ફૂડ પેકેટમાં ડ્રાયફૂટ, સ્વીટ, ફરસાણ, ચોકલેટ અને ફ્રૂટનો સમાવેશ
કોરોનાના કેરને મહાત આપવા હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરે તે માટે પોલીસ ખડેપગે છે. આ સમયે પોલીસ માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જે.સી.પી. ખુરશીદ અહેમદ દ્વારા પોલીસ કર્મીઓને ફૂડ પહોચી શકે તેવી વિચારણા કરવામાં આવી હતી ત્યારે હાલ ૧૬ વર્ષનાં અનુભવી આશાપૂરા કેટરીંગ દ્વારા આ બીડુ ઝડપવામાં આવ્યું છે. તેઓ નિત્ય પણે ૩૫૦૦થી વધારે પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ બંને ટંક પહોચાડે છે. જેમાં ડ્રાયફૂટ, સ્વીટ, ફરસાણ, ચોકલેટ અને બે સીઝનલ ફળ મુકવામાં આવે છે.
પોલીસ સ્વસ્થ હશે તો સમાજને પણ સ્વસ્થ રાખી શકાશે: પીઆઈ વી.કે. ગઢવી
ભકિતનગર પોલીસ સ્ટેશન પી.આઈ. વી.કે. ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકડાઉનમા પોલીસ બંદોબસ્તમાં ભકિતનગર પોલીસ સ્ટેશનના ૭૦૦ ઉપરનો બંદોબસ્ત ડિપ્લોય કરાયો છે. જેમાં બે અને ત્રણ સિફટ રાખેલ છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશિદ અહેમદ દ્વારા બંદોબસ્તમાં મૂકાયેલા પોલીસ જવાનો માટે શુધ્ધ અને ગુણવતા વાળુ ફૂડ મળી રહે તે માટે ફૂડ પેકેટ આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હાલમાં તમામ પોલીસ કર્મીઓને ડ્રાયફૂટ,ચોકલેટ, ફરસાણ તેમના પોઈન્ટ પર જ મળી રહે છે. જેથી પોલીસ સ્વસ્થ રહે અને સમાજને પણ સ્વસ્થ રાખી શકે. ફૂડ પેકેટ બપોરે ૧ વાગ્યા પહેલા તમામ પોઈન્ટ પર પહોચાડવામાં આવે છે.