કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડના લેવલ બે ફૂટ ઉંચુ કરી નાંખતા બીઆરટીએસ ટ્રેકથી બીજી બાજુ વરસાદના પાણી જવામાં મુશ્કેલી, કોર્પોરેશનના અધિકારીઓએ ધ્યાન દોર્યું છતાં બ્રિજ કોન્ટ્રાક્ટરનું અક્કડ વલણ
ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન 150 ફૂટ રીંગ રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામે છે. જેમાં આ વખતે વધારો થવાની દહેશત ઉભી થવા પામી છે. માધાપર ચોકડી પાસે બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. બ્રિજ કોન્ટ્રાક્ટરે બંને તરફના સર્વિસ રોડનું લેવલ બે ફૂટ ઉંચુ કરી નાંખ્યુ છે. જેના કારણે બીઆરટીએસ ટ્રેક પાસે રોડનું લેવલ જે અગાઉ જ નીચું હતું. તે અઢી થી ત્રણ ફૂટ જેટલું નીચું થઇ ગયું છે. જેના કારણે વરસાદના પાણી માધાપર ચોકડીના સામેના ભાગે આવેલા વોંકળા સુધી જઇ શકશે નહિં અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે. આ અંગે ખૂદ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને કોર્પોરેશનના અધિકારીઓએ બ્રિજના કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળીને તાકીદ કરી છે અને તમામ બાબતે ધ્યાન દોર્યું હોવા છતાં કોન્ટ્રાક્ટર અક્કડ વલણ દાખવી રહ્યા છે. જે આગામી ચોમાસામાં મુસિબત સર્જશે.
સામાન્ય વરસાદમાં પણ 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની બંને બાજુ ગોઠણડૂબ પાણી ભરાઇ છે. માધાપર ચોકડીએ રોડનું લેવલ પહેલેથી જ થોડુંક નીચું છે. દરમિયાન અહિં હાલ બ્રિજનું નિર્માણકામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરે બંને તરફના સર્વિસ રોડનું લેવલ બે ફૂટ ઉંચુ કરી નાંખ્યુ છે. જેના કારણે અગાઉ માધાપર ચોકડીથી 150 ફૂટ રીંગ રોડ તરફના રસ્તાનું લેવલ જે માત્ર અડધો ફૂટ નીચું હતું તે હવે અઢી થી ત્રણ ફૂટ જેટલું નીચું થઇ ગયું છે. જેના કારણે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડશે તો પણ માધાપર ચોકડીએ બબ્બે ફૂટ વરસાદના પાણી ભરાઇ જશે. કારણ કે 150 ફૂટ રીંગ રોડ પરથી માધાપર ચોકડીને વટાવી સામેના ભાગે આવેલા વોંકળા સુધી પાણી જઇ શકશે નહિં. જો ત્રણ ફૂટથી વધુ પાણીનો ભરાવો થશે તો જ તેનો નિકાલ થશે.
પરંતુ આ શક્ય નથી. રોડનું લેવલ ઉંચુ લેવામાં આવે તો આગળના ભાગે વરસાદનું પાણી ભરાઇ રહેશે. જો સર્વિસ રોડનું લેવલ બીઆરટીએસના લેવલ જેટલું કરવામાં નહિં આવે તો ભારે વરસાદ દરમિયાન જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે. ખૂદ મ્યુનિ.કમિશનર દ્વારા આ અંગે આર એન્ડ બીના અધિકારીઓ અને બ્રિજના કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસુ દરવાજે દસ્તક દઇ રહ્યું છે ત્યારે જો એકાદ સપ્તાહમાં આ અંગે કોઇ વિચારણા કરવામાં નહિં આવે તો ચોમાસામાં ભારે અધોગતિ સર્જાશે.
પોપટપરા અને માધાપર ચોકડીના વોંકળાની સફાઇ બાંધકામ શાખાએ કરવી પડી
સામાન્ય રીતે વોંકળા સફાઇની કામગીરી કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ શહેરના પોપટપરા-પરસાણાનગરમાં આવેલા વોંકળા અને માધાપર ચોકડી પાસે આવેલા વોંકળાની સફાઇની કામગીરી બાંધકામ શાખાએ કરવાની ફરજ પડી છે. છેલ્લા બે મહિનાથી આ બંને વોંકળા સાફ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટર્નબધ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ વોંકળાની સફાઇ કરવામાં આવતા હવે પોપટપરાનું નાલું જે ભારે વરસાદમાં સતત એક થી બે દિવસ બંધ રાખવું પડે છે. તે સ્થિતિમાંથી લોકોને છૂટકારો મળશે અને ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ થઇ જશે. માધાપર ચોકડીનો વોંકળો સાફ કરી દેવામાં આવ્યો છે પરંતુ અહિં બ્રિજ કોન્ટ્રાક્ટરે રોડના લેવલ વેરવિખેર કરી નાંખ્યા હોય સ્થિતિ ચોમાસામાં વધુ વકરે તેવું લાગૂ રહ્યું છે.