મોચી બજારમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના પ્રયાસની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં હનુમાન મઢી પાસે શિવપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ દેવું વધી જતાં વખ ઘોળ્યું છે. જ્યારે મોચી બજારમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિવપરા મેઇન રોડ પર ભગવતી હોલ પાસે રહેતા અને સ્કૂલ બસમાં કામ કરતા રેખાબેન હરેશભાઈ મૈયડ નામની 32 વર્ષની પરિણીતાએ ઘઉમા નાખવાના ટીકડા ખાઇ લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જે અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતા રેખાબેને રૂ.50,000ની લોન લીધી હતી. જેને ભરપાઈ કરવા અન્ય લોન લીધી હતી અને તેમાં દેવું વધુ જતા રૂ.6 લાખ સુધી પહોંચી ગયું હતું. જેથી પરિણીતાએ ઘઉમા નાખવાના ટીકડા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તો અન્ય બનાવમાં મોચી બજારમાં પટેલ પાનની બાજુમાં રહેતા અંજુબેન હુસેનભાઇ ચૌહાણ નામની 27 વર્ષીય પરિણીતાએ દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી ફિનાઇલ ગટગટાવી લીધી હતી. તેણીને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.