મૂળ વડોદરાના વતની એ. જે. દેસાઈ વર્ષ ૧૯૮૫થી ન્યાયતંત્ર સાથે સંકળાયેલા છે
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી આજે વયમર્યાદાના લીધે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે સૌથી સિનિયર જસ્ટિસ એ. જે. દેસાઈની નિયુક્તિ કરવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના નવા કાયમી ચીફ જસ્ટિસની નિમણૂંક થાય નહીં ત્યાં સુધી તેઓ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે.
જસ્ટિસ એ. જે. દેસાઈના પિતા જિતેન્દ્ર દેસાઈ પણ વર્ષ ૧૯૮૩થી ૧૯૮૯ સુધી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા. તેમનો પરિવાર લાંબા સમયથી કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તેઓ ૨૧ નવેમ્બર, ૨૦૧૧ના રોજ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયેલા અને પછી ૬ સપ્ટેમ્બર-૨૦૧૩ના રોજ હાઈકોર્ટના જસ્ટિસ તરીકે કન્ફર્મ થયાં હતા. જસ્ટિસ તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે અનેક મહત્વના ચુકાદાઓ આપેલા છે. આજે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીને ફુલ કોર્ટ ફેરવેલ આપવામાં આવી હતી. જેમાં તમામ વર્તમાન જસ્ટિસ, સિનિયર કાઉન્સેલ્સ, વકીલો, હાઈકોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
જસ્ટિસ એ. જે. દેસાઈ મૂળ વડોદરાના છે અને તેમણે વર્ષ ૧૯૮૨માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં સ્નાતક કરેલુ છે. વર્ષ ૧૯૮૫માં તેમણે સર એલ. એ. શાહ લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવેલી છે. ૨૭ નવેમ્બર, ૧૯૮૫થી વકીલાતની પ્રેક્ટિસ શરુ કરેલી. વર્ષ ૧૯૯૪માં તેઓ હાઈકોર્ટના આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર તરીકે નિયુક્ત થયાં હતા. આ પછી, વર્ષ ૧૯૯૫માં તેઓ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થયાં હતા. તેઓ વર્ષ ૨૦૦૬ થી વર્ષ ૨૦૦૯ સુધી કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ પણ રહી ચૂક્યા છે. તેમની વકીલાતની કારકિર્દી દરમિયાન તેઓ અનેક સિવિલ અને ક્રિમિનલ કેસ લડયા છે.