સુરેન્દ્રનગરમાં આશા બહેનોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા સંમેલન યોજાયું; શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એવોર્ડ અપાયા
છેવાડાના અંતરિયાળ વિસ્તારના લોકોના આરોગ્ય માટે આશા બહેનોની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે, તેમસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પંડિત દિન દયાળ ટાઉન હોલ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આશા બહેનોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા યોજાયેલ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરિયાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, બાળક દેશનું ભવિષ્ય છે, તંદુરસ્ત માતા હશે તો બાળક તંદૂરસ્ત રહેશે. આશા બહેનો આવનાર બાળકની તંદુરસ્તી માટેના સ્વાસ્થ્યની પુરતી તકેદારી અને સારસંભાળ રાખે છે. આ તકે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારની લોકોને સમયસર આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે આશા બહેનો સતત કામ કરે છે. આશા બહેનો આરોગ્યલક્ષી સલાહ- માર્ગદર્શન આપી સાચી જગ્યા બતાવવાનું કામ કરે છે.
ગ્રામ્ય વિસ્તારમાં આશા બહેનો આરોગ્યક્ષેત્રે મહત્વની ભૂમિકા બજાવે છે. માતા મરણ, બાળ મરણ અને કુપોષણની સમસ્યા ઘટે તે માટે આશા બહેનો મહત્વની કામગીરી બજાવી રહી છે.કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય તેમજ જિલ્લામાં તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં.આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કાંતિભાઈ ટમાલીયા, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઈ ટોલીયા, ઉપપ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. પી.કે. પરમાર, ર્ડા. ડી.કે.વાઘેલા, મુખ્ય તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, ફિમેલ હેલ્થ વર્કરો તથા આરોગ્ય કર્મચારીઓ સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહયા હતા.