- મદિરાના ભાવમાં 30% જેટલો વધારો થતાં ‘ન કહેવાય ન રહેવાય’ જેવી પ્યાસીઓની સ્થિતી
ચૂંટણીની જાહેરાત, આચારસંહિતાની અમલવારી, પોલીસનું ચેકીંગ પ્યાસીઓ માટે ’મોંઘા’ સમાચાર લાવી છે. દારૂબંદીવાળા ગુજરાતમાં આમ તો બે નંબરમાં દારૂનું બેફામ વેચાણ થાય છે તે વાતથી સૌ વાકેફ જ છે. દારૂબંદીના લીધે શરાબની મૂળ કિંમત કરતા બમણાથી વધુ નાણાં ખર્ચતા પ્યાસીઓ માટે વધુ એક મોંઘા સમાચાર એવા છે કે, ચૂંટણી જાહેર થયાં બાદ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ચુકી છે જેના લીધે ઠેરઠેર ચેકપોસ્ટ ઉભા કરી પોલીસે સઘન ચેકીંગ હાથ ધરતા બુટલેગરોને માલ પહોંચાડવામાં વધુ ’રિસ્ક’ રહેતું હોય શરાબની કિંમતમાં નોંધપાત્ર વધારો ઝીંકી દેવાયો છે.પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાંથી ગેરકાયદે ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે અને ત્યારબાદ ગેરકાયદે ઊંચી કિંમતે વેચાણ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે દારૂની બ્રાન્ડની કિંમત મોટાભાગે નક્કી જ હોય છે પણ અમુક મોટા તહેવારો સમયે છાંટાપાણીના ભાવમાં વધારો ઝીંકી બુટલેગરો શરાબમાંથી મલાઈ તારવી લેતા હોય છે.
ત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વમાં પણ મલાઈ તરાવવા બુટલેગરો સજ્જ થઇ ગયાં છે અને આચારસંહિતાની અમલવારી થતાની સાથે જ છાંટાપાણીની કિંમતમાં નોંધપાત્ર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. હાલ તમામ બ્રાન્ડની દારૂના ભાવમાં રૂ. 200 થી માંડી 700 સુધીનો ભાવ વધારો ઝીંકી શરાબની કિંમત આસમાને પહોંચાડી પ્યાસીઓના ખિસ્સા હળવા કરવા બુટલેગરો સજ્જ થઇ ગયાં છે.તેમાં પણ ખાસ તો અમુક ચોક્કસ પ્રકારના પ્રીમિયમ દારૂની બ્રાન્ડની કિંમતમાં તો 50% સુધીનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું ધુળેટી પર્વ માથે હોવાથી પ્યાસીઓ અત્યારથી છાંટાપાણી માટે ફાંફા મારતા હોય છે દરમિયાન ભાવ વધતા પ્યાસીઓ પ્યાસ બુઝવવા ઉંચા ભાવે શરાબ લેવા મજબુર થયાં છે અને પ્યાસીઓની સ્થિતિ ‘ન કહેવાય ન રહેવાય’ જેવી થઇ છે.
‘અછત’ના ભયે પ્યાસીઓ ‘સ્ટોક’ ભેગો કરવા દોડ્યા…!
હાલ બુટલેગર આલમ તરફથી તમામ પ્યાસીઓને એવી જ વાત કરવામાં આવે છે કે, આચારસંહિતાની અમલવારી શરૂ થઇ જતાં હવે બે મહિના સુધી (ચૂંટણી પરિણામ) માલની ભારે અછત રહેવાની છે અને ભાવમાં પણ જબરો વધારો થવાના એંધાણ છે. જે અછતના ભયે પ્યાસીઓ સ્ટોક કરવા દોડાદોડી કરી રહ્યા છે. જેનો સીધો લાભ બુટલેગરોને મળી રહ્યો છે અને આદતથી મજબુર પ્યાસીઓ લૂંટાઈ રહ્યા છે.
અમુક બુટલેગરોને તો હવે ‘છૂટક’માં રસ જ નથી!!
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આચારસંહિતાની અમલવારી બાદ અમુક બુટલેગરોને એકલ-દોકલ બોટલ વેચવામાં રસ જ ન હોય તેવી રીતે મિનિમમ અડધી પેટી જ લેવી પડશે તેવી શરત મુકાઈ રહી છે. એક બોટલ લઈને ડિલિવરી દેવા જઈએ કે આખી પેટી લઈને નીકળીયે બંનેમાં ’રિસ્ક’ સરખું જ હોવાથી બુટલેગરો સીધો પેટીનો જ સોદો પાડી રહ્યા છે. તેમાં પણ માલની અછતના મેસેજને લીધે પ્યાસીઓ આખી પેટી સંભાળી પણ રહ્યા છે.
જથ્થાની આંશિક અછત અને પોલીસ ચેકીંગને લીધે નાના બુટલેગરોના મોબાઈલ ‘બંધ’
આચારસંહિતાની અમલવારી થતાં અમુક અંશે દારૂની અછત સર્જાઈ છે અથવા જાણી જોઈને ભાવ આસમાને પહોંચાડવા અછત સર્જવામાં આવતા નાના બુટલેગરો પાસે માલ પહોંચી રહ્યો નથી અથવા તો ઉંચા ભાવે પહોંચતો હોવાથી અનેક નાના બુટલેગરના ફોન સ્વીચ ઓફ થઇ ગયાં છે અથવા તો સાઇલન્ટ કરી દેવામાં આવ્યા છે.