બે કલાકથી નીચેની મુસાફરીમાં પણ ભોજન ફરીવાર પીરસાશે !!

અબતક, નવી દિલ્હી

બે કલાક કરતાં ઓછા સમયની ડોમેસ્ટિકસ ફ્લાઇટમાં પણ ફૂડ સર્વ કરવાનું ફરી ચાલુ કરી શકાય છે, એવું આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને જણાવ્યું હોવાનું માનવામાં આવે છે. કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે હાલના કોરોના નિયમોને હળવા કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી છે અને તે માટે આરોગ્ય મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો હતો. આરોગ્ય મંત્રાલયે તેના અભિપ્રાયમાં આ સૂચન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ફ્લાઇટના ક્રૂ મેમ્બરે કવરોલ્સ પહેરવાની જરૂર નથી, પરંતુ ગ્લોવ્સ, માસ્ક અને ફેસ શીલ્ડ પહેરવા પડશે. હાલની કોરાના ગાઇડલાઇન મુજબ એરલાઇન્સ કંપનીઓ બે કલાક કરતાં ઓછા સમયની ફ્લાઇટમાં ભોજન પીરસી શકતી નથી. આ પ્રતિબંધ ૧૫ એપ્રિલે મૂકવામાં આવ્યો હતો.

કોરોના લોકડાઉન બાદ ગયા વર્ષના ૨૫મેએ શિડ્યુલ્ડ ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ ફરી ચાલુ થઈ ત્યારે મંત્રાલયે કેટલીક શરતો હેઠળ ફ્લાઇટમાં ભોજન પીરસવાની મંજૂરી આપી હતી.સૂત્રે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય કોરોનાના દૈનિક કેસોમાં દ્યટાડાને પગલે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મીલ સર્વિસની સમીક્ષા કરી રહી છે અને હાલની ગાઇડલાઇન્સમાં સુધારો કરવા માટે આરોગ્ય મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે. આરોગ્ય મંત્રાલયે હવે માહિતી આપી છે કે બે કલાક કરતાં ઓછા સમયની ફ્લાઇટમાં ફૂડ સર્વ કરવાનું ફરી ચાલુ કરી શકાય છે અને ક્રૂ મેમ્બર્સે કોવરોલ્સ પહેરવાની જરૂર નથી. જોકે ગ્લોવ્સ, માસ્ક અને ફેસ શીલ્ડ પહેરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.