજીભાઇ રાઠોડ નામના 50 વર્ષના કડીયા પ્રૌઢને મહેશ લાખા ચાવડા નામના શખ્સે માથામાં બોથર્ડ પદાર્થ મારી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
રણુજા મંદિર પાસે આવેલા સાંઇ દર્શન એર્પાટમેન્ટના ત્રીજા માળે રહેતા ભરતભાઇ રાઠોડને આ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા મહેશભાઇ ચાવડાએ લિફટનો દરવાજો કેમ ખુલ્લો રાખ્યો તેમ કહી દારૂના નશામાં બોથર્ડ પદાર્થ માથામાં મારી દેતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
મૃતક ભરતભાઇ રાઠોડ મુળ ગોંડલ તાલુકાના વાસાવડ ગામના વતની હોવાનું અને તેઓ ખેતી કામ કરે છે. બે પુત્ર રાજકોટ રહેતા હોવાથી તેમની સાથે રહેવા માટે તાજેતરમાં જ રાજકોટ રહેવા આવ્યા હતા. આજી ડેમ પી.આઇ. વી.જે.ચાવડાએ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
યુવરાજનગરમાં રહેતો અને ફાઇનાન્સનું કામ કરતો કરમશી રૂખડભાઇ રાઠોડ (ઉ.વ.40) ગઢકા ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા અને પૂજા કરવા શુક્રવારે સાંજે પોતાના ઘરેથી નીકળી ગયો હતો.અને શનિવારે ગઢકામાં મંદિર નજીકથી તેની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
ત્યારે આ બનાવ અંગે આજી ડેમ પોલીસે કરમશીની પત્ની હીનાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં કરમશીએ તેની કૌટુંબિક ભત્રીજી હીના સાથે પ્રેમ થતાં એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરી લીધા હતા અને 11 દિવસ પૂર્વે જ હીનાએ પુત્રીને જન્મ આપ્યો હતો. કૌટુંબિક ભત્રીજી સાથે પ્રેમલગ્ન કરવાને કારણે યુવતીના પરિવારજનોએ કરમશી સાથે કોઇ સંબંધ રાખ્યા નહોતા અને આ મામલે અગાઉ માથાકૂટ થઇ હોવાની પણ પોલીસને માહિતી મળી હતી.
પોલીસે શંકાના આધારે હીનાના ભાઇ અમિત અમરશી રાઠોડને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી, શરૂઆતમાં તો અમિતે પોતે ઘટના અંગે અજાણ હોવાનું રટણ રહ્યું હતું પરંતુ પોલીસે સઘન પૂછપરછ કરતા અમિતે હત્યાની કબૂલાત આપી હતી અને હત્યામાં તેનો મોટોભાઇ અમિત તથા સગીરવયનો કૌટુંબિકભાઇ પણ સામેલ હોવાનું જણાવ્યુ હતુ.
જેથી પોલીસે અમિત સહિત ત્રણેયની ધરપકડ કરી હતી.અમિતે પૂછતાછમાં જણાવ્યું હતું કે, કરમશી તેનો કૌટુંબિક કાકા થતો હતો, કરમશીએ કૌટુંબિક ભત્રીજી હીનાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા, કાકા ભત્રીજીના લગ્નને કારણે સમાજમાં બદનામી થતાં કરમશી અને હીના સાથે સંબંધ તોડી નાખ્યા હતા, અને કરમશીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.શુક્રવારે સાંજે અમિત ગઢકામાં મંદિરે ગયો હતો ત્યારે કરમશી મંદિરે મળી આવતા અમિતે તેના બે ભાઇને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્રણેયે મળી છરીના ઘા ઝીંકી ગળું કાપી હત્યા કરી હતી. અને લાશને મંદિર નજીક પાણીના પ્રવાહમાં નાખી દીધી હતી. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી કબજે કરી ત્રણેય આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.