ઇન્દોર
ઈંદોરના હોલકર સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરો સામે કિંગ્સ ઈલેવનના બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા. આખી ટીમ માત્ર ૧૫.૧ ઓવરમાં ૮૮ રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ. પંજાબના ધાકડ ઓપનર્સ ક્રિસ ગેઈલ, કે એલ રાહુલ ઉપરાંત કરુણ નાયર, માર્કસ સ્ટોઈનિસ, મયંક અગ્રવાલ, એરોન ફિંન્ચ જેવા બેટ્સમેન પણ નિષ્ફળ રહ્યાં. ટીમના આ પ્રદર્શનને જોઈ પંજાબના ફેન્સ ખૂબ નિરાશ છે અને તેમણે સોશિયલ મીડિયા પર ટીમના કેપ્ટન અશ્વિન અને ટીમ મેનેજમેન્ટને ખૂબ ખરી-ખોટી સંભળાવી. મોટાભાગના ફેન્સ ટીમમાં યુવરાજ સિંહને શામેલ ન કરવાને લીધે નારાજ દેખાઈ રહ્યાં છે.
ફેન્સે સવાલ ઉઠાવ્યો કે, આ ટીમના બીજા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યાં નથી તો માત્ર યુવરાજ સિંહને જ ટીમની બહાર કેમ બેસાડવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, IPL૧૧માં યુવરાજનું પ્રદર્શન ખૂબ જ કંગાળ રહ્યું છે અને તેણે ૫ મેચોમાં માત્ર ૧૨.૮૦ રનની સરેરાશથી રન બનાવ્યા છે.
જોકે, જે ખેલાડીઓ પંજાબની ટીમમાં રમી રહ્યાં છે તેમનું પ્રદર્શન પણ ઘણું ખરાબ રહ્યું છે. મયંક અગ્રવાલે ૧૧ મેચોમાં ૧૨ રનની એવરેજથી ફક્ત ૧૨૦ રન બનાવ્યા છે. ઑલરાઉન્ડર તરીકે ટીમમાં શામેલ અક્ષર પટેલની એવરેજ ૧૦ રનથી પણ ઓછી છે. કરુણ નાયરે ૧૧ મેચોમાં માત્ર ૨૨.૫૦ રનની એવરેજથી રન બનાવ્યા છે.
ફેન્સનો સવાલ એ છે કે, અગ્રવાલ, અક્ષર, નાયરને સતત ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમમાં સ્થાન મળી રહ્યું છે. આવામાં માત્ર યુવરાજ સિંહના જ ખરાબ ફોર્મને ધ્યાનમાં લઈ કેમ બહાર બેસાડવામાં આવ્યો છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, પંજાબના કેપ્ટન અશ્વિને યુવરાજનું કરિયર હવે ખતમ થઈ ગયું હોવાનું માની લીધું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com