બિપરજોય વાવાઝોડા બાદ ફરી મેઘરાજાની જમાવટ: બીજો રાઉન્ડ શાનદાર
રાજયમાં હજી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી: વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ, ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સવારથી અનેક વિસ્તારોમાં મેઘ મહેર
ગુજરાતમાં 10 દિવસ મોડા પડેલા ચોમાસાએ આરંભે જ ભારે જમાવટ કરી છે આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં 125 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના 58 તાલુકાઓમાં મેઘકૃપા વરસી છે. સવારથી 33 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.આગામી ચાર દિવસ હજી મધ્યમથી ભારેવરસાદની આગાહી આપવામાં આવી છે.નોંધપાત્ર વરસાદથી જળાશયોમાં પણ પાણીની આવક થવા પામી છે. રાજયમા સિઝનનો 12.10 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 15 જૂન આસપાસ બેસી જતુ હોય છે. પરંતુ આ વર્ષ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ચોમાસુ નિધારિત સમય કરતા 10 દિવસ મોડુ બેઠું છે મોડા પડેલા મેઘરાજાએ આરંભે જ જમાવટ કરી છે.અષાઢમાં મેઘરાજા અનરાધાર વરસે તેવી સુખદ આશા ઉભી થવા પામી છે. શનિવાર બાદ રવિવારે પણ મેઘરાજાની અમીકૃપા વરસી હતી. બિપરજોય વાવાઝોડાની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ માંગ્યા મેઘ વરસ્યા છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 125 તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ પડયો છે. ભાવનગરનાં ઘોઘામાં 3 ઈંચલ, ભરૂચ, સાયલા, ધારી, અમરેલી, ભેંસાણ, બરવાળામાં બે ઈંચ વરસાદ પડયો હતો. વેરાવળ, ભાવનગર, માંગરોળમાં પોણાબે ઈંચ, વાગરા,વાપી, ગીરગઢડા, સુત્રાપાડા, કોડીનારમાં દોઢ ઈંચ, અંકલેશ્ર્વર, બોટાદ, ગોંડલ, સિંહોર, જૂનાગઢ, રાજકોટ, બાબરા,મોડાસા, કપરાડા, પડધરી, માણાવદર, કુતીયાણામાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.
આજે સવારથી રાજયના 33 જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેતપૂર અને કુતીયાણામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વાપી, ભેંસાણ, ધોરાજી, ઉમરગામ, પોરબંદર, ગણદેવી,પારડી, ભાણવડ, કપરાડા, માળીયાહાટીના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હજી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસી ગયો છે. જગતાત ખૂશખૂશાલ બની ગયો છે. વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ થઈ ગયું છે.
ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા, રાજપર, સુમરા, હમાપર, ખીજડીયા, માનસર, રોજીયા, સહિતના ગામડાઓમાં મેઘરાજા મન મુકી ને વરસીયા વિસ્તા હોકળા ગાડા તુર બે કાંઠે વહી રહી છે પંથકના વિસ્તારમાં ધ્રોલ મા ધીમી ધારે વરસાદ પંથક મા સારા એવા વરસાદથી ખેડૂતોને ખુશ ખુશ જોવા મળ્યા હતા પ્રાથમિક વિગતો મુજબ મોટા ઈટાળા ગામે કપાસ ભરેલો ટ્રક વોકળા માં ફસાઈ ગયો હતો વરસાદ રહેતા ટ્રક બહાર કઠાયો હમાપર ગામે આવેલી ધેલ નદી નવા નીર આવ્યા હતા.અમરેલી જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે
અમરેલી જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ થયું છે અને ખેડૂતોને ખેતરોમાં જરૂરિયાત પ્રમાણે વરસાદ થવાથી ખુબજ ફાયદા કારક નીવડ્યો છે ત્યારે બે દિવસમાં પડેલા વરસાદ થી સ્થાનિક નદીઓમાં નવા પુર આવ્યા હતા અને સખત ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસવાનું શરૂ થઈ જતાં લોકોને પણ ગરમીમાંથી રાહત મળી હતી. તેમજ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. અમરેલી શહેર અને ગ્રામ્યમાં બે દિવસથી પડતા વરસાદથી 47 મી. મી. જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત આજે શેત્રુંજી નદીમાં પણ પાણીની આવક થઈ હતી.
ચોમાસાની છડી પોકારાતી હોય એ રીતે ગઈકાલે રાત્રિના ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદના વાવડ સોરઠ પંથકમાંથી મળી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી દોઢ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે તેની સાથે આકાશમાં ઘટાટોપ વાદળા બંધાતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. સમયસર વરસાદના અમીછાંટણા થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આમ જોઈએ તો, હવામાન વિભાગ દ્વારા આ માસના અંતના પાંચ દિવસમાં સોરઠ પંથકમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે જ ગતરાત્રિના વરસાદે સોરઠ પંથકમાં અમી વર્ષા કરી હતી અને જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચારો જિલ્લામાંથી મળી રહ્યા છે. ત્યારે સમયસર વરસાદ થતાં જેમણે વાવેતર કરી દીધું છે તેવા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો જેમને વાવેતર કરવાનું બાકી છે તેના માટે આ વરસાદ ખૂબ ફાયદાકારક ગણાશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
જુનાગઢ જિલ્લામાંથી મળતા સમાચાર અનુસાર આજે સવારના 6 વાગ્યા સુધીમાં માણાવદરમાં એક ઇંચ, વંથલીમાં પોણો ઈંચ, જૂનાગઢમાં દોઢ ઇંચ, ભેસાણમાં પોણા બે ઇંચ, મેંદરડામાં દોઢ ઇંચ, માંગરોળમાં પોણો ઈંચ, માળિયામાં અડધો ઇંચ અને જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયા હોવાના સરકારી આંકડા મળી રહ્યા છે.
આમાં જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રિથી આજ સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ ભેસાણમાં પોણા બે ઇંચ નોંધાયો છે. જ્યારે વિસાવદર અને કેશોદ તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હોવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. તે સાથે હાલમાં આજ વહેલી સવારથી જ નભમાં કાળા ડમર વરસાદી વાદળા બંધાયા છે, ત્યારે જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને આજે દિવસ દરમિયાન પણ જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડે તેવું મનાઈ રહ્યું છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની વકી
આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. તો 27 જૂને મેઘરાજાના નવસારી, ગીર સોમનાથ, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
28 જૂને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે.
દિલ્હી-મુંબઈમાં એકસાથે મેઘમંડાણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 જૂન, 1961 પછી આ પ્રથમ વખત છે જ્યારે ચોમાસું દિલ્હી અને મુંબઈમાં એક સાથે ત્રાટક્યું છે. આઇએમડી અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, તમિલનાડુ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઈશાન ભારત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
પ્રથમ વરસાદમાં મુંબઈમાં પાણી ભરાતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાઓ પર કમર સુધી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાયગઢ અને રત્નાગિરીમાં ઓરેન્જ અલર્ટ તો પાલઘર, મુંબઈ, થાણા અને સિંધુદુર્ગમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ઘરોના સામાન પણ ખેંચી લાવ્યું છે, ત્યારે અંધેરી સબવે પાસે એક નાળામાંથી ફ્રીજ, કબાટ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. મુંબઈના ઘાટકોપરમાં વરસાદને કારણે ત્રણ માળના મકાનનો પહેલો માળ જમીનમાં ધસી ગયો હતો. જેના કારણે તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ
ટીમને બોલાવવી પડી હતી. મુંબઈના વિલે પાર્લેમાં એક ઈમારતની બાલ્કની ધરાશાયી થતાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.મુંબઈના ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિકને પણ અસર
થઈ છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સફદરજંગ વેધશાળાએ કહ્યું કે તેણે 24 કલાકમાં 48.3 મીમી વરસાદ નોંધ્યો છે. ઈંખઉ અનુસાર, ધનસા વેધર સ્ટેશનમાં લગભગ 80 મીમી, જાફરપુર અને લોદી રોડ પર લગભગ 60 મીમી, આયાનગર અને મુંગેશપુરમાં લગભગ 50 મીમી અને એસપીએસ મયુર વિહારમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.
હિમાચલમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ મંડી-કુલી નેશનલ હાઇવે બંધ
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરને ધ્યાનમાં રાખીને મંડી-કુલી નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે મંડીમાંથી પસાર થતી બિયાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ અને પૂરના કારણે મોટાપાયે નુકસાન થયું છે. મંડી જિલ્લાના જંજેલીમાં અચાનક આવેલા પૂરના કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. બાગી અને મંડી ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ ભારે વરસાદ અને વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે.