કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત દ્વારા વડાપ્રધાનની સૌરાષ્ટ્રને દિવાળી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આજે સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે સૌના સેવકને આવકારવા માટે સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર ગુજરાતના લોકો થનગની રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈની દૂરંદેશીને કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સૌની યોજનાને કારણે પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યા હલ થઈ ગઈ છે. સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કા પછી જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના વધુને વધુ નીર મળતા થશે.
રાજુભાઈ ધ્રુવે એક વધુમાં જણાવ્યું છે કે સૌની યોજનાનો મૂળ ઉદ્દેશ નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને ત્યાં પ્રવર્તતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હતો હંમેશાં પ્રજાના હિતમાં ચિંતન, મનન કરતી અને મજબૂત પગલાં લેતી સરકાર દ્વારા સૌની યોજનાના વિવિધ તબક્કાનું લોકાર્પણ એ વિકાસની દિશામાં એક સફળ પ્રયાણ છે. અલબત્ત સૌની યોજના અને અન્ય લોકાર્પણ અને સાથે કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત દ્વારા નરેન્દ્રભાઈ મોદીની સૌરાષ્ટ્રને દિવાળી ભેટ મળી રહી છે.
રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે કે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા બંધ પરથી દર વર્ષે અંદાજે એક મિલિયન એકર ફિટ (એમએએફટી) પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને સૌરાષ્ટ્રના સતત પાણીની અછતથી પીડાતા વિસ્તારો સુધી પહોંચાડવાની મહત્વાકાંક્ષા સાથે રૂ. 10 હજાર કરોડના ખર્ચે સૌની યોજના ઘડવામાં આવી હતી.
રાજુભાઈ ધ્રુવે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઇ યોજના એટલે કે સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ 1126 કિ.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લિંક ધ્વારા સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે હવે આ યોજના ના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.