કામનું ભારણ કે કોન્ટ્રાકટરો દ્વારા અપાતી ધમકી અંગે પોલીસની તપાસ : મોબાઈલ કોલ ડિટેઈલ્સ બાદ જ રહસ્ય પરથી પડદો ઉંચકાશે
અબતક,રાજકોટ
રાજકોટ મહાપાલિકાના આસિસ્ટન્ટ એન્જીનીયરે ગઈકાલે કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ફાયર વિભાગને બનાવની જાણ થતા તેમના દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કામનું ભારણ કે કોન્ટ્રાકટરો દ્વારા અપાતી ધમકીથી કંટાળી આપઘાત કર્યાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.પરંતુ મોબાઈલ કોલ ડિટેઈલ્સ બાદ જ રહસ્ય પરથી પડદો ઉંચકાશે તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
બનાવ અંગેની મળતી વિગતો મુજબ રાજકોટ મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર પરેશભાઈ ચંદ્રકાન્તભાઈ જોશી (ઉ.વ.50)એ ગઈકાલે સાંજના સમયે કોઈ કારણો સર રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમ ખાતે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ન્યારી ડેમ ખાતે કોઈ સ્થાનિક દ્વારા પરેશભાઈજોશીના મૃતદેહ ને જોતા પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી જે બાદ ફાયર વિભાગ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પરેશભાઈ જોશી છેલ્લા 24 વર્ષથી મનપામાં નોકરી કરી રહ્યા હતા અને પરિવારમા એમને એક દીકરો અને દીકરી છે. છેલ્લા 3 થી 4 દિવસથી પરેશભાઈ જોશી ડિપ્રેશનમાં રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું સાથે જ સાંજના પરેશભાઈ ન્યારી ડેમ ખાતે કોઈ સાથે ફોન માં ઉગ્ર બોલાચાલી કરતા હોવાનું નજરે જોનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું. ત્યારે એ ફોન કોનો હતો એ દિશામાં તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે,કોન્ટ્રાક્ટરોના ત્રાસ અને ધમકીથી કંટાળી એન્જીનીયરે આ પગલું ભર્યાનું પણ હાલ ચર્ચાય રહ્યું હોવાનું સામે આવ્યું છે.નવાગામ ખાતે ચાલતા ડામર કામ અંગે કોન્ટ્રાકટર સાથે બોલાચાલી થતી હોવાનું તેના પરિવારજનોર આક્ષેપ કર્યો છે જેથી તાલુકા પોલીસના પી.આઈ ધોળાએ મોબાઈલ ફોનની વિગતો કાઢવા માટે વધુ તપાસ હાથ ધરી છે.