“કહેવાતા આંદોલનોમાં સફેદ ઠગો તો છાવણી કે પડદા પાછળ હોય છે, પણ તેમના સીસકારે ઘણી અફડાતફડી મચી કરોડો અબજો રૂપિ યાનું દેશને નુકશાન પહોંચતુ હોય છે!”
હિન્દુસ્તાનમાં આઝાદી આવી ત્યારથી જ દેશના રાજકારણીઓએ પોતાની વોટબેંકો તૈયાર થાય તે માટે જ્ઞાતિ આધારિત રીતિ-નીતિ અખત્યાર કરેલી. પ્રગતી અને વિકાસના નામે શરૂઆત કરી અનેક જુદી જુદી જ્ઞાતિઓનાં કુંડાળા ઉભા કરી દીધેલા પરંતુ આ કુંડાળાની હવે સમાજની એકરૂપતા સમરૂપતા માટે અવરોધરૂપ તો થયા છે. પરંતુ કયારેક તો કાયદો અને વ્યવસ્થા માટે તેમજ સમાજની શાંતિ માટે મોટા વિઘ્નો બની રહે છે. હાલના રાજકીય સંજોગો જોતાતો આ જ્ઞાતિના કુંડાળા રાજકારણીઓ માટે જ પેલી કહેવત મુજબ સાપે છછુંદર ગળ્યા પ્રમાણેના થઈ ગયા છે. જો ખાઈ જાય તો મરી જાય અને પાછુ કાઢે તો આંધળા થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ આ પાપે અત્યારે નિદોર્ષ જનતા આ જ્ઞાતિ આધારિત રાજકારણના કુંડાળામાં કેટલીક વખત એટલી ખરાબ રીતે પરેશાન થતી હોય છે કે ન પૂછો વાત.
આધુનિક આંદોલનો ભારતના
મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોની ગુલામી સામે વિરોધ પ્રગટ કરવા માટે અહિંસક સત્યાગ્રહ અને આંદોલનો કરેલા. પરંતુ આધૂનિક રાજકારણીઓ તો ફકત આ ગાંધીજી પ્રકારનાં અહિંસક આંદોલનનું મહોરૂ જ ધારણ કરે છે. તેની ભીતર તો ભાંગ-ફોડના કાવત્રા જ હોય છે. સામાન્ય રીતે અહિંસક આંદોલન અને સત્યાગ્રહ માટે ઘણો લાંબો સમય જોઈએ તે હાલના ઝડપી યુગમાં લાંબો સમય મથવું કોઈને પોસાતું નથી. આથી આવા અસહકાર કે અહિંસક આંદોલનના કાર્યક્રમો ચાલુ કરે પરંતુ તે કયારે અક્રમક બનીને ત્વરીત પરિણામ આપનારૂ હિંસક આંદોલન બંને તે નકકી હોતુ નથી જોકે સફેદ ઠગો તો છાવણીમાં જ બેઠા હોય છે. અને તેમના સીસકારે ઘણી અફડાતફડી મચી જઈ કરોડો રૂપીયા અને કયારેક અબજો રૂપીયાની જાહેર મીલ્કત કે જે દેશની અમૂલ્ય સંપતિ છે તેને નુકશાન પહોચાડી દેતા હોય છે. અને નિદોર્ષ જનતા પરેશાન થાય કોઈ જાનહાની થાય તે જુદી. આ પછી પોલીસ હરકતમાં આવે ગુન્હા દાખલ થાય પરંતુ જેલમાં પેલા પીપુડી વગાડતા છાવણીમાં બેઠેલા સફેદ ઠગો જતા નથી પણ અન્ય માનતાના માનેલા ઉશ્કેરાઈ ને તોફાનો કરે તે અને કેટલીક વાર નિદોર્ષ પણ જેલયાત્રામાં ફસાઈ જતા હોય છે.
સામાન્ય રીતે ધંધાદારી ગુનેગારો તો પોતાની રીતે સોફટ તાર્ગેટ ઉપર હુમલો કરી ગુન્હો કરી નાસી જતા હોય છે. ગુનેગારો સામેના પક્ષે કઈ જ્ઞાતિ કે કોમની વ્યકિત છે તે જોતા નથી તેઓ પોતાનો હેતુ બરલાવીને ફરાર થઈ જતા હોય છે. જો ગુન્હો ધ્રુણાજનક અને ગભીર હોય તો ભોગ બનનાર જ્ઞાતીના આગેવાનો કડક પગલા લેવા માટે આરોપીઓને તાત્કાલીક પકડવા માટે ભેગા મળીને જેતે જીલ્લાના પોલીસ વડાને આવેદન પત્રો આપી રજૂઆતોકરતા હોય છે. આ બધુ થાય ત્યાં સુધી લોકશાહીની દ્રષ્ટીએ અને ઢબે બરાબર છે.
પરંતુ આવા ગંભીર અને દુ:ખદ બનાવોમાં પણ રાજકારણીઓ ખાસ તો જે વિપક્ષમાં હોય તેઓ જેમ ‘વૃક્ષ નીચે ઉભેલા શીયાળને વૃક્ષ ઉપર બેઠેલા કાગડાના મોઢામાં રહેલો મલિતાનો ટુકડો કયારે એને કેવી રીતે નીચે પડે અને ખાઈ જાવ તેમ સતાધારી પક્ષ કેમ અને કેવી રીતે જલ્દી ઉથલી પડે કે બદનામ થાય તેવા બીન લોકશાહી ઢબના રસ્તાઓ શોધતા જ હોય છે. જેમ ગુન્હામાં અત્યાચારનો ભોગ બનેલ વ્યકિતની જ્ઞાતીની વસ્તી વધારે (મતદાન વધારે) તેમ રાજકારણીઓ દંભી સહાનુભૂતિ પણ વધારે ! એ સહજ છે. કે જે તે જ્ઞાતીના આગેવાનો યોગ્ય રજૂઆત કરે, પરંતુ સ્વાર્થી અને લુચ્ચા રાજકારણીઓ લોકશાહી ઢબે રજૂઆતને બદલે સીધા જ સમગ્ર સમાજને બાનમાં લેવાના પ્રયત્નો ચાલુ કરી દે. ઉપવાસ આંદોલન અને તેની છાવણીતો દેખાવની હોય છે. છાવણીની સ્થાપના થાય કે તૂર્ત જ રેલી રેલા અને બંધ ચકકાજામ વિગેરે કાર્યક્રમો જે તે જ્ઞાતીને ભડકાવવા માટે નવા નવા નુસખાઓ અજમાવતા હાલ ના સમયમાં સોસીયલ મીડીયાનો ઉપયોગ કરતા જ તોફાનો, આગજની, મારામારી, તોડફોડ વિગેર બનાવો બનવા લાગે વળી આ સમગ્ર માહોલને મીડીયા જગત તેમની આંતરીક હરીફાયમાં વધુને વધુ ઉતેજક બને તે રીતે સમાચારો પ્રસિધ્ધ થતા ભોગ બનનાર જ્ઞાતીના દૂર દૂર રહેતા જ્ઞાતીજનો પણ તેનાથી ઉશ્કેરાય જતા તેઓ પણ સ્થાનિક કક્ષાએ કાર્યક્રમો આપવા માંડે તે અંગે ઉશ્કેરણી ચાલુ થઈ જાય છે. આમ તોફાનો પ્રસરતા સમગ્ર વિસ્તારના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તૂટે, ટુંકમાં આ તમામના પરિણામોનો ભોગ નિદોર્ષ આમ જનતા, વહીવટી તંત્ર તેમાય ખાસ તો પોલીસ દળ બનતું હોય છે. ગુનેગારો તો નાસી જઈને પોતાની રીતે આ બધો તાલ તાશીરો જોતા હોય છે. કયારેક તો તોફાનો એવા જલદ બને કે સમગ્ર સમાજ થંભી જાય, ટુંકમાં સત્તા વિહોણા રાજકારણીઓ એવો માહોલ ઉભો કરે કે સત્તાધારી રાજકારણીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલ છે. સામે ગુનેગારોના સીતમનો ભોગ બનેલ જ્ઞાતી ને એવું મહેસુસ થાય કે આપણી જ્ઞાતીનાં મસિહા તો વિરોધ પક્ષ વાળા જ છે. આ દરમ્યાન વળી સતાધારી પાર્ટીનું પણ મતબેંક લૂટાઈ જતુ હોય કયારેક તો સરકાર કક્ષાએથી જ ભોગ બનનાર જ્ઞાતીના પણ બીજા જીલ્લાનાં વિધાયકો કે મંત્રીઓ (પ્રધાનો) ને પણ આ આંદોલનમાં ભોગ બનનાર જ્ઞાતીની મદદમાં મોકલતા હોય છે. જેથી સતાધારી પક્ષ પ્રત્યે ભોગ બનનાર કોમને એમ થાય કે પોતાની જ્ઞાતી પ્રત્યે સતાધારી પક્ષને પણ સહાનૂભૂતી છે જ !
આ તમામ કાર્યક્રમોમાં જે તોફાનો થાય નુકશાન થાય નિદોર્ષ જનતા પરેશાન થાય કયારેક કોઈ નિદોર્ષોના મૃત્યુ થાય તે, પણ પોલીસ દળ અને વહીવટી તંત્ર તો તેની રીતે કાયદેસરની કાર્યવાહી કરતા જ હોય છે, પણ આ થતી કાર્યવાહી અંગે અને બનાવો અંગે પણ રાજકીય રોટલાઓ શેકાતા જ હોય છે. છેલ્લે તો વહીવટી તંત્રની કામગીરી ને કારણે વહેલુ મોડુ પરિણામ તો આવવાનું જ હોય છે પછી નસીબે જેને જસ મળે તેને ! પરંતુ આ દરમ્યાન કરોડો કયારેક અબજો રૂપીયાની નુકશાનીના કેસો રાજય સરકાર પાછા ખેંચતી હોય છે. આમ છેલ્લે તો જાહેર સંપતિ, દેશને જ નુકશાન.
આ તાલ હજુ સમાજમા ચાલુ જ છે. અને જયાં સુધી આ સરકારી ધોરણે જ્ઞાતી આધારીત ગાંઠો ઉભી કરેલી છે. તે નહિ છૂટે ત્યાં સુધી ચાલુ જ રહેશે. સિવાય કે જનતા જાગૃત બની સમગ્રતયા બુધ્ધિથી વિચારી કોઈનો ખોટો હાથો બને નહિ ત્યાં સુધી.
આધુનિક આંદોલનો પશ્ર્ચિમના દેશોના
આપણે પશ્ર્ચિમ ના દેશોની શિસ્ત બધ્ધતા; પ્રગતિ અને સમૃધ્ધિની તો વાતો કરતા રહીએ છીએ પરંતુ તે દેશોમાં આવા બનાવો બને તો જનતા હાથમાં કાયદો લેતી નથી પરંતુ કેન્ડલ (મીણબતી) લઈને ઉભી રહે છે. અથવા કેન્ડલ માર્ચ કરે છે. દા.ત. ન્યુયોર્કના ટવીન ટાવર ઉપર આતંકવાદી હુમલા પછીના ત્યાંની જનતાના પ્રત્યાઘાત, આપણા દેશમાં કેન્ડલમાર્ચ ને બદલે, હિંસક, આગજનક રેલીઓ કાઢી અનેક જાહેર સંપતિઓ, વાહનોને કરોડો રૂપીયાનું નુકશાન પહોચાડીને (જે મીલ્કત જનતાની; પોતાના દેશની જ સંપત્તિ છે) તેને નુકશાન કરી પોતાના પગ ઉપર જ કુહાડા મારતા હોઈએ છીએ જે હકિકત ભૂતકાળના બનાવો ઉપરથી જોઈ શકાય છે.
ખૂની ગીરનારમાં અને કમઠાણ રાજકોટમાં !
આવો જ એક બનાવ જયારે પીઆઈ જયદેવ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે બનેલો મુળ બનાવ તો ખરેખર જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર બનેલો પરંતુ તેના પ્રત્યાઘાત સમગ્ર પણે સૌરાષ્ટ્રમાં પડેલા.
ગીરનાર પર્વત ઉપર એક કુટુંબ ધાર્મિક દર્શન કરવા અને ફરવા માટે ગયેલુ, પહાડ ઉપરના રમણીય વાતાવરણ, પહાડી દ્રશ્યો, લીલીવનરાજી અને પશુપંખીઓને જોતા જોતા કુટુંબ આનંદ કિલ્લોલ કરતું આરોહણ કરી રહ્યું હતુ. આપણા દેશમાં લગભગ તમામ ધાર્મિક અને પવિત્ર સ્થાનો ધંધાદારી ગુનેગારો માટે પસંદગીના સ્થળો છે કારણ કે લોકો અહિં શ્રદ્ધાથી ભાવનામય હોતા જતુ કરવાની મનોવૃત્તિ વાળા હોય છે. તેથી ગુનેગારોના સોફટ ટાર્ગેટ બને છે. આમ તે સમયે અમૂક ગુનેગારોએ આ ગીરનાર પર્વતને પણ પોતાની પસંદગીનું સ્થળ બનાવેલું.
આ કુટુંબ પર્વત ઉપર આનંદ કિલ્લોલ કરતુ ચડતુ હતુ દરમ્યાન સહજ રીતે મોટી ઉંમરની વ્યકિતઓ પગથીયા ધીમે ધીમે ચડે તેથી પાછળ રહી જાય અને યુવાન વ્યકિતઓને થાક પરિશ્રમ ઓછો લાગે તેથી તેઓ પગથીયા ઝડપથી ચડી આરોહણમાં આગળ નીકળી જતા હોય છે. તેમ આ કુટુંબની બે ક્ધયાઓ અહિં પર્વત ઉપર સંપૂર્ણ પણે ખીલી ઉઠેલી પ્રકૃતિમાં લીલાછમ વૃક્ષો વેલો અને વિવિધ પક્ષીઓ જોતા જોતા ખૂબજ આગળ નીકળી ગઈ. ગીરનાર પર્વત ઉપરના પગથીયાની કેડીઓ પહાડમાં નાના મોટા ટેકરાઓ; વળાંકો, પાર કરતા ગાઢ જંગલમાંથી પસાર થતી હોય છે.
આ આગળ નીકળી ગયેલી બે ગભરૂ અને અજાણી ક્ધયાઓને આવા માહોલમાં એકલી પર્વત ઉપર ચડતી જોઈને આ વિસ્તારમાં રખડતા આવારા અને ધંધાદારી બે નાલાયક ગુનેગારોની દાઢ લળકી અને પોતાના શસ્ત્રો છરા કાઢીને અચાનક જ બંને ક્ધયાઓને પકડી લીધી ઉત્સાહ અને જોશમાં ક્ધયાઓ તેમના કુટુંબીજનોથી ખૂબજ આગળ નીકળી ગઈ હતી. તેથી ચિસો પાડી પણ નિર્જન જંગલમાં કોણ સાંભળે ? ગુનેગારો છરાની અણી એ ધમકી આપી બંને ક્ધયાઓને પગથીયાની બાજુમાં આવેલ જંગલમાં ખેંચી ગયા જંગલમાં થોડે દૂર લઈ જઈ બંને નરાધમોએ પોતાનો બળાત્કાર કરવાનો મનસુબો જાહેર કર્યો એક ક્ધયાએ છટકવા માટે ઝપાઝપી કરી ભાગવા કોશિષ કરતા આ નરાધમોએ તે ક્ધયાનું ઘાતકી રીતે ખૂન કરી નાખ્યું અને બાકી પોતાનો મનસુબો પૂરો કરી જંગલમાં નાસી છૂટયા બીજી ઘાયલ ક્ધયા પગથીયા ઉપર પાછી આવી અને તેમના કુટુંબીજનોને બનેલ ઘટનાની જાણ કરી.
ભયંકર હાહાકાર થયો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સાથે ખૂનનો ગુન્હો નોંધાયો. જવલ્લે જ બનતી હીચકારી ઘટના પ્રકારનો ગુન્હો હોઈ વળી ગુનેગારોનાં નામ નામનમુદ પણ નહિ હોય પોલીસ દળ બરાબર ધંધે લાગ્યું. પોલીસ અધિકારીઓ પોતાનું કાર્ય ખંતથી ગંભીરતાથી અને પોતાની પૂરી હેસીયતથી કરતા જ હોય છે. પરંતુ આવા અનડીટેકટ ગુન્હા એકાંત જગ્યાએ બનેલા હોય તેને શોધતા સહજ રીતે થોડા દિવસો લાગતા હોય છે. વળી આવા આરોપીઓ ગુન્હો કરી દૂર અને અજાણી જગ્યાએ નાસી જતા હોય તેમને પકડવા એટલે નેવાના પાણી મોભે ચડાવવા જેવું મુશ્કેલ કામ હોય છે. જે સમય માગી લેતી કાર્યવાહી છે.
આવા અચાનક બનેલા ગુન્હામાં પણ રાજકીય વિપક્ષતો સતાધારી પક્ષને બીનકાર્યદક્ષ જાહેર કરી રાજકીય લાભ ખાટવાની ફીરાકમાં જ હોય છે. તો બીજી બાજુ મીડીયા વાળાને આવો ધગધગતો હોટ ટોપીક મળી જાય પછી બાકી શું રહે ? સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જ જાય, ભોગ બનનાર વ્યકિતની જ્ઞાતી ગમે તેટલી સમજુ અને વ્યવહારીક હોય પણ તેમાનાં કોઈક તો આવેશમાં આવી રાજકીય રીતે (વિપક્ષની રાહે) કાર્યક્રમો, રજુઆતો કરી મીડીયામાં ધગધગતા નિવેદનો ઝીંકી જ દેતા હોય છે. જેથી જીલ્લે જીલ્લે અને તાલુકે તાલુકે છાવણીઓ નખાઈ ને રેલીઓ નીકળવા માંડે આ દરમ્યાન સતાધારી પક્ષ પણ ઘાંઘો વાંધો થઈને જે તે જ્ઞાતીનાં તેમના પક્ષના નેતાઓ ને પણ આ આંદોલનમાં સામેલ થવા મોકલી આપે છે, કયાંક તેમની વોટબેંક લૂંટાઈ ન જાય !
શામ,દામ કે ભેદ ની રીતિ
સંજોગો વસાત આ ગીરનાર પર્વત ઉપરની ઘટનાનું રાજકીય અને કાર્યક્રમોનું એપી સેન્ટર રાજકોટ બનેલું આવા ધમાલવાળા માહોલમાં સામાન્ય રીતે પોલીસ દળ પણ ઘાંઘુ બનીને જલ્દી ગુન્હો શોધવા કેટલીક વખત અગત્યના પૂરાવાઓનો પણ ભોગ લેવાતો હોય છે. અને કયારેક કાચુ પણ કપાઈ જતુ હોય છે. કેમકે સરકારને હચમચાવતા આંદોલનોનો તાત્કાલીક નીવેડો આવે તે માટે ખોટા પગલા લેવાતા ભળતા લોકોની ધરપકડ કે પૂછપરછ કરતા તેની પણ મીડીયામાં પ્રસિધ્ધિ થતા જે તે વિસ્તારનો માહોલ તંગ થઈ જતો હોય છે. જોકે પોલીસતો સદબુધ્ધીથી જ કાર્યવાહી કરતી હોય છે. પણ કાંઈક કાચુ કપાય તો પોલીસ ઉપર માછલા ધોવાનું ચાલુ થઈ જાય.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આ આંદોલનની તીવ્ર અસર હતી, ખાસ તો વિપક્ષ દ્વારા રોડ ચકકા જામ નો કાર્યક્રમ હતો. અને ખાસ તો સરકારી વાહનો એસ.ટી. બસો મુખ્ય નિશાન ઉપર હતી. રાજકોટ તાલુકાના આજીડેમ થી સરધાર સુધીના હાઈવે તથા તેની આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારનો બંદોબસ્ત રાખવાનું કાર્ય જયદેવના ફાળે આવેલુ જયારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નવાગામથી કુવાડવા બેટી પૂલ સુધીનો વિસ્તાર અન્ય અધિકારીના હવાલે કરવામાં આવેલો.
વહેલીસવારથી જ ચકકા જામનો કાર્યક્રમ હતો. રાજકોટના પાડાસણ ગામે નાઈટ હોલ્ટ કરતી એસ.ટી.બસ વહેલીસવારે પાડાસણથી રાજકોટ આવવા રવાના થઈ અને અમુક કીલોમીટર દૂર જઈ હાઈવે ઉપર ચડી ઢાંઢણી ગામના પાટીયા પાસે આવતા ઢાંઢણીના અમુક તોફાનીઓએ આ બસ ને રોકી તમામ મુસાફરો કર્મચારીઓને નીચે ઉતારી કેરોસીન છાંટીને બસને સળગાવી, જયદેવને આ સમાચાર સરધાર ખાતે મળતા તે તુર્ત જ ઢાંઢણીના પાટીયે આવ્યો ત્યાં સુધીમાં ગુનેગારોતો નાસી છૂટયા હતા અને બસ બળી ચૂકી હતી.
અમદાવાદ રોડ ઉપર નવાગામ તથા કુવાડવા ખાતે પણ બસો સળગાવવામાં આવેલી નવાગામ ખાતે તો પોલીસ બંદોબસ્તમાં હાજર હોઈ અને રાજકોટ નજીક હોઈ બીજો બંદોબસ્ત આવી જતા આશરે ૮૦ થી ૮૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી આવા બનાવો સમગ્ર સૌરાષ્ટ્રમાં બનતા હતા પરંતુ રાજકોટમાં તેની અસર વધારે હતી. પકડાયેલા આરોપીઓને અદાલતમાં જામીન મળ્યા નહિ.
વળી વિપક્ષ દ્વારા બીજો હુમલો થયો, પોલીસ દ્વારા અત્યાચાર, ખોટી ધરપકડો વિગેરે પણ તેનો મૂળ હેતુ આંદોલનને વધુ ઉગ્ર અને તેજ બનાવવાનો હતો. સત્તાધારી પક્ષના પ્રધાને રાજકોટ આવી આંદોલનકારીઓને મળી આશ્ર્વાસન આપી પોતાનો મોરલ ટેકો હોવાનું જણાવ્યુ આવા કાર્યક્રમો તો ચાલુજ હતા. જૂનાગઢ પોલીસદળ પણ પૂરી મહેનતથી આરોપીઓ અંગે તપાસ કરી રહી હતી. દરમ્યાન વિપક્ષે ફરીથી નવાગામ ખાતેના રાયોટીંગ આગજની વિગેરેના ગુન્હાના ધરપકડ થયેલ અને જેલમાં ગયેલ આરોપીઓની સહાનૂભૂતિમાં નવા ગામ ખાતે હાઈવેની નજીકમાં જ જે તે જ્ઞાતીની વસાહતમાં માંડવા તાણી પોલીસ કાર્યવાહીના વિરોધમાં જાહેરસભા યોજવાનું નકકી કર્યું હવે જયદેવ નવાગામ આવી ગયો હતો. તેણે વિચાર્યું કે જો સભામાં પ્રવચન કારો આગ બબૂલા ખોટા ઉશ્કેરણી જનક પ્રવચનો કરશે તો સભામાં એકઠી થયેલી જનમેદની બાજુમાં જ આવેલા ધોરી માર્ગ ઉપર આવીને ગુન્હાનું પૂનરાવર્તન કરે તો પરિસ્થિતિ ખૂબ વણસે.
આથી જયદેવે આ કાર્યક્રમમાં અગ્રેસર ભાગ લેતા સરધાર વિસ્તારનાં રાજકારણીને ખાનગીમાં કહેરાવ્યું કે પાંડાવદરથી એસ.ટી.બસ ઉપડી તે અંગે ઢાંઢણી ગામે જે ટેલીફોન થયેલ તેની માહિતી આવી ગઈ છે. અને હવે પછી તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી થશે અને કાવત્રુ ખૂલ્લુ કરવામાં આવશે. આ સભા ને સંબોધનાર બીજા નેતાને તેમના ટેકેદારો દ્વારા જણાવ્યું કે જો સભા પૂરી થયે ટોળા રોડ ઉપર આવી કોઈ ગુન્હા કરશે તો તે ગુન્હામાં ઉશ્કેરણી કરનાર વકતાઓ વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ બંને સંદેશાઓની ધારી અસર થઈ નવા ગામની સભા શાંતીથી પૂરી થઈ ગઈ પેલા સરધાર બાજુના નેતા પણ શાંત થઈ ગયા આંદોલન શાંત થયું. થોડા દિવસો બાદ જૂનાગઢ પોલીસે ગીરનાર પર્વત ઉપર બનેલ ખૂન બળાત્કારના બંને આરોપીઓની ઓળખ મેળવી લીધી ગુન્હો શોધાઈ ગયો આંદોલન પૂરૂ થયું આ આરોપીઓ જોકે બે વર્ષ બાદ પકડાયા અને અદાલતમાં કેસ ચાલતા બંને નરાધમોને આજીવન કારાવાસની સજા થઈ પરંતુ આ બનાવ અનુસંધાને જે રીતે રાજકીય લાભ લેવા આંદોલનો કરાયા તેને કારણે જનતા અને દેશની કરોડો રૂપીયાની જાહેર મીલ્કતોની નુકશાની થઈ તે વધારામાં અને નિદોર્ષ જનતા તથા ભલે ફરજ માટે બંધાયેલ પોલીસ દળજે ખોટી રીતે પરેશાન થયા તે અલગ આવા હોય છે. આધૂનિક આંદોલનો!