લાયકાત વગરના શિક્ષકે જ શિક્ષણની ઘોર ખોદી છે: જ્ઞાન-વિદ્યા અને શિક્ષણ આ ત્રણ શબ્દનો ઉપયોગ જુદીજુદી જગ્યાએ અલગ-અલગ રીતે કરીએ છીએ: અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ છાત્રમાં રેલાવે તે સાચી વિદ્યા
શિક્ષણની વર્ગખંડમાં ચાલતી પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની હોવાથી શિક્ષક જ્ઞાની, તાલિમબધ્ધ અને સજ્જ હોવો જોઇએ, સરકારી કે ખાનગી શાળાની કોઇ સરખામણી નથી પરંતુ તેમાં શિક્ષણ આપવાની પધ્ધતિમાં અને આપનારની પધ્ધતિમાં ઘણો તફાવત જોવા મળે છે જે દૂર થવો જોઇએ.
શિક્ષક પાસે જો વ્યવસાયિક લાયકાત હોય તો વિષય વસ્તુના ઘણા બધા કઠિન મુદ્ાઓને સરળ કરીને વિદ્યાર્થીને સમજાવી શકે છે, ડિગ્રી લીધા વગર બની ગયેલા શિક્ષક વર્ગખંડમાં ક્યારેય સારૂ ભણાવી ન શકે, કદાચ તેની પાસે નોલેજ હોય પણ તે કેવી રીતે પીરસવું, કઇ પધ્ધતિથી ભણાવવું તેની તેને સમજ હોતી નથી.
થોડા ગાળામાં જ નવી શિક્ષણ પધ્ધતિ 2020 લાગુ પડી જશે. પ્રાથમિક ગાળામાં ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ અપાશે. જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ. આ ત્રણ શબ્દનો ઉપયોગ જુદીજુદી જગ્યાએ જુદીજુદી રીતે આપણે કરીએ છીએ. આપણા પ્રાચિન શાસ્ત્રો મુજબ દરેક શબ્દની પાછળ જ્ઞાન જોડવામાં આવતો હોવાથી બ્રહ્મજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન અને આત્મજ્ઞાન જેવા વિવિધ શબ્દો સાથે મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ જાણીતો થયો હતો. એ સમયમાં આશ્રમ શાળામાં ઋષી મુનીઓ અસ્ત્ર વિદ્યા, શસ્ત્રવિદ્યા જેવા શબ્દો પ્રયોજતા. આમ જોઇએ તો જ્ઞાન અને વિદ્યાએ બન્ને સમાનરૂપથી વપરાયા છે.અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ છાત્રમાં રેલાવે તે સાચી વિદ્યા.
આજનો યુગ શિક્ષણ યુગ છે, ચારેકોર શિક્ષણની બોલબાલા છે. શેરી ગલીએ નાનકડા મકાનોમાં શાળા શરૂ થઇ ગઇ છે. અચરજની વાત તો એ છે કે આવી શાળામાં ક્વોલીફાઇડ સ્ટાફ જ હોતો નથી. સરકારના ધારાધોરણ મુજબ પ્રાથમિકમાં પી.ટી.સી. અને હાઇસ્કૂલમાં બી.એડ. કોર્ષ કરેલ જ શિક્ષક બની શકે કે તેને જ નોકરી મળે છે. સરકારી શાળા તમામમાં આવા ક્વોલીફાઇડ ડિગ્રીવાળા કે વિષય નિષ્ણાંત શિક્ષકો જ ભણાવતા હોય છે. ઉચ્ચ ટકાવારી હોય ત્યારે જ તેને મેરીટ વાઇઝ ટીચરમાં સિલેક્ટ થયા હોય છે. ખાનગી શાળામાં આવું કશું જ હોતુ નથી. સંચાલકો ગમે ત્યારે ગમે તેને શિક્ષક રાખી દે અને છુટ્ટા પણ કરી દે છે.
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દરેક શાળામાં સ્ટાફની માહિતીનું બોર્ડ કે જેમાં ફોટા, લાયકાત, સરનામું, મોબાઇલ નંબર ભણાવતા ધોરણની વિગત શાળામાં કે ખાતામાં દાખલ તારીખ જેવી વિવિધ વિગતો સૌને દેખાય તે રીતે રખાય છે આવું એકપણ ખાનગી શાળામાં જોવા મળતું નથી. શિક્ષાનો અધિકાર અધિનિયમ-2009 મુજબ શાળામાં ક્વોલીફાઇડ જ શિક્ષકો છાત્રોને ભણાવતા હોવા જોઇએ તેવો નિયમ છે, જો આમ ન જોવા મળે તો દંડની જોગવાઇ કે માન્યતા રદ્ થઇ શકે છે. ગત 2019માં રાજ્યમાં આવા 8 હજાર શિક્ષકો અયોગ્ય છે તેવી વાત ખૂલી હતી. શિક્ષણ આપતી દરેક શાળાને આ નિયમ લાગુ પડે છે પણ હજી ઘણી શાળામાં આવા ડિગ્રી વગરનાં માસ્તર જોવા મળે છે જેને કારણે જ શિક્ષણની ‘ઘોર’ ખોદાય છે.
શિક્ષણ શબ્દ પરથી ‘શિક્ષા’ શબ્દ આવ્યો. શિક્ષા શબ્દનો અર્થ દંડ થાય પણ શિક્ષણનો હેતુ દંડ નહીં પણ ફરજીયાતપણે સામી વ્યક્તિને સામાજીક ઘડતર, સુટેવો સાથે શ્રેષ્ઠ નાગરિક નિર્માણનો છે. આજે તો સરકારી શાળાનાં શિક્ષકોનાં સંતાનો જ ખાનગી શાળામાં ભણે છે. ઘણીવાર આપણને પ્રશ્ર્ન થાય કે શિક્ષકો ભણાવવાના પૈસા લે તો તેને યોગ્ય શિક્ષક કહેવાય કે નહી? પણ અંતે જીવન નિર્વાહની વાત આવે છે. શિક્ષણમાં ખાનગીકરણ થતાં ખૂબ જ પ્રાઇવેટ શાળા ખૂલવા લાગી છે. પણ આ શાળાઓનાં શિક્ષકોની સજ્જતા કેટલી તે એક યક્ષ પ્રશ્ર્ન છે.
શિક્ષકો બે પ્રકારનાં હોય એક વ્યવસાયલક્ષી અને બીજો વ્યવહારલક્ષી. હાલમાં આપણે જે બધુ ડીગ્રી લેવા ભણીએ તે વ્યવસાયલક્ષી શિક્ષક છે, બાકી તો જીવન ઘડતર માટે વ્યવહારલક્ષી શિક્ષણ જ મેળવવું જોઇએ. આ પ્રકારના શિક્ષણથી ભણતર સાથે ગણતર થાય છે. બાલમંદિરમાં શિક્ષણ આપતાં શિક્ષકો માટે પ્રિ.પી.ટી.સી.નો કોર્ષ ફરજીયાત છે. આજે કેટલા પ્લે હાઉસમાં આવા તાલિમબધ્ધ ગુરૂઓ ટબૂકડાને ભણાવે છે? જે ચિંતા અને ચિંતનનો વિષય છે. શિક્ષણનો મુખ્ય ઉદ્ેશ સંસ્કાર સિંચનનો છે, બાળકોમાં રહેલી વિવિધ છૂપી કલાને પ્રોત્સાહન કરીને તેનો સંર્વાંગી વિકાસ શિક્ષકે કરવાનો હોય છે. અત્યારે તો ગોખણ પટ્ટીનો યુગ છે. 10 વર્ષનો બાળક પુરૂ ગુજરાતીમાં સરખુ વાંચી પણ નથી શકતો. સૌથી શ્રેષ્ઠ મૂલ્યો આધારિત શિક્ષણ પધ્ધતિ છે. શિક્ષણએ મનુષ્યની વિશિષ્ઠ ગુણવત્તા છે. તેના થકી જ કોઇપણ પ્રગતિના શિખરો સર કરે છે. આપણે કોઇ પણ વસ્તુ કે કંઇપણ ખરીદી કરીએ ત્યારે તેની ગુણવત્તા જાણીએ છીએ પણ આપણાં બાળકને ભણાવતા ટીચર કેટલું ભણ્યો છે તે કોઇએ ક્યારેય પૂછ્યું નથી. શિક્ષણએ એક ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે.
યુગોથી માનવજાતે શિક્ષકનું મહત્વ સ્વીકાર્યું છે. આજે શિક્ષકને પોતાના એટલા બધા પ્રશ્ર્નો જીવનમાં હોય ત્યાં તે બાળકની મનોદશા ક્યાંથી સમજે. શિક્ષણએ ત્રિધ્રૃવિ અને સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં બે ધ્રૃવ બાળક અને શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ત્રીજો ધ્રૃવ અભ્યાસક્રમ છે જેને સારી રીતે ભણાવવાની જવાબદારી શિક્ષકની હોય છે. હવે જો અહી શિક્ષક જ સજ્જતા વગરનો હોય તો બાળકને નુકશાન કરી શકે છે. હાલમાં કોવિડ-19ને કારણે ઓનલાઇન શિક્ષણનું કામ કેટલાય શિક્ષકોને આવડતું જ ન હતું. ક્લાસરૂમ ક્લાયમેટને સમૃધ્ધ કરવા માટેની જે ટેકનીક તાલિમબધ્ધ શિક્ષકમાં હોય તે અન ક્વોલીફાઇડ ટીચરમાંથી હોતી જ નથી. સરવાળે આખા વર્ગનું નિકંદન નિકળે છે. ખાનગી શાળામાં તો ધો.10-12 પાસે કે નાપાસ પણ શિક્ષક તરીકે ભણાવતા જોવા મળે છે ત્યારે આપણને પ્રશ્ર્ન થાય કે તે બાળકને કેમ ભણાવતા હશે. તેને શિક્ષણ પધ્ધતિ, શૈક્ષણિક રમકડા સાથે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની સમજ નથી હોતી ત્યાં બાળકનું ડેવલપમેન્ટ ક્યાંથી કરી શકે.
આપણાં પ્રાચિનશાસ્ત્રો મુજબ દરેક શબ્દની પાછળ જ્ઞાન શબ્દ જોડવામાં આવતો
થોડા સમયમાં નવી શિક્ષણ પધ્ધતિ આવશેને પ્રાથમિક શાળામાં ફરજીયાત માતૃભાષામાં ભણાવાશે. આપણાં પ્રાચિનશાસ્ત્રો મુજબ દરેક શબ્દની પાછળ ‘જ્ઞાન’ શબ્દ જોડવામાં આવતો હતો. જેમ કે બ્રહ્મજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન, આત્મજ્ઞાન જેવા વિવિધ શબ્દો સાથે મધ્યકાલીનયુવમાં વિદ્યા શબ્દ જાણીતો થયો હતો. આશ્રમ શાળામાં અસ્ત્ર કે શસ્ત્ર પાછળ વિદ્યા શબ્દો જોડાવા લાગ્યો હતો. આજના યુગમાં જ્ઞાન અને વિદ્યા બને શબ્દ વપરાય છે.