મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ મહિલા અધ્યક્ષને પાઠવ્યા અભિનંદન
અબતક, રાજકોટ : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ટેકો આપતા ડૉ. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે.
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહને સંબોધિત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ આજે એક મહિલા અધ્યક્ષ બન્યા છે. જે આપણા સૌ કોઇ માટે ગૌરવની બાબત છે.’ જ્યાર બાદ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસ પક્ષ વતી ડૉ. નીમાબેન આચાર્યને અભિનંદન પાઠવ્યાં. પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં લોકશાહી બચાવવાની જવાબદારી હવે એક મહિલાના શિરે છે.
રાજ્યના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા નીમાબેન આચાર્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે ગત 20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા છે.
ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. ત્યારે આ સત્રમાં નવી હરોળની બેઠક વ્યવસ્થા જોવા મળી છે. વિધાનસભામાં પ્રથમ હરોળમાં સીએમ પાસે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને સ્થાન અપાયું છે. તો નવા પ્રધાનોને પ્રથમ અને બીજી હરોળમાં સ્થાન મળ્યુ છે.