મે માસમાં છૂટક ફુગાવાનો દર 4.25 ટકા રહ્યો !!!
ભારતીય અર્થતંત્ર માટે મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદન મોરચે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતનો મે મહિનાનો રિટેલ ફુગાવો 4.25 ટકા આવ્યો છે, જે 25 મહિનાની નીચી સપાટી છે. આ દરમિયાન ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન આંક એપ્રિલમાં ઝડપથી વધીને 4.2 ટકા થયો છે જે માર્ચ મહિનામાં 1.1 ટકા હતો. મે મહિનાનો રિટેલ મોંઘવારી દર ઘટીને 4.25 ટકા આવ્યો છે, જે રિઝર્વ બેન્કના મધ્યમ ગાળાના 4 થી 6 ટકાના લક્ષિત ટાર્ગેટની અપર લિમિટથી નીચે રહ્યો છે. આમ છેલ્લા 3 મહિનાથી મોંઘવારી દર રિઝર્વ બેંકના ટાર્ગેટ કરતા નીચો રહ્યો છે.નોંધનિય છે કે, ભારતનો રિટેલ ફુગાવો એપ્રિલમાંમાં 4.70 ટકાની 18 મહિનાની નીચી સપાટીએ અને માર્ચ મહિનામાં 5.66 ટકા હતો.
ખાદ્ય ચીજોના પણ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. મે મહિનામાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલના 3.84 ટકાથી ઘટીને મે મહિના 2.91 ટકા થયો છે.તેવી જ રીતે ભારતના ગ્રામીણ વિસ્તારનો ફુગાવો મે મહિનામાં 4.17 ટકા અને શહેરી વિસ્તારમાં 4.27 ટકા નોંધાયો છે. રિઝર્વ બેંકે ગયા અઠવાડિયે તેની ધિરાણનીતિમાં રેપોરેટ 6.50 ટકાના સ્તરે સ્થિર રાખીને વ્યાજદરમાં વૃદ્ધિને સતત બીજી વખત વિરામ આપ્યો છે. આ સાથે જ નાણાંકીય વર્ષ 2024 માટેના ફુગાવાનો અંદાજ 5.2 ટકાથી ઘટાડીને 5.1 ટકા કર્યો છે.
રિટેલ ફુગાવામાં ઘટાડો થતા હફતા ભરવાથી પરેશાન લોકોને મહત્તમ રાહત આપી શકે છે. આગામી દિવસોમાં સસ્તી લોન મળવાની આશા વધવા લાગી છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે રિટેલ ફુગાવાનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તે 4.6 ટકા રહેવાનો અંદાજ છે. પરંતુ મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4 ટકાની નજીક પહોંચી ગયો છે. અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઓગસ્ટ 2023માં જ્યારે આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળશે ત્યારે રાહતની આશા રાખી શકાય છે.