નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યા બાદ સોમનાથ જયોતિર્લીંગની સૌપ્રથમવાર મુલાકાત લઈ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. સોમનાથ દાદાના આશીર્વાદ મેળવી ગુજરાતના વિકાસની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો તેમના દ્વારા કરવામાં આવી હતી. જેમાં ૫૦૦ કરોડના ખર્ચે દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે આઈકોનીક બ્રીજ બનાવવાની જાહેરાત કરી છે.
સમગ્ર એશિયામાં આવો આઈકોનીક બ્રીજ હજુ સુધી કયાંય નથી અને ઓખા-બેટ દ્વારકા વચ્ચે એશિયાનો સૌપ્રથમ અન્ડર વોટર આઈકોનીક બ્રીજ બનશે. આ સાથે ગુજરાતના દરીયાકાંઠાનો વિકાસ કરવા ૪૫ હજાર કરોડના ખર્ચે ૪૦ જેટલા પ્રોજેકટસ તૈયાર કરવામાં આવી રહ્યા હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ધારાસભ્ય પબુભા માણેકે બેટ દ્વારકા માટેની તાજેતરની જાહેરાત અંગે ખુશી વ્યકત કરતા જણાવેલું કે ચોતરફ જળરાશિથી ઘેરાયેલા યાત્રાધામ બેટ દ્વારકાનો વિકાસ રૂંધાતો હોય કેન્દ્ર સરકારમાં વખતોવખત ઓખા-બેટ દ્વારકા વચ્ચે પુલના નિર્માણની રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આજસુધી કોઈ કેન્દ્ર સરકારે બેટ દ્વારકાના વિકાસ અર્થે તસ્દી લીધી નથી પરંતુ નરેન્દ્ર મોદીએ આ પ્રોજેકટની ડ્રીમ પ્રોજેકટ ગણી બેટ દ્વારકાના વિકાસ માટે કટિબઘ્ધતા દર્શાવી આજની કરવામાં આવેલી જાહેરાતથી જે કહ્યું તે કરી બતાવ્યું છે.
વધુમાં તેમણે જણાવેલ કે અત્યાર સુધી સમુદ્રથી ચોતરફ ઘેરાયેલા રહેતા ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાનમાં દરેક વસ્તુ બહારથી મંગાવવી પડતી હોય અહીં તમામ ચીજવસ્તુઓ મોંઘી મળતી જયારે રોડ રસ્તે જોડાવાથી અહીં પણ જીવનજ‚રી ચીજવસ્તુઓ સમગ્ર દેશના સમાન ભાવે મળવા લાગશે અને અહીંના સ્થાનિકો માટે પણ આ પ્રોજેકટ લાભકારી નિવડશે. આવનારા સમયમાં યાત્રાધામ બેટ દ્વારકાના સર્વાંગી વિકાસના દ્વાર ખુલશે.