૮૦ સ્વયંસેવકોની ટીમ ભાવિકો માટે ખડેપગે રહી: સવારના નાસ્તાથી રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થા
જુનાગઢ મહાશિવરાત્રી કુંભમેળામાં આસારામબાપુના નામથી ધમધમતું અન્નક્ષેત્ર સમાજ માટે નવો રાહ ચિંધનારું બન્યું છે. વર્તમાન સમયમાં કાયદાના વમળમાં ફસાયેલા આસારામબાપુનો મોટો સેવક સમુદાય વર્ષોથી મહાશિવરાત્રી મેળા તેમજ ગિરનારની લીલી પરીક્રમામાં અવિરતપણે હરી ૐ ના નાદ સાથે સેવાની ધુણી ધખાવે છે. સવારના નાસ્તાથી લઈ રાત્રીના ભોજન સુધી અવિરતપણે ચાલતા અન્નક્ષેત્રમાં સ્વયંસેવક બે કલાકનો આરામ કરે છે અને ૪ કલાક અન્નક્ષેત્રની સેવા બંધ રહે છે.
જુનાગઢ મહાશિવરાત્રી કુંભમેળા દરમિયાન આસારામબાપુના સ્વયંસેવકો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, છેલ્લા ૩૨ વર્ષથી તેમના બાપુની આજ્ઞા અને આદેશ અનુસાર મહાશિવરાત્રી મેળા અને પરીક્રમા દરમિયાન લોકસેવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરાય છે પરંતુ આ અન્નક્ષેત્રમાં લોકો માટે સવારના નાસ્તાથી લઈ રાત્રીના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તદઉપરાંત અશકતો અને વૃદ્ધો માટે આરામની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે છે. અન્નક્ષેત્રોમાં પધારતા સાધુ-સંતોને તેમજ દરિદ્રનારાયણોને ભોજન પ્રસાદ સાથે દાન દક્ષિણા આપી તૃપ્ત કરાય છે. સતત હરિ ૐ નું રટણ કરી મુંગા મોઢે ૧૦૦ મીટર દુરથી પાણી ભરીને લાવતા સ્વયંસેવકનો વિશ્ર્વાસ આજેય તેમના બાપુ પર અડગ છે. લાખો રૂપિયાની રાશન સામગ્રી સાથે ૨,૭૫,૦૦૦ જેટલા પુસ્તકોનું મફત વિતરણ શિવરાત્રી મેળા દરમિયાન કરવામાં આવ્યું હતું.