ભારતીય ફાસ્ટ બોલર ૩૮ વર્ષીય આશીષ નેહરાએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લઇ લીધો છે. ન્યૂઝિલેન્ડ સામે તારીખ ૧ નવેમ્બરે રમાનારી ટ્વેન્ટી-૨૦ રમીને આશિષ નહેરા નિવૃત્તિ લેશે. ભારતીય પંસદગીકારો નેહરાને ટ્વેન્ટી-૨૦ના એક્સપર્ટ તરીકે આ ફોર્મેટમાં તક આપતાં રહ્યા છે અને નેહરા નવી દિલ્હીના કોટલા મેદાન પર કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
નેહરા હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતીય ટીમમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક સિનિયર ઓફિસિઅલે આ અંગેનો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતુ કે, ૩૮ વર્ષના નેહરાએ તેના નિવૃત્તિના નિર્ણયની જાણ ભારતીય કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કરી દીધી છે. આઇસીસીએ હજુ સુધી ૨૦૧૮ના આઇસીસી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની યજમાની કોઈને સોંપી નથી, જેના કારણે આ ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. નેહરાએ આ બાબતને ધ્યાનમાં રાખીને જણાવ્યું છે કે, હવે કોઈ યુવા ખેલાડીને મારા સ્થાને તક આપવામાં આવે તો તે યોગ્ય લેખાશે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, નેહરા હવે આવતા વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમવાનો નથી. નેહરાએ નિવૃત્તિની જાહેરાત કરતાં કોચ અને કેપ્ટન સહિત ટીમ મેનેજમેન્ટને આશ્ચર્ય થયું હતુ. તેઓ વિચારતાં હતા કે, તે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારી શ્રીલંકા સામેની શ્રેણી સુધી રમતો રહેશે. જોકે તેણે નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો છે. તેને ભારતની ટી-૨૦ ટીમમાં પસંદ તો કરવામાં આવ્યો હતો. જોકે ટીમ મેનેજમેન્ટે તેને શરૃઆતની બે વન ડેમાં પ્લેઈંગ ઈલેવનમાં ઉતાર્યો નહતો.
-આશીષ નહેરા કરિયર
ટેસ્ટ-૧૭ મેચ ૭૭ રન ૪૪ વિકેટ
વન ડે-૧૨૦ મેચ ૧૪૧ રન ૧૫૭ વિકેટ
ટી-૨૦-૨૬ મેચ ૨૮ રન ૩૪ વિકેટ