કોરોનાના સંક્રમણના કેસો ૧ લાખને પાર: મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચેપનું પ્રમાણ વધ્યું
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટેનો લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ચૂકયો છે. અલબત આ તબક્કો અગાઉના લોકડાઉન કરતા બહોળી છુટછાટવાળો તબક્કો છે. જેમાં રાજ્ય સરકારોએ શરતોને આધીન બજારો ખોલવાની મંજૂરી આપી દીધી છે. અલબત લોકોમાં શિસ્તતા નહીં હોય તો કોરોનાનો ભરડો વધુ કસાશે અને ફરીથી સજ્જડ લોકડાઉનની અમલવારી કરાવવાની સ્થિતિ પણ આવી શકે છે. લોકડાઉનમાં છુટછાટ મળી તેનો મતલબ એમ નથી કે કોરોના વાયરસ નાબુદ થઈ ગયો. આ વાત લોકોને સમજવી પડશે. બે-ખૌફી કોરોનાનો કહેર વધુ ઘાતક બનાવી શકે છે.
વર્તમાન સમયે દેશમાં કોરોનાના કેસ ૧ લાખને પાર થઈ ચૂકયા છે. ૩ હજારથી વધુ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. હાલ કોરોનાના કેસમાં ડબલીંગ રેટ ૧૨ દિવસનો છે. આવી સ્થિતિમાં પણ આપવામાં આવેલી છુટછાટથી ભવિષ્યમાં સ્થિતિ વકરી શકે તેવી સ્થિતિ છે. ગઈકાલે દેશમાં એક સાથે ૪૭૧૩ સંક્રમણના નવા કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના કેસ મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રની સાથો સાથ તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પં.બંગાળ સહિતના રાજ્યોની સ્થિતિ બગડી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં આ રાજ્યોમાં કેસનું પ્રમાણ ટોચના સ્થાને છે.
ભારતની જેમ અમેરિકા, સ્પેન અને રશિયાની સ્થિતિ પણ ખરાબ છે. છેલ્લા ચાર દિવસમાં અમેરિકામાં દરરોજ ૨૪,૦૦૦ કેસ નોંધાયા હતા. બ્રાઝીલમાં આ આંકડો ૧૨૯૮૦નો હતો. રશિયામાં ૯૮૭૦ જ્યારે ભારતમાં ૪૪૧૮ કેસની સરેરાશ છેલ્લા ચાર દિવસથી છે. આવી જ રીતે જો ભારતમાં બેદરકારી દાખવવામાં આવશે તો ટૂંકાગાળામાં રોજની સરેરાશ પાંચ આંકડાને પાર થઈ જાય તેવી પણ દહેશત છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ નોન ક્ધટેનમેન્ટ વિસ્તારોમાં બજારો શરતોને આધીન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આજ સવારથી જોવા મળેલી લોકોની બે-ખૌફી ભયાનક ભવિષ્યનો ચિતાર આપી રહી છે. જો લોકો તકેદારી નહીં દાખવે અને કોરોના નાબુદ થઈ ગયો છે તેવા ખ્યાલમાં રાચતા રહેશે તો ૧૫ દિવસ બાદની સ્થિતિ ખુબજ ભયાવહ હશે તેવું ફલીત થઈ રહ્યું છે. વર્તમાન સમયે લોકોને સજાગતા દાખવવી ફરજિયાત છે પરંતુ એકાએક લાંબા સમયના લોકડાઉનમાં મળેલી છુટછાટના કારણે લોકો બે-ખૌફ બની ગયા હોય તેમ જણાય રહ્યું છે. અત્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યોમાં આવી જ બે-ખૌફીના કારણે સતત કેસ વધવા લાગ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સા પહોંચેલા સ્થળાંતરિતોના કેસ પોઝીટીવ આવવા લાગ્યા છે. પરિણામે આ રાજ્યો પણ ગંભીર સ્થિતિમાં મુકાયા છે. આવી જ સ્થિતિ ગુજરાત સામે પણ આવીને ઉભી રહી શકે.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ગઈકાલે ૪૬૨૯નો ઉમેરો થયો હતો. મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા ૩૫૦૦૦ને પાર પહોંચી ગઈ છે. દેશમાં દર ૧ લાખની જનસંખ્યા પર દર્દીનો આંકડો ૭.૧નો છે. હવે કેન્દ્ર સરકારે પણ લોક ઓપન માટે તૈયારી કરી છે અને ૫૦ ટકા જૂનીયર સ્ટાફને ઓફિસે આવવાનું કહી દીધું છે. સામાન્ય રીતે લોકોમાં કોરોના અંગે જાગૃતિ તો છે પરંતુ લોક ઓપન થતાં જ અધીરાઈના કારણે નીતિ નિયમો ભુલાઈ જશે તો આગામી સમય કપરો સાબીત થઈ શકે તેવી ભીતિ છે.
ભારતમાં કોરોનાના કેસ એક લાખને પાર થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં આ મહામારીથી મરનારા લોકોની સંખ્યા ૩,૦૦૦ને પાર થઈ ગઈ છે. પણ રાહતની વાત એ છે કે બીજી દેશોની સરખામણીમાં ભારતમાં મૃત્યુઆંક ઘણો જ ઓછો છે, સાથે જ સ્વસ્થ થઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધારે છે. પરંતુ લોકડાઉન ૪.૦માં પડકારજનક વાત એ છે કે સ્થિતિમાં સતત સુધારો થાય તે જરુરી છે.
કોરોના વાયરસના કેસ ડબલ થવાની ઝડપમાં ઘટાડો થયો છે. હવે ૧૨ દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. જોકે, આ પહેલા કેસ ડબલ થવાની ગતિ પાછલા ૧૪ દિવસમાં ૧૧.૫ દિવસ હતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતે ૮૦,૦૦૦ કેસનો આંકડો ૧૦૬ દિવસમાં પાર કર્યો છે. જ્યારે યુકે, ઈટાલી, સ્પેન, જર્મની અને અમેરિકામાં આ ગતિ ૪૪-૬૬ દિવસની હતી. હાલના દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ જેવા રાજ્યોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણાં રાજ્યોએ વધારે છૂટછાટો આપી છે, જેના કારણે વધારે લોકોને ચેપ લાગવાનું જોખમ વધ્યું છે. ભારતમાં લોકડાઉન ૪માં રાજયોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં રહીને સ્થિતિ પ્રમાણે છૂટછાટો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થળાંતરિતોના વધુ ને વધુ ટેસ્ટીંગ થશે
દેશભરમાં શ્રમિકોની વતન જવાની હિલચાલ ખૂબજ વધી છે. ત્યારે ભારતીય આયુ સંશોધન સંસ્થાઓ કોવિદ ૧૯ના પરીક્ષણની નીતિ બદલાવી છે. અને વતન આવેલા કે સ્થળાંતરીતો પૈકી જેમને સાત દિવસમાં ઈન્ફલુએન્ઝા જેવા કોઈ લક્ષણો દેખાયતો તુરત જ કોરોના ટેસ્ટીંગ કરવાનો નિર્ણય કરાયો છે. ફલુ કે તાવ જેવા લક્ષણો ધરાવતા શ્રમિકોની સાથે સાથે કોરોના સામે જંગ લડી રહેલા આશાવર્કરો તથા મ્યુ. કર્મચારીઓને ખાસ કોઈ લક્ષણો જણાયતો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ આરોગ્ય કર્મચારીને ફલુ કે તાવ જેવા લક્ષણો ધરાવતા હોય તેને જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા હતા હવે હોસ્પિટલમાં દાખલ થયેલા અને ઈન્ફલુએન્જા જેવા લક્ષણો ધરાવતા કોઈપણ દર્દીને આવો ટેસ્ટ કરવામાં આવશે. જોકે આવા કેસમાં લેબોરેટરી પ્રક્રિયા દરમિયાન ઈમરજન્સી જાહેર કરાઈ નથી પણ ઝડપ રાખવામાં આવશે. એવા કોઈપણ લક્ષ્ણો ધરાવનારાના નમુના તત્કાલ લઈ સાથે જ મોકલવામાં આવશે. એવા કોઈ પણ લક્ષણો ધરાવનારાના નમુના તત્કાલ લઈ સાથે જ મોકલવામાં આવશે. અગાઉ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાના પાંચમા કે ૧૪માં દિવસે નમુના લેવામાં આવ્યા હતા.તે હવે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યાના પાંમાં અને દસમાં દિવસે ચકાસણી કરવામાં આવશે.
આરોગ્ય સતાવાળાઓએ જણાવ્યું હતુ કેઆર્થિક પ્રવૃત્તિઓ વધે અને જનજીવન ધબકતું થાય તે માટે હવેના લોકડાઉનમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. એટલે હવેના સમયમાં કોરોનાના કેસ વધવાની શકયતા વધી ગઈ છે. જોકે લોકડાઉનના કડક નિયંત્રણોના પગલે દેશમાં અમુક જગ્યાએ કોરોનાના કેસ વધ્યા હોવા છતાં કલસ્ટર કોરોનાનો વ્યાપ વધ્યો નથી.
હવે લોકો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરીને વતન ગયા છે. ત્યારે ત્યાં પણ તેઓનાં ટેસ્ટીંગ માટે વધારે સુવિધાની તૈયારી કરવામાં આવી છે. અત્યાર સુધી આપણે નમુના ચકાસણીની કામગીરી સારી કરી છે. છતાં પણ અત્યારે ઝડપથી અને મોટા પ્રમાણમાં નમુના ચકાસણીની કામગીરી હાથ ધરવાની રહેશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ.
૮ ટકા સ્થળાંતરિતોમાં કોરોના પોઝિટિવ
સ્થળાંતરીત લોકોમાં કોરોના પોઝિટિવના કેસનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવ્યું છે. બિહારની વાત કરીએ તો સોમવાર ૭.૪ લાખ વતન આવેલા લોકોના નમુના લેવામા આવ્યા હતા. જેમાં ૮૩૩૭ના રિપોર્ટ આવતા ૬૫૧ લોકોના એટલે કે ૮ ટકાના પરિણામ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આથી એવું કહી શકાય કે વતન આવેલા તમામ શ્રમિકોના નમુના લેવામાં આવે તો અંદાજે ૫૫ હજાર પોઝિટિવ કેસ બહાર આવે તેવી શકયતા છે.
હાલમાં સરકારી આરોગ્ય સંસ્થાઓ રોજના એક હજાર નમુના તપાસે છે તે હવે વધારીને રોજના બે હજાર નમુના ચકાસવાનો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આદેશ આપ્યો છે. એજ રીતે નજીકનાં રાજય ઝારખંડની વાત કરીએ તો ત્યાં પણ નવા કેસ આવી રહ્યા છે. જો કે તે બિહારના પ્રમાણમાં ઘણા ઓછા છે.
હજારીબાગ સતાવાળાઓએ જણાવ્યું હતુકે જિલ્લામાં ત્રણકોરોના પોઝિટિવ છેલ્લા ૨૦ દિવસની સારવાર બાદ સાજા થયા છે. એટલે બીજા દિવસે ગ્રીન ઝોન જાહેર કરવામાં આવશે. આ વાત જણાવતા કલાકોમાં જ એક સ્થળાંતરીત પોઝિટિવ નીકળ્યો હતો પછીના અઠવાડીયામાં ૨૨ નવા કેસ બહાર આવ્યા હતા. નજીકના ગઢવાલની વાત કરીએ તો ત્યાં પણ એવીજ સ્થિતિ થઈ છે. રાજયમાં તા.૮ સુધીમાં ઓરેન્જ ઝોન જાહેર થવાની સ્થિતિમાં હતુ ત્યાંના ત્રણ
પોઝિટિવ દર્દી સાજા થયા ને છેલ્લા ૧૦દિવસમા એક પણ નવો કેસ બહાર આવ્યો ન હતો. ત્યાં મધરાત્રે એક સાથે ૨૦ પોઝિટિવ કેસ બહાર આવતા ઓરેન્જ ઝોન જાહેર થતા અટકયું હતુ આ તમામ કેસ બીજા રાજયોમાંથી વતન પરત આવેલા લોકોના હતા. કોરોના શરૂ થયા બાદ ઝારખંડનું રાંચી હોટસ્પોર્ટ હતુ જોકે હવે ત્યાં માત્ર ૨૦ કેસ છે અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૭ નવાકેસ છે.
રાજયમાં આવેલા શ્રમિકોમા મોટાભાગના ગુજરાત, કર્ણાટક, તેલંગાણા તથા મહારાષ્ટ્રથી આવ્યા છે. ૧ મેના રોજ હૈદ્રાબાદથી પ્રથમ શ્રમિ ટ્રેન રાંચી આવી હતી બાદમાં પર સ્પેશ્યલ ટ્રેનો મારફત ૬૨૦૦૦ શ્રમિકો બીજા આવ્યા હતા. જયારે નજીકનાં રાજયમાંથી બસ મારફત ૩૦ હજાર લોકો વતન આવ્યા હતા. રોજ હજારો શ્રમિકો વતન આવી રહ્યા છે. એટલે તેમને બધાને સામુહિક કવોરેન્ટાઈન રાખવાની સગવડતા થઈ શકતી નથી તેમ રાજયનાં મુખ્ય આરોગ્ય સચિવ ડો. નીતીન મદન કુલકર્ણીએ જણાવ્યું હતુ.
પાન-માવાના ગલ્લા ખાલી થશે, રૂપિયાથી ગલ્લા છલકાશે…
કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી દુકાનો-ઓફિસો ખોલવા દેવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. ૫૪ દિવસથી બંધ પડેલી ગતિવિધિઓ આજથી શરૂ થઈ જશે. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં સલુન, પાનના ગલ્લા, કરીયાણાની દુકાનો ખુલશે અને સાંજે ૭ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી કફર્યુ રહેશે. જો કે આજે વહેલી સવારથી જોવા મળેલા નજારાના કારણે ભવિષ્યમાં અફરા-તફરી સર્જાય તેવું ફલીત થાય છે. આજે સવારથી જ પાનના ગલ્લાની બહાર વ્યસનીઓની લાંબી કતારો જોવા મળી હતી. રાજકોટના નામાંકીત પાનના ગલ્લાઓ વ્યસનીઓથી ઉભરાયા હતા. પાન-ફાકી-માવા-બીડી-તમાકુ-સીગરેટ માટે વ્યસનીઓ બેબાકળા બન્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થયો હોવાનું પણ સામે આવ્યું હતું. વ્યસનીઓના કારણે કેટલાંક પાનના ગલ્લાનો માલ બપોર સુધીમાં ખાલી થઈ ગયો હતો. કેટલાક વેપારીઓ પાસે થોડા દિવસો ચાલે તેટલો માલ છે. હાલ બહારથી માલ ઓછો આવી રહ્યો છે. સિગરેટ બનાવતી મોટી કંપનીઓમાં હવે ધીમીગતિએ ઉત્પાદન શરૂ થયું છે ત્યારે પાનના ગલ્લાઓમાં માલ આવે તે પહેલા પાન-બીડી-સીગરેટ-ફાકી સહિતના પદાર્થોના ઉંચા ભાવ આકાશે આંબશે. લોકડાઉનમાં તો વ્યસનીઓએ વ્યસનો પાછળ ધોમ ખર્ચો કર્યો છે. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ પણ ઘણા દિવસો સુધી ઉંચા ભાવ તોડવામાં આવશે. જેના કારણે પાનના ગલ્લાઓમાંથી માલ ખાલી થઈ જશે અને રૂપિયાના ગલ્લા ભરાશે.