આજથી ચાર દાયકા પહેલા આટલો ફેશન યુગ ન હોવાથી લોકો સાદાને સિમ્પલ કપડા પહેરતા હતા. મહિલાઓ પણ ગુજરાતી સાડી પહેરતા હતા, છોકરાઓ તો મોટા થતાં ત્યાં સુધી ચડ્ડી પહેરતા હતા. નાનપણ ભાઇબંધને ચડ્ડી ભાઇબંધ એટલે જ કહેવાતા હતા. જેમ જેમ યુગ બદલા તો ગયો તેમ તેમ આપણે પણ સમય સાથે ચાલીને પહેરવેશ, હેરસ્ટાઇલમાં નવારંગ રૂપ અપનાવ્યા છે. આજે તો ઘણાં યુવકો છોકરી જેવા વાળ રાખે તો છોકરીઓ બોય કટ રાખીને જીન્સ-ટીશર્ટ પહેરે છે. પહેલા પહેરવેશ આધાર કાર્ડ ગણાતું કારણ કે તેની ઉપરથી નાત, જાત, વિસ્તાર કે પ્રદેશ નકકી થતો હતો. આજે સાવ બદલાઇ ગયું છે. આપણાં દેશના વિવિધ રાજયોનો પહેરવેશ નિયત હોવાથી તેની ઓળખ સરળ હતી, આજે એવું કયાંય દેખાતું નથી.
આપણાં દેશમાં વિવિધ રાજયોના લોકોને તેના પહેરવેશ ઉપરથી ઓળખતા હતા, પણ આજે તો બધા નવ યુગની ફેશન સાથે વસ્ત્રોમાં બદલાવ કર્યો: પંજાબનો પંજાબી ડ્રેસ આજકાલ ગુજરાતમાં મહિલાઓની પ્રથમ પસંદગી
પહેલા ધોતી-ઝબ્બો પહેરતા લોકો આજે જીન્સ-ટીશર્ટ પહેરવા લાગ્યા છે: પહેલા નાના બાળકો ચડ્ડી પહેરતા, પણ આજે મોટી ઉંમરના લોકો લોંગ સોર્ટ પહેરે છે: પહેલા ખુલતા કપડાં પછી ફીટ કપડા આવ્યાં: નવા યુગમાં પુરૂષો કરતાં સ્ત્રીઓના પહેરવેશમાં વધુ બદલાવ આવ્યો છે
પહેરવેશ એક માત્ર એવી બદલાયેલી વસ્તું છે, જેમાં બાળથી મોટેરા તમામ જોડાયા છે. બદલાતા યુગે આપણી જીવન શૈલી બદલતા ઘણું પરિવર્તન આવ્યું તેમાં પહેરવેશ મુખ્ય છે. આજે લગ્નમાં પરિવારના બધા જ લોકો સાફા બાંધીને ઉજવણી કરે છે, તે તેનો એક નમુનો છે. પહેરવેશમાં આપણે ફિલ્મો, ટી.વી, અન્યોને જોઇને કે ફોટા જોઇને અનુકરણ કરતાં હોય છે. લેડીઝ કે જેન્ટલના કપડાં વહેંચતા દુકાનદારો પણ બહાર પૂતળા રાખીને તેને મેંચીંગ વસ્ત્રો પહેરાવીને આકર્ષણ જગાવતા હોય છે. એક વાત નોંધવા જેવી છે કે નવા યુગમાં આજે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વસ્ત્રોનો બદલાવ વધુ જોવા મળેલ છે.
લગ્ન પ્રસંગે જેન્ટલ કોટ- પેન્ટ કે જીન્સ ટી શર્ટ સાથે ર્સ્પોટસ સુઝમાં વધુ જોવા મળે છે, ત્યારે સ્ત્રીઓ ડ્રેસ, સાડી લેગીસ, ટીશર્ટ, ટોપ વિગેરે અવનવા વસ્ત્રોમાં જોવા મળે છે. આજ તો નાના બાળકોના પણ મસ્ત કપડા બઝારમાં જોવા મળે છે. બાળથી મોટેરા ઘેર આવ્યા બાદ નાઇટ ડ્રેસ પહેરવો વધુ પસંદ કરે છે, જે પહેલા લુંગીને ગંજી પહેરીને શેરીમાં આંટા મારતા હતા.
આજે તો મોટી ઉંમરના સિનિયરો પણ બર્મુડા અને ટી શર્ટ પહેરીને વોકીંગ નીકળતા જોવા મળે છે. ઘણા ઘરોમાં વડીલો આવા ડ્રેસમાં જ જોવા મળે છે. પહેલા તો વહુંઓ લાજ કાઢતી જે સાડીમાં જ શકય બને છે, આજે તો ડ્રેસની ચુન્ની આગળ લટકાવે કે મોઢા પર બાંધીને ફરનારી યુવતિઓ વધુ જોવા મળે છે. પહેલા ફ્રોક, મીડી, સ્કટ, પહેરતી યુવતિ આજે લેગીસ, જેગીસ, જીન્સ, ટીશર્ટ પહેરવા લાગી છે. પુરૂષો લેંઘો, ઝબ્બો, પેન્ટ-શર્ટ પહેરતા જે આજે પેન્ટ શર્ટ જીન્સ ટીશર્ટ કે આખી અડધી બાંયના શર્ટ કે ટીશર્ટ પહેરે છે. આજના યુગમાં વસ્ત્રોમાં દેખાદેખી કે વિદેશી કલ્ચરની અસર વધુ જોવા મળે છે. પહેલા તો ઋતું પ્રમાણે ના વસ્ત્રો પહેરતા હતા, જે આજે લગભગ બારેમાસ એક સરખા કપડા પહેરાય છે. મહિલાઓ રાત્રે ગોઉન, નાઇટી કે નાઇટ ડ્રેસ વધુ પસંદ કરે છે.
જુના લોકોને મોટા ખુલતા લેંઘા અને ચટ્ટાપટ્ટા વાળી ચડ્ડી કે ચેકસવાળી લુંગી ગંજી યાદ હશે. આ વસ્ત્રો તો આજે લુપ્ત થઇ ગયા છે. ગરીબો પણ આજે વસ્ત્રો પસંદગીમાં ઘ્યાન રાખે છે. પહેલા ફાટેલા કપડાં ગરીબીની નિશાની ગણાતી હતી, આજે ફાટેલા પેન્ટ શર્ટ આજના યુગમાં ફેશન ગણાવા લાગી છે. આજે તો ગરીબ કે શ્રીમંતોના કપડાંમાં બદલાવ જોવા મળે છે, માલેતુદારમાં બ્રાન્ડેડ કપડાનો વધુ ક્રેઝ છે, જયારે મઘ્યમ વર્ગનાં સસ્તા કપડા ગોતીને પહેરતા હોય છે. પહેલાના જમાનામાં શાળાઓમાં ડ્રેસ ન હતો ત્યારે છાત્રો મનપસંદ કપડાં પહેરીને આવતા હતા, જે આજે ડ્રેસ કોડ આવવાથી બધા જ છાત્રો એક સમાન લાગે છે.
ડ્રેસ એક ઓળખ પણ છે, જેમ કે પોલીસ, વકીલ, સિકયુરીટી, ફાયર સ્ટાફ, એનસીસી, ટ્રાફીક પોલીસ જેવી વિવિધ કેટેગરી તેના ડ્રેસથી ઓળખાય છે. પહેલા નાની ઉંમરના રંગીન કપડા વધુ પહેરતા હતા ને વડીલો સફેદ વસ્ત્રો વધુ પહેરતા હતા, જે આજે લગભગ એક સમાન છે. અપવાદ રુપ ઘણા લોકો આજે પણ બારે માસ સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે. ફિટ કપડાં લાગે સારા પણ શરીરને નુકશાન વધુ કરે છે. પહેલા બેલબોટમને બ્રાસાનો મોટી ડિઝાઇન વાળો શર્ટનો એક યુગ હતો. હિપ્પી કટ લાંબા વાળ સાથેનો આ લુકનો પણ એક જમાનો હો. આપણાં ગુજરાતમાં તો હવે બહુ ઓછા મહિલાઓ સાડી પહેરતા જોવા મળે છે. લગભગ બધા ડ્રેસ વધુ પસંદ કરે છે. ઘણા પરિવારમાં વહુઓ આવ્યા બાદ સાસુને પણ ડ્રેસ પહેરતા કરી દીધા છે.
આજના યુગમાં ગુજરાતીઓના આભૂષણ સમી સાડીના સ્થાને લાંબા – ટૂંકા વસ્ત્રો આવી ગયા છે. પહેલા તો સંપૂર્ણ શરીર ઢંકાઇ જાય તેવા વસ્ત્રો પહેરતા અને એ જ ત્યારના સંંસ્કાર ગણાતા, આજે તેનાથી સાવ ઉલ્ટી ગંગાના દિવસમાં શરીર વધુ ખુલ્લું દેખાય તેવા શોર્ટનો યુગ ફેશન ગણાય છે. આજના યુગના અમુક વસ્ત્રો જોઇ ત્યારે માથુ શરમથી ઝુકી જાય છે. પ્રાચીનકાળથી આપણી મૂળભૂત જરુરીયાતમાં હવા-પાણી ને ખોરાક સાથે અન્ન, વસ્ત્ર અને આવાસ પણ ગણાતા હતા. જે આજે સાવ બદલાય ગયા છે. ખોરાક બદલ્યો, વસ્ત્રો બદલ્યાને આવાસ પણ બદલ્યા, ભલે આપણે પ્રગતિ કરી પણ હજી રજા પડે ત્યારે ફાર્મ હાઉસમાં કુદરતના ખોળે ગુજરાતી ખાણું ખાવાનો મોકો કોઇ છોડતું નથી.