જૂનો ગઢ ફરી બિન્દાસ્ત બની, કોરોના અને આર્થિક સમસ્યા ભૂલી, શનિ, રવિમાં મહાલવા નીકળી પડ્યો હતો, અને માંડ કરીને બહાર નીકળવાનો મોકો મળ્યો હોય તેમ, રજાની મોજ બિન્દાસ પણે માની લીધી હતી, તેમાં બાળકોથી લઇ યુવક, યુવતીઓ અને વડીલો પણ રાજાની મજા માણતા નજરે પડી રહ્યા હતા. જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાંથી લોકોના આવવા-જવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતાં શનિવાર અને રવિવારની સાંજે માનવ મહેરામણ કીડિયારાની જેમ ઉમટી પડયો હતો, ઘણા સમય બાદ ભવનાથ અને વિલીંગ્ડન ડેમને માણવા લોકો પહોંચી જતા, કોરોના ગાઈડ લાઈનના ધજીયા ઉડ્યા હતા, પણ લોકોને છૂટીનો આનંદ મન ભરીને માણી લેવો હતો ત્યારે કોરોના રોગ અને સરકારની ગાઈડ લાઇન લોકોએ સાઈડ પર મૂકી દીધી હતી.
જુનાગઢ શહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા ઘટતા ભવનાથ તળેટી અને વિલીંગ્ડન ડેમ પર લોકોના આવવા-જવા પર લાદવામાં આવેલ પ્રતિબંધને ઉઠાવી લેતાં લોકો પોતાના ફેમિલી સાથે રવિવારની મજા માણવા માટે નીકળી પડ્યા હતા. તેમજ લાંબા સમયગાળા પછી ભવનાથની લટાર મારવા મળતાં યુવક-યુવતીઓ ભવનાથનો પ્રખ્યાત કાવો અને લારીઓ પર ચાની ચૂસકીઓ મારી મજા માણતા તેમજ ફોટો શૂટ કરતા જોવા મળી રહ્યા હતા. તો બાળકો ચકડોળ, જમ્પિંગ, કાર ડ્રાઇવ, હોર્સ રાઈડ કરી તેમના મનોરંજન માણતા ચિચિયારીઓ કરી રહ્યા હતા, જાણે કે ઘણા સમય પછી ભવનાથ શ્રેત્ર જીવિત થયું હોય તેવું વાતાવરણ ખડું થયું હતું.
ઉનાળાના આ કાળઝાળ તડકા અને બીજી બાજુ કોરોના મહામારીના કારણે લોકો ઘણાં સમયથી ઘરમાં રહ્યા હતા ત્યારે હરવા-ફરવા પર છૂટ મળતા લોકોએ સાંજના સમયે ભવનાથ વિસ્તારની પાળીઓ પર બેસી નૈસર્ગિક વાતાવરણ અને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો હતો.