મહિલા દિને જ મહિલા કર્મીઓને માંગણી માટે સુત્રો પોકારવા પડયા
પુરતું વેતન ન મળતું હોવાની ફરિયાદને લઇ મહિલાઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો:સરકારી નોકરિયાત વર્ગોમાં પણ આશાવર્કર બહેનોને સમાવવામાં ન આવતા રોષ
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ જીલ્લા પંચાયત હસ્તક અનેક આશાવર્કર તેમજ ફેસીલીએટર બહેનો ફરજ બજાવે છે અને વર્ષોથી આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે પરંતુ સરકાર દ્વારા કોરોના જેવી મહામારીમાં જીવના જોખમે કામગીરી કરતાં હોવા છતાં નજીવી રકમનું વળતર ચુકવવામાં આવતાં અનેક વખત રજુઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ ન આવતાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનને દિવસે મોટીસંખ્યામાં આશાવર્કર બહેનો એકત્ર થઈ હતી અને કાળી પટ્ટી બાંધી જીલ્લા કલેકટરને ઉગ્ર રજુઆતો કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક આશાવર્કર અને ફેસીલીએટર બેહનો છેલ્લા 10 મહિનાથી કોરોનાની મહામારી દરમ્યાન પણ જીવના જોખમે આરોગ્યલક્ષી કામગીરી કરી ફ્રન્ટ લાઈન વોરીયર્સ તરીકે મહત્વની ભુમીકા બજાવી રહ્યાં છે પરંતુ સરકાર દ્વારા આશાવર્કર બહેનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના મહામારીના ભય વચ્ચે આશાવર્કર બહેનો અઠવાડીયાના સાત દિવસ સતત જોખમી કામગીરી કરી રહી છે પરંતુ તેના બદલામાં આશાવર્કર બહેનોને દૈનિક રૂા.33.33 તથા ફીસીલીએટર બહેનોને દૈનિક રૂા.17 જેટલી રકમનું વળતર ચુકવવામાં આવે છે. આ નજીવી રકમમાં પરિવારનું મોંધવારીમાં ગુજરાન પણ ચલાવી શકાતું નથી આથી આશાવર્કર અને ફીસીલીએટર બહેનો રેગ્યુલર મહેકમ ઉભું કરવું, કાયમ કરવા, ફીક્સ પગાર આપવો, 180 દિવસની વેતન સાથે મેટરનીટી લીવ આપવી, પેન્શન યોજનાનો લાભ આપવો, પ્રોત્સાહિત રકમ આપવી તેમજ નિયમીત અને પુરતો પગાર અને દર વર્ષે યુનીફોર્મ તરીકે બે સાડી આપવી સહિતની વિવિધ માંગો સાથે જીલ્લાભરની આશાવર્કર અને ફેસીલીએટર બહેનો શહેરના ટાગોર બાગ સાથે એકત્ર થઈ હતી અને સરકાર સામે રોષ દાખવી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં. જ્યારે એક તરફ સરકાર દ્વારા બેટી બચાવો, મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ આશાવર્કર અને ફેસીલીએટર બહેનોનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી ઉગ્ર રજુઆતો કરી હતી.