આગામી લોકસભાની ચૂંટણી અંગે જામનગર બેઠક માટે કોને ટિકિટ આપવી તે અંગે બન્ને મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં બે કે ત્રણ વખત પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નિરીક્ષકો, અગ્રણીઓ જામનગર શહેર/જિલ્લાની મુલાકાતે આવી ગયા છે અને તેમણે તેમનો અહેવાલ પણ સુપરત કરી દીધો છે.
પ્રદેશ નેતાગીરીએ પણ જામનગર સહિત ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટેની ગતિવિધિ વધુ તેજ બનાવી છે અને જાણવા મળતી વિગતો પ્રમાણે કેટલીક બેઠકો માટે ત્રણ કે ચાર દાવેદારોની પેનલ પણ નક્કી કરી રાષ્ટ્રીય નેતાગીરીને મોકલી આપવા માટે તૈયાર કરેલ છે.
જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં અશોકભાઈ લાલ, જે.ટી. પટેલ, વલ્લભભાઈ સભાયા તથા એક આહિર અગ્રણીના નામ પેનલમાં સામેલ કરાયા છે, જો કે ભાજપ કોને ટિકિટ આપે છે તેના આધારે જ્ઞાતિના પરિબળને લક્ષમાં લઈને કોંગ્રેસના ઉમેદવાર નક્કી થશે તેમ જણાય છે. ભાજપમાંથી વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમનું નામ નિશ્ચિત મનાય છે. તેથી કોંગ્રેસ કઈ જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરે છે તે જોવાનું રહ્યું.
જામનગર લોકસભાની બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી આહિર જ્ઞાતિના ઉમેદવાર સંસદસભ્ય બની ચૂક્યા છે જેમાં બે ટર્મ કોંગ્રેસના વિક્રમભાઈ માડમ અને ત્યારપછીની ટર્મમાં પૂનમબેન માડમ ચૂંટાયા છે, પરંતુ આ બાબતની ચૂંટણીમાં કોઈ મોટો ઉલટફેર થાય તો નવાઈ નહીં. કોંગ્રેસમાંથી આહિર, પાટીદાર, ક્ષત્રિય, સતવારા કે મુસ્લિમ જ્ઞાતિના બદલે રઘુવંશી સમાજના અશોકભાઈ લાલને ઉમેદવાર તરીકે જાહેર કરે તો નવાઈ નહીં અન તે માટે પ્રદેશ કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષાની કોંગ્રેસની નેતાગીરી સમક્ષ વિવિધ સમાજો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા કોંગ્રેસના સ્થાનિય અગ્રણીઓએ રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળે છે