ઘટના સમયેસગીરા પણ હાલ પુખ્ત હોય તો તેની મરજી વિરુદ્ધ કાયદો થોપી શકાય નહીં : ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત હાઇકોર્ટમાં એક અનોખો અને વિચિત્ર કહી શકાય તેવો કેસ સામે આવ્યો છે. આ કેસમાં એક દીકરીનાં લગ્ન પહેલાં ગર્ભવતી થતાં દીકરીને ફરજિયાતપણે કોનું બાળક છે ? તે જાણવા અંગે દીકરી પર દબાણ કરવામાં આવ્યું હતું. લગ્નના એક જ મહિનામાં દીકરીએ બાળકને જન્મ આપતાં તેના પતિ સામે પોક્સો લગાવવામાં આવ્યો છે.
આ કેસમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે તેના પતિને પોક્સોના કેસમાં આખરી નિકાલ ન આવે ત્યાં સુધી માત્ર ૧૦૦ રૂપિયાના જામીન પર છોડી દેવા આદેશ કર્યો છે. જૂનાગઢમાં રહેતી કિશોરી અને તેના પ્રેમીનો કિસ્સો મહિલા અધિકાર અને કાયદાની આંટીઘૂંટી વચ્ચે અટવાયેલો છે.
આ કેસમાં દીકરી ૧૮ વર્ષ થવાને એક દિવસની જ વાર હતી, ત્યારે અચાનક લૉકડાઉન જાહેર થયું હતું. ત્યારે દીકરી તેના પ્રેમી સાથે ભાગી જઇ, અને, દીકરી લગ્ન કર્યા વગર જ તેના પ્રેમી સાથે રહેવા લાગી હતી. ડિસેમ્બર-૨૦૨૦ના રોજ દીકરીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. અને, લગ્નના એક જ મહિનામાં દીકરીએ બાળકને જન્મ આપ્યો હતો. જેથી દીકરીના પતિ સામે દીકરીના પિતાએ પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. જેમાં દીકરીના પિતાની ફરિયાદને પગલે તેના પતિને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે. જોકે, પતિએ આ સજાને સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અપીલ કરી છે.
આ કેસમાં હાઇકોર્ટના જસ્ટિસે ટકોર કરી હતી કે કોઇપણ દીકરીને બાળકનો પિતા કોણ છે ? તે કહેવા માટે દબાણ કરી શકાતું નથી. અને, લગ્ન પહેલાં બાળકનો જન્મ થવો તે પોક્સો મુજબ એક મોટો ગુનો ગણવામાં આવે છે. આ કેસમાં જયારે યુવતી પણ પોતે જ કહે છે કે મારે મારા પતિ સાથે રહેવું છે એના બાળકનો પિતા કોણ છે ? તે મારે કહેવું નથી. તો તેને ફરજીયાત બાળકનો પિતા કોણ છે તે કહેવા દબાણ કરી શકાય નહીં.
આ કિસ્સામાં યુવતીનો જન્મ ૨૪ માર્ચ ૨૦૦૨ના રોજ થયો હતો. કાયદેસર રીતે ૨૫ માર્ચ ૨૦૨૦ના રોજ તે પરણવા લાયક ગણી શકાય, પણ, આ કેસમાં એક દિવસ પહેલાં ૨૪ માર્ચે લૉકડાઉન લાગ્યું હતું. તેથી દીકરીને પુખ્ત થવામાં માત્ર ૧ દિવસનો સમય બાકી હતો. અને, આ દરમિયાન યુવતી પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ત્યારે માત્ર એક દિવસના ગાળામાં કાયદાને દીકરી પર થોપી દેવાય નહીં. આ કેસમાં યુવતીના પિતા બાળકનો પિતા કોણ છે ? તે માટે દબાણ કરી રહ્યાં હતા.