ગિરનાર તળેટીમાં 99મી પરિક્રમા ધર્મસભામાં જૈન જૈનેતર શ્રાવકો ઉમટી પડયાં
આજે ઘરોમાં, સમાજમાં, સંસ્થાઓમાં અને પ્રસંગોમાં વડીલોની આંખની શરમ રાખવાનું લગભગ બંધ થઈ ગયું છે. વડીલોની હાજરીમાં દીકરા – દીકરીઓ છૂટથી મિત્રો સાથે મજાક મશ્કરીઓ કરી રહ્યા છે. મા – બાપના સેવેલા અરમાનોના યુવા પેઢી દ્વારા ભાંગીને ભુકા બોલાવી દેવામાં આવ્યા છે. વર્તમાનમાં સંવેદના લકવા ગ્રસ્ત બની ગઈ હોય એવું જણાય છે અને શરમ નામનું જળ સુકાવાના કારણે સંસ્કૃતિના આદર્શોનો કચ્ચરઘાણ બોલાઈ રહ્યો છે. તેમ જૈન આચાર્ય પદ્મદર્શનવિજયજી મહારાજે ગઈકાલે ગિરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં યોજાયેલ ધર્મ સભામાં શ્રાવકોને જણાવ્યું હતું. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં જેનાચાર્ય હેમવલ્લભસુરજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં 99 પરિક્રમા ચાલી રહી છે. જે દરમિયાન ગઈકાલે જેનાચાર્ય પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, ઈમોશનલ એટેચમેન્ટ ઘટવા લાગ્યું છે, લાગણીનું સ્થાન માગણીઓએ લીધું છે.
પ્રભુ સાથે સદગુરુ સાથે અને માતા – પિતા સાથે, મિત્રો સાથે કે પરિચિતો સાથે સંબંધોમાં લાગણી નામનું તત્વ ઓછું થયું છે. સંબંધોમાં પણ આક્ષેપબાજી, તનાવ, શંકા, વહેમ અને રુક્ષતાનું પ્રમાણ વધ્યું છે.શ્રાવકોને શીખ આપતા પદ્મદર્શનવિજયજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, જેની પાસે આદર કે કદર છે તેને મૃત્યુ પછી પણ લોકો યાદ કરશે. આજે સર્વત્ર રિસ્પેકટર નામના ગુણોનો દુષ્કાળ ચાલી રહ્યો છે. સજ્જનોની વસ્તી અત્યારે ઘટી રહી છે અને દુર્જનોની સેના દિન પ્રતિદિન વધતી જાય છે. સત્કાર્ય કરનારની પ્રશંસા થશે તો કુટુંબ, પરિવાર, સમાજ અને દેશમાં સત્કાર્ય કરનારાઓની સંખ્યા વધી જશે.