- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 158 તાલુકામાં મેઘ મહેર: રાજકોટના વિંછીયામાં પાંચ ઇંચ: જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘો મહેરબાન: આજે સવારથી ગીર સોમનાથ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં મેઘાવી માહોલ જામ્યો
- આગામી પાંચ દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 50 તાલુકામાં ઝાપટાથી લઇ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા
રાજ્યમાં વરસાદી સિસ્ટમના લીધે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક થી લઇ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાતમાં લાવે તેવી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જે બાદ બે દિવસ છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી છે. આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
માણાવદરના સીતાણા-નાનડીયા ગામમાં આભ ફાટ્યું
સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ જાણે હેત વરસાવ્યું હોય તેમ સાર્વત્રિક પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ માણાવદર તાલુકાના સીતાણા-નાનડીયા ગામમાં જાણે આભ ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં જ આઠ ઇંચ વરસાદ વરસી જતા ચારેકોર જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં સૌથી વધુ વરસાદ ગામમાં આવેલ દલીતવાસમાં 15 થી 20 જેટલા મકાનો અને પ્લોટ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. સાથે ગામનો મુખ્ય ગેઇટ ધોવાઇ ગયો હતો. સાથે ગામની બહાર આવેલા સીમ વિસ્તારમાં માર્ગો, વૃક્ષો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જો કે, વરસાદ રહી ગયાના એક કલાકમાં પાણી ઉતરી જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
આખરે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અષાઢી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર સોમનાથના વેરાવળ-પાટણમાં સવા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં પાંચ ઇંચથી વધુ, માંગરોળ તથા માળીયા હાટીનામાં પોણા પાંચ ઇંચ વરસાદ, રાજકોટના વિંછીયામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સાંજે કલાકમાં જ બે ઇંચ વરસાદથી ચોમેર પાણી ભરાયા હતા. જૂનાગઢના માણાવદર તેમજ વેરાવળના ઇન્દ્રોયમાં વિજળી પડતા વિજ ઉપકરણો ખાખ થઇ ગયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર અને પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા. બપોરે 1:00 કલાકે પડેલા ચાર ઇંચ જેટલા વરસાદના પગલે બસ સ્ટેશન રોડ, સુભાષ રોડ, સટ્ટાબજાર સહિત અનેક વિસ્તારો તથા સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા અને સાંજ સુધીમાં સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. વેરાવળના ઇન્દ્રોય ગામમાં મકાન પર વિજળી પડતા ઘરની અંદર રહેલા ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતા. સદ્નશીબે જાનહાની ટળી હતી તો બીજી બાજુ વેરાવળના સુત્રાપાડામાં દોઢ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વિંછીયા તાલુકામાં બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ થતા ચોમેર પાણી ભરાયા હતા. જ્યારે રાજકોટ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
જૂનાગઢમાં પણ મેઘરાજા ફરીથી મહેરબાન થયા છે. માણાવદરમાં સવા પાંચ ઇંચ, માંગરોળમાં સાડા ચાર ઇંચ, માળીયા હાટીનામાં સાડા ચાર ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, ભેંસાણમાં દોઢ ઇંચ તેમજ જૂનાગઢ શહેર તાલુકામાં સવા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કેશોદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા. જેમાં મંગલપુર, જોનપુરનો રસ્તો બંધ થયો હતો. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જૂનાગઢના માણાવદર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન જી-શ્ર્વાન ટાવર પર વિજળી પડતા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર અને સમાજ સુરક્ષા શાખા મળી કુલ પાંચ કોમ્પ્યૂટર બંધ થઇ ગયા હતા.
પોરબંદરમાં પણ વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં પોરબંદરમાં અઢી ઇંચ, રાણાવાવમાં પોણા બે ઇંચ, કુતિયાણામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. માધવપુરમાં પણ ગઇકાલે વહેલી સવારે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
જામનગર શહેરમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દ્વારકા જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ખંભાળીયામાં અઢી ઇંચ અને કલ્યાણપુરમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભાવનગરમાં મોડી રાત્રે ગારીયાધર, તળાજા અને જેસર તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો તો મહુવામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના અબડાસામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં પણ તોફાની પવન સાથે વરસાદનો માહોલ સર્જાયો હતો. અબડાસામાં વિજળી ત્રાટકતા 23 બકરીઓના મોત નિપજ્યા હતા.