Abtak Media Google News

દાવેદાર હોવા છતાં પોતાને ટિકિટ ન મળી હોય તેવા શહેર ભાજપના નેતાઓએ ઉમેદવારોને હોંશભેર આવકારી જાજરમાન જીત માટે શુભેચ્છા પાઠવી હતી

ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં અલગ-અલગ 160 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર પક્ષ દ્વારા કાતર ફેરવી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારો જાહેર થતાની સાથે જ સમર્થકો અને કાર્યકરોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. શહેર ભાજપના નવનિર્મિત કાર્યાલય એવા કમલમ્માં જીત જેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળી રહ્યો હતો. છેલ્લી ઘડી સુધી પ્રબળ દાવેદાર હોવા છતાં શહેર ભાજપના જે નેતાઓને ટિકિટ મળી નથી તેઓ તમામે હાઇકમાન્ડના નિર્ણયને પચાવી લીધો હતો અને ઉમેદવારોને જાજરમાન જીત માટે શુભકામના પાઠવી હતી.

આજે સવારે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવતાની સાથે જ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. રાજકોટ પૂર્વ બેઠક માટે ભાજપે પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડ, રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણ બેઠક પરથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જાણિતા ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળા જ્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી હતી. નામો જાહેર થતાંની સાથે જ ચારેય ઉમેદવારો શિતલ પાર્કમાં તાજેતરમાં બનાવવામાં આવેલા શહેર ભાજપના નવનિર્મિત કાર્યાલય કમલમ્ ખાતે પહોંચી ગયા હતા.

 

જ્યાં સમર્થકો અને કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમ્ જેવા ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણને ભાજપ મય બનાવી દીધું હતું. એક જ બેઠકો માટેના દાવેદાર હોવા છતાં ઉમેદવારનું નામ જાહેર થયા બાદ શહેર ભાજપના નેતાઓ જૂની હરિફાઇને ભૂલી કમળ જ અમારે માટે સર્વસ્વ છે તેવું જણાવી ચારેય ઉમેદવારોને જીતાડવા માટે કામે લાગી જવાનો સંકલ્પ કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, મહામંત્રી જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર અને કિશોરભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ ઉમેદવારોને હોંશભેર આવકારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં તોતીંગ લીડ સાથે વિજેતા બને તેવી શુભકામના પાઠવી હતી. ચારેય ઉમેદવારોએ પણ પક્ષ દ્વારા પોતાના પર મૂકવામાં આવેલા વિશ્ર્વાસને પૂરવાર કરવાનું વચન આપ્યું હતું.

સરદાર પટેલની પ્રતિમાને વંદન કરી ચારેય ઉમેદવારો કાલે ફોર્મ ભરશે

રાજકોટ શહેરની ચારેય બેઠકો માટે ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ભાજપના ચારેય ઉમેદવારો આવતીકાલે બપોરે 12 કલાક અને 39 મિનિટના શુભ વિજય મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. આ પૂર્વે સવારે 11 કલાકે રેસકોર્ષ રિંગ રોડ પર બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ચારેય ઉમેદવારો પુષ્પાંજલી અર્પણ કરશે અને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 68-રાજકોટ બેઠક માટે ઉદયભાઇ કાનગડ, 69-રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે ડો.દર્શિતાબેન શાહ, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે રમેશભાઇ ટીલાળા અને 71-રાજકોટ ગ્રામ્ય બેઠક માટે ભાનુબેન બાબરિયા નામાંકન પત્ર દાખલ કરશે. ચારેય ઉમેદવારોના સમર્થનમાં શહેર ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. તમામ સમાજના આગેવાનોને ફોર્મ ભરવા વેળાએ સાથે રાખવામાં આવશે. પ્રદેશમાંથી પણ કોઇ નેતા ઉ5સ્થિત રહે તેવું મનાઇ રહ્યું છે.

ઉમેદવારોને ખભ્ભે બેસાડી રાજકોટની ચારેય બેઠકો પર કમળ ખીલવવા સંકલ્પબધ્ધ થતાં કાર્યકરો

 

આ રાજનેતાઓ હશે ગુજરાતના ભાવિ ધારાસભ્યોપ્રથમ તબક્કો

Screenshot 1 19

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.