259 હેકટરમાં ફેલાયેલા ઝુંપડપટ્ટીના પુનર્વસન માટે રૂ.20 હજાર કરોડનો કરાશે ખર્ચ

એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીના કાયાકલ્પને મંજૂરી આપી દેવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વચ્ચોવચ આવેલા ધારાવી વિસ્તારના પુનર્વસન માટે અદાણી જૂથને લીલીઝંડી આપી દેવામાં આવી છે. તબક્કાવાર આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવનાર છે.

મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપી દીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવનાર છે. આ સ્કીમ માટેની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 ના રોજ બિડિંગ પ્રક્રિયાના પરિણામને મંજૂરી આપી હતી.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂરો થવાથી કંપની મધ્ય મુંબઈમાં લાખો ચોરસ ફૂટના રહેણાંક અને વ્યાપારી સંકુલનું વેચાણ કરીને વધુ આવક ઊભી કરવામાં સક્ષમ બનશે. મહારાષ્ટ્ર સરકારના હાઉસિંગ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જારી કરેલા આદેશ દ્વારા અદાણી જૂથને અધિકારો આપ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ 2.5 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં રહેતા 6.5 લાખ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું સાત વર્ષની સમયમર્યાદામાં પુનર્વસન કરવામાં આવશે. કંપની ધારાવીના પુનર્વસન, નવીનીકરણ, સુવિધાઓ અને માળખાકીય ઘટકોનો વિકાસ કરશે. આ માટે સરકારે વિજેતા બિડર પાસેથી રૂ. 20,000 કરોડની ન્યૂનતમ સંકલિત નેટવર્થની માંગ કરી હતી.

અદાણી કંપનીએ પ્રોજેક્ટ હાથ ધરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવું પડશે. આ સાથે સરકાર દ્વારા રોકાણની વ્યવસ્થિત સમયરેખા પણ નક્કી કરવામાં આવી છે. કંપનીએ ઇમારતોના નિર્માણ દરમિયાન સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ ઘટકોનું ધ્યાન રાખવાનું રહેશે. ધારાવી ઝૂંપડપટ્ટીનો પુન:વિકાસ તબક્કાવાર શરૂ થશે. અદાણી જૂથે પહેલા અહીં રહેતા લોકોને હંગામી કેમ્પમાં શિફ્ટ કરવા પડશે. ત્યારબાદ આ ઈમારતોનું નિર્માણ કાર્ય શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બે ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ મળી ચૂક્યું છે. એક ઉપનગરીય ઘાટકોપરમાં અને બીજું મધ્ય મુંબઈમાં ભાયખલામાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.