- ભાજપ સરકારે કહ્યાગરાઓને કુલપતિ બનાવતા રાજયમાં શિક્ષણ ખાડે ગયું: દોશી-બારોટ
ભાજપ સરકાર કુલપતિઓના નિમણૂકમાં ધારાધોરણ અંગે આંખ આડા કાન કરી રહી છે જેના લીધે શિક્ષણ વ્યવસ્થાને ભારે નુકશાન થઇ રહ્યું છે, યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યાં છે અને બીજીબાજુ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિઓને શિક્ષણના હિતમાં તાત્કાલીક અસરથી દુર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી અને ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિઓની ભાજપ સરકારે નિયુક્તિ કરી. કહ્યાગરા કુલપતિઓની નિયુક્તિથી ગુજરાતનું ઉચ્ચશિક્ષણ ખાડે ગયું. એમ.એસ. યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ ડો. શ્રીવાસ્તવને કાર્યકાળ પૂરો થવાને માત્ર એક મહિનો બાકી છે ત્યારે અંતે રાજીનામું આપવાની ફરજ પડી.
શ્રીવાસ્તવને જે સમયે કુલપતિ પદે નિયુક્ત થયા તે સમયે જ તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કુલપતિપદ માટેની જરૂરી માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન અંગે પુરાવા સાથે ફરિયાદ થઈ હતી. શ્રીવાસ્તવને કુલપતિ બનવા માટે પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ ન હતો. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ તરીકે શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા ન હોવાનું જાણવા છતાં અન્ય યુનિવર્સિટીઓને હોદ્દાઓની ખોટી વિગતો જાહેર કરી હતી. એટલે કે સદ્દંતર ખોટી અને બનાવટી વિગત સાથે બાયોડેટા તૈયાર કરેલ જે ઘણુ ગંભિર હોવા છતાં ભાજપ સરકારે તમામ રજુઆતોને આંખ આડા કાન કર્યા હતા પણ ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર બાબત ખુલ્લી પડી જતાં અંતે ભાજપ સરકારે ચામડી બચાવવા રાજીનામું લઈને ઢાંકપીછોડો કરવાનું કામ કર્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ શિરીષ કુલકર્ણીની નિયુક્તિ સુપ્રિમ કોર્ટે રદ કરી હતી અને ઐતિહાસીક ચુકાદામાં સ્પષ્ટપણે ગુજરાત સરકાર યુ.જી.સી.ના ધારાધોરણ અને શૈક્ષણિક લાયકાતોનું પાલન કરવા નિર્દેશ કર્યો હતો તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીમાં જે તે સમયના કુલપતિ હિમાંશુ પંડ્યા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના હર્ષદ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિતિન પેથાણી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના અમીબેન ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કમલેશ જોશીપુરા, ભાવનગર યુનિવર્સિટીના એસ.એન. ઝાલા, વીર નર્મદ યુનિવર્સિટીના શૈલેન્દ્ર ગુપ્તા એ ધારાધોરણને ઉલ્લંઘન કર્યાની વ્યાપક ફરિયાદ છતાં જે તે યુનિવર્સિટીમાં કુલપતિપદનો કાર્યકાળ પુરો કર્યો, હાલમાં પણ કાર્યરત ત્રણ યુનિવર્સિટીના કુલપતિ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા નથી છતાં કુલપતિપદ સંભાળી રહ્યાં છે. તમામ યુ.જી.સી.ના પગાર સહિતના લાભો મેળવ્યાં, જે ભાજપ સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા અને આર.એસ.એસ. ભાજપ સહિતની ભગીની સંસ્થાના વ્યક્તિઓની શિક્ષણના ભોગે સાચવવાની નીતિને ઉજાગર કરે છે. યુ.જી.સી.ના ધારાધોરણ – લાયકાત ન ધરાવતા કુલપતિઓને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ પક્ષ પુન: માંગણી કરે છે.