દુનિયાના દરેક ખૂણે વસતા એવા ખમીરવંતી કચ્છીઓએ એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
આજે 848મું કચ્છી નવું વર્ષ છે. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે. દુનિયાના દરેક ખૂણામાં કયાંય પણ વસતાં કચ્છીઓ આજે પોતાના કચ્છી લોકોને નવા વર્ષના વધામણા આપે છે. કચ્છભરમાં લોકો આ દિવસને હર્ષોલ્લાસ સાથે આવકારે છે.
અષાઢી બીજનાં દિવસે મેઘરાજાના શુકન થાય તો ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે. અષાઢી બીજની અનોખી પરંપરા પાછળ ખેતીની વાવણીના હળ જોડવા, દરિયામાંથી સાગર ખેડુઓનું પરત આવવું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે.”
કચ્છી નવા વર્ષ અંગેના ઇતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડી પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તેથી પણ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડુતો આ દિવસો દરમ્યાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે
કચ્છી નવે વરે જી જજયુ જજયુ વધાઇયુ
આજે અષાઢી બીજથી શરૂ થતાં કચ્છી માડુઓના નવા વર્ર્ષે ‘અબતક’ પરિવાર તરફથી શુભેચ્છા સાથે જીવન તંદુરસ્ત, નિરોગી, નિરામય બની રહે, જીવનમાં પ્રેમ દયા ભાવ વધે તેવી અભ્યર્થના.
કચ્છ સંસ્કૃતિને સજીવન રાખવા કચ્છની ભાષા સંરક્ષણ માટે સરકારના શ્રેષ્ઠ પ્રયાસો
અષાઢી બીજ એટલે કચ્છ માટે નવું વર્ષ. ખમીરવંતા સૌ કચ્છીઓને નવા વર્ષની શુભકામના કે જેણે અનેક આપત્તિમાં પણ ધીરજ,એકતા અને પોતાના આત્મબળથી મુસીબતોનો સામનો કરીને ફિનિક્સ પક્ષીની જેમ ફરી ઉડતા શીખ્યા છે. તે પછી ધરતીકંપ હોય કે બિપરજોય વાવાઝોડું હોય તમામ સામે કચ્છીઓએ સામી છાતીએ બાથ ભીડી છે. કચ્છ પ્રદેશની અનેક વિવિધતા છે જેમાં અહીંના રહેવાસીઓ દ્વારા બોલાતી કચ્છી બોલી કચ્છ પ્રદેશની ખાસ ઓળખાણ છે. જે આજેપણ ઘરોઘર જીવંત છે. કચ્છમાં સરહદી વિસ્તારના કેટલાક ગામો છે જયાંના રહેવાસીઓ અને તેના બાળકો માત્ર કચ્છી બોલીમાં જ સંવાદ કરી શકે છે. ત્યારે આ બાળકો અને વાલીઓ સાથે સરકાર સંવાદ કરી શકે તેમજ બાળકો શાળા સાથે આત્મીયતા કેળવીને શિક્ષણ લેતા થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ કચ્છ જિલ્લામાં કચ્છી બોલી ન જાણતા તમામ શિક્ષકોને સરકાર કચ્છી બોલીની તાલીમ આપીને તૈયાર કરે છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લામાં બે વર્ષમાં 208 બિનકચ્છી શિક્ષકોને કચ્છી ભાષાની તાલીમ આપવામાં આવી છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર જણાવે છે કે, શિક્ષકોને તાલીમ આપવા ઉપરાંત ડાયેટ દ્વારા કચ્છી ભાષા પોર્ટલ પર ઓનલાઇન 3000 જેટલા અન્ય લોકોએ પણ તાલીમ લીધી છે. આ પોર્ટલ શિક્ષકોથી માંડીને કોઇપણ નાગરીક કચ્છી બોલી શીખી શકે છે.
કચ્છી બોલીની તાલીમ આપ્યા બાદ એવી શાળાઓ કે જયાં બાળકો ગુજરાતી, હિન્દી જેવી ભાષામાં સંવાદ નથી કરી શકતા ત્યાં શિક્ષકોએ કચ્છી બોલીના માધ્યમથી ગામના નાગરીકોમાં વિશ્વાસ કેળવ્યો છે. જેના કારણે વાલીઓનો શાળા અને શિક્ષકો પર વિશ્વાસ વધ્યો હોવાથી શાળામાં બાળકોની હાજરીમાં વધારો, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કોઇપણ યોજનાકીય માહિતી આસાનીથી વાલીઓ સુધી પહોંચાડી શકાતી હોવાથી સરકારની સર્વાંગી વિકાસની વિચારધારામાં કચ્છી બોલી એક સફળ માધ્યમ બની છે.