૬.૫ લાખથી વધુ લોકોની વસાહત ધારાવીમાં ૧ એપ્રિલ બાદ પ્રથમ વખત એક પણ કેસ નહીં
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસ્તી ધારાવીમાં કેસ સતત વધતા હતા. જેના પરિણામે ધારાવી કોરોનાનું ’હોટસ્પોટ’ બને તેવી દહેશત ઉભી થઇ હતી
અલબત્ત એપ્રિલ મહિના બાદ પહેલીવાર ધારાવીમાં નવા સંક્રમિત દર્દીઓનો આંકડો ઝીરો પર રહ્યો છે. આવું પહેલીવાર છે કે જ્યારે ૨૫ ડિસેમ્બરના રોજ ધારાવી વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ મળ્યો નથી.
૧ એપ્રિલના રોજ ધારાવીમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તે સમયે આ સમાચારે આખા રાજ્યમાં હડકંપ મચાવી દીધો હતો. ધારાવીની જનસંખ્યાને જોતાં તમામ લોકો ચિંતિત હતા. ત્યારે ધારાવીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હતી. બીએમસી એ ધારાવીની આજુબાજુમાં ૩૦૦ તબીબોને સ્ક્રીનીંગ માટે તૈનાત રાખવામાં આવ્યા હતા.
ધારાવીમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું હતું. ધીમે ધીમે આ આંકડો વધી ગયો અને ધારાવીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૩૭૮૮ સુધી પહોંચી ગઇ. હાલ તેમાંથી ફક્ત ૧૨ કેસ એક્ટિવ છે. છેલ્લા મહિનાથી ધારાવીમાં કોરોનાની તીવ્રતા ઘટી હતી. ઓગસ્ટ મહિનામાં કોવિડ ૧૯ના નવા કેસ માત્ર એક આંકડામાં થઈ ગયા હતા. એક્ટિવ કેસ ૧૦૦થી નીચે પહોંચી ગયા હતા.
ધારાવીમાં ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ મોડેલની વિશ્ર્વ આરોગ્ય સંગઠને પણ પ્રશંસા કરી’તી
ધારાવીમાં લગભગ ૬.૫ લાખથી વધુ લોકો રહે છે અને તેને એશિયામાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાય છે. ધારાવીમાં કોરોના સામે લડવા માટે અપનાવવામાં આવેલા ’૪-ટી મોડલ’ (ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ)ની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ પ્રશંસા કરી ચૂક્યું છે