યુએઈ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં વરસાદનું વિઘ્ન નહીં નડે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરૂવારે જણાવ્યું છે કે એશિયા કપ હવે યુએઈમાં રમાશે. એશિયા કપ શ્રીલંકામાં રમાવાનો હતો પરંતુ હવે તેના બદલે તે યુએઈમાં રમાશે. બોર્ડ્સ એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, એશિયા કપ યુએઈમાં રમાશે કેમ કે આ જ એક એવું સ્થળ છે જ્યાં વરસાદનું વિઘ્ન નહીં નડે.શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) બોર્ડે બુધવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલને જાણ કરી દીધી હતી કે હાલમાં શ્રીલંકામાં આર્થિક અને રાજકીય કટોકટી ચાલી રહી છે.
તેથી બોર્ડ એશિયા કપ ટી20નું આયોજન કરવા માટે સક્ષમ નથી. નોંધનીય છે કે શ્રીલંકા ક્રિકેટે વર્તમાન સંકટના કારણે લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ની ત્રીજી એડિશન મોકુફ રાખી છે.નોંધનીય છે કે આ વર્ષે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાવાનો છે. જેનું આયોજન 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન થવાનું છે. આમ તો એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છે પરંતુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે. તેથી તેને ધ્યાનમાં રાખતા આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે.
વિન્ડિઝ સામે ભારતના બીજી હરોળના ખેલાડીઓની આજે કસોટી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વન-ડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમાશે. પ્રથમ વન-ડે શુક્રવારે રમાશે. જોકે, પ્રથમ વન-ડેના એક દિવસ અગાઉ ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. તેનો સ્ટાર ઓપનર લોકેશ રાહુલ કોરોનાગ્રસ્ત થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ લોકેશ રાહુલને કોરોના થયો હોવાની પુષ્ટી કરી છે.
લોકેશ રાહુલે તાજેતરમાં જ સર્જરી કરાવી હતી અને તે બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહાબમાંથી પસાર થયો હતો. ઈજા છતાં તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરાયો હતો પરંતુ તેને અંતિમ ઈલેવનમાં સામેલ કરવો કે નહીં તે તેની ફિટનેસ પર આધારીત હતું.