ઉંડ-૧,૨ના દરવાજા ખોલાતા જોડીયા, ધ્રોલ પંથકના થયા બેહાલ
કોંગ્રેસના ચાર ધારાસભ્યો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતીવાડીને મોટું નુકસાન થયું છે. જોડિયા અને ધ્રોલ પંથકમાં અનેક ખેતરો અને ખેતરોમાંનો ઉભો પાક પુર તાણી ગયું છે. ખેડૂતોના માથે માત્ર ખરીફ પાક નહિ પણ ખેતરો ધોવાઇ જતા મહામુલી ફળદ્રુપ જમીન નાશ પામી છે. જેને લઈને આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ જોડિયા પંથકમાં પહોચ્યા હતા અને જ્યાં જવાબદાર અધિકારીઓનો ઉઘડો લીધો હતો.
તાજેતરમાં જામનગર જિલામાં ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઇ ગયા છે. જેને લઈને તંત્રને રાતોરાત બંધ ડેમમાંથી પાણી છોડવાની નોબત આવી પડી હતી.
નિચાણ વાળા વિસ્તારોને સચેત કરવાને બદલે કઈ પણ વિચાર કર્યા વગર જ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેમાં ઊંડ એક અને બે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા ધ્રોલ અને જોડિયાના ગ્રામ્ય વિસ્તારોના બુરા હાલ થયા હતા.
જોડિયા તાલુકાના ભાદ્રા, બાદનપર, આણદા સહિતના ગામડાઓમાં ખેતરોના ખેતરો ધોવાઈ ગયા હતા અને ખરીફ પાકની સાથે ખેતરો-પાળા સાથે ધોવાઈ ગયા હતા. બીજા જ દિવસે ભાજપના નેતાઓ આ વિસ્તાર પહોચ્યા હતા ત્યારબાદ ગઈ કાલે કોંગ્રેસ સાશિત જીલ્લા પંચાયતની શાસક બોડીએ જોડિયા પંથકની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત સમયે ઈરીગેશન અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. જોડીયાના ઉંડ-૨ ડેમ વિભાગના અધિકારીઓ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વાતચીત કરી ખેડૂતોની વાત સામે રાખી હતી. જેની સામે ડેપ્યુટી એન્જીનીયર યશ ગઢકાએ સ્વીકાર્યું હતું કે મને કોઈ અનુભવ નથી. મને હમણાં જ નિમણુક આપવામાં આવી છે. જો ડેમના પાણી એક સાથે છોડવાની જગ્યાએ સમયાન્તરે પાણી છોડ્યા હોત તો આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો ન પડત, જેને લઈને ધારાસભ્યોએ અધિકારીઓને રીતસર ખખડાવી નાખ્યા હતા. ધારાસભ્યોના સવાલોની સામે તંત્ર પાસે કોઈ જવાબ ન હતું. મુલાકાત વખતે જામનગરના પ્રવીણ મુસડીયા અને વિક્રમ માડમ સાથે રહ્યા હતા.
સિંચાઈ તંત્રની બેદરકારીથી નુકશાન થતા વળતર ચૂકવો
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેને મુલાકાત લઈ કરી માગણી
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થિતિની માહિતી મેળવી સરકારે સત્વરે વળતાર આપવાની અને મરામત માટેની કામગીરી શરરૂ કરે તેવી માંગણી પણ પ્રમુખે કરી હતી.
જોડીયા પંકમાં તાજેતરમાં ભારે વરસાદ થયો હતો. પરિણામે વ્યાપક નુકસાની પણ થવા પામી હતી.
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ જોડીયા પંથકની મુલાકાત લીધી હતી. નદી-કાંઠા વિસ્તારના ખેતરોમાં જઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની આ મુલાકાત ટાંકણે ખેડૂતોએ રજુઆત કરી હતી કે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે નુકસાન થયું છે. વરસાદ અંગે અધિકારીઓ પાસે કોઈ માહિતી જ ન હતી. ઉંડ-૨ના પાટીયા ખેડૂતોની રજુઆત હોવા છતાં. ખોલવામાં નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતાં. રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું.
આથી પ્રમુખે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે સરકાર તાકીદે ગ્રાન્ટ ફાળવણી કરે, ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમજે વળતર આપવું જોઈએ અને સર્વે કરાવી લોકોને નુકસાન વળતર ચૂકવવું જોઈએ તેવી પણ માંગણી કરી હતી.
તેમની આ મુલાકાત સમયે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્યો માલતીબેન ભાલોડીયા, એસ.એસ. ખ્યાર, અગ્રણી પ્રવિણભાઈ માધાણી, સંજય ભાલોડીયા, કરણદેવસિંહ જાડેજા, કે.પી. બવાર, બાંધકામ વિભાગના અધિકારી ચાવડા, જોડીયા તાલુકા વિકાસ અધિકારી, સોરઠીયા સહિતનાઓ પણ જોડાયા હતાં.
દ્વારકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સાંસદ પૂનમબેને ટ્રેકટરમાં બેસી, કાદવમાં ચાલી સ્થિતિ નિહાળી
જામનગર અને દેવભૂમિ દ્વારકા છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. યાત્રાધામ દ્વારકાના નીચાણ વાળા વિસ્તારો અને બજાર હાલ પણ પાણીમાં ગરદ છે ત્યારે નાગરીકો અને વેપારીઓના દુખમાં સહભાગી થવા તેમજ પાણીનો નિકાલ કરવાનું સુચારુ આયોજન કરાવવા બંને જીલ્લાના સાંસદ પુનમબેન માડમ દ્વારકાની મુલાકાત લીધી હતી. જામનગરના સાંસદ માડમે ટ્રેકટરમાં બેસી સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.
દેવભૂમિદ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ખૂબજ પાણી ભરાયા અને ખૂબજ હાલાકી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ હોઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ દ્વારકાના પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થાનિક આગેવાનો સાથે જાત નિરીક્ષણ કર્યુ હતુ અને ટ્રેક્ટરમાં બેસીને તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં ચાલીને જઇ તમામ વિગતો મેળવી હતી.
પાણી નિકાલ જલદી થાય તેમજ પમ્પીંગ થી ડીવોટરીંગ કાર્યવાહી પણ જલ્દી થઇ શકે તે તમામ બાબતોની દરેક પાસઓની સઘન સમીક્ષા કરી હતી તેમજ અધીકારીઓ અને પદાધીકારીઓ સાથે બેઠક પણ કરી હતી.