ચોમાસા પહેલીવાર સાંબેલાધાર વરસાદ: સુરત શહેર અને જિલ્લામાં ૨૪ કલાકમાં સરેરાશ ૪ ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદો
ચોમાસાની શરૃઆત થયા બાદ મેઘરાજ મોડે મોડે પણ ધુંઆધાર બેંટિગ કરતા વિતેલા ૨૪ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં સાંબલેધાર વરસાદ ઝીંકાતા સાત ઇંચ થી લઇન ૧ ઇંચ સુધીનો વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થતા શહેરીજનો તથા ખેડુતો ખુશીથી ઝુમી ઉઠયા હતા. તો એક જ દિવસમાં સુરત જિલ્લામાં સરેરાશ ૪ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગની ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે પહેલીવાર મેઘરાજા દેમાર વરસ્યા હતા. રવિવાર સાંજ થી વરસાદ શરૃ થઇ ગયો હતો. અને આજે સવારે તો વાદળીયા હવામાન સાથે દેમાર વરસાદ શરૃ થયો હતો. ચોમાસાની શરૃઆત બાદ આજે પ્રથમ દિવસ એવો હતો કે આખો દિવસ સૂર્યદેવતાના દર્શન થયા ના હતા. અને વાદળીયા હવામાન સાથે સવારથી જ વરસાદ ઓછા વધતા પ્રમાણમાં વરસી રહયો હતો. અને મેઘરાજા મનમુકીને વરસતા ખેતરો પાણીથી તરબોળ થઇ જતા ખેડુતો ખુશ થઇ ઉઠયા હતા.
સુરત જિલ્લમાં સૌથી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં ૭ ઇંચ અને સૌથી ઓછો વરસાદ ઓલપાડ તાલુકામાં ૧ ઇંચ નોંધાયો હતો. આમ ચોમાસાની ઋતુની શરૃઆત થયા બાદ આજે પ્રથમવાર મેઘરાજા સાંબલેધાર વરસ્યા હતા. સુરત શહેરમાં પણ વાદળછાયા વરસાદ વચ્ચે મેઘરાજાની આવનજાવન ચાલુ રહી હતી. અને આખો દિવસ વરસાદ વરસતો રહેતો વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનો ગરમીથી છુટકારો મળતા રાહત અનુભવી હતી.
આમ રવિવારની સાંજે ૬ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં સુરત જિલ્લાનો કુલ વરસાદ ૨૫૫ મિ.મિ વરસ્યો હતો. અને આજે દિવસના ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ૭૪૯ મિ.મિ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ના હતો.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ: ડેમની સપાટી ૨૮૫.૩૦ ફુટ
ઉકાઇ ડેમના ઉપરવાસમાં મેઘરાજા ધીમીધારે વરસી રહયા છે.અને આગામી દિવસોમાં મેઘરાજા દેમાર વરસે અને ડેમમાં પાણીનો આવરો ઠલવાય તેની કાગડોળે રાહ જોઇ રહયાં છે.
પુર નિયત્રણ કક્ષના અહેવાલ મુજબ ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદ તો શરૃ થયો છે. પરંતુ જોઇએ તેવો વરસ્યો નથી. જો કે છેલ્લા ચાર દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહયો હોવાથી સતાધીશોને હાશ બંધાઇ છે કે ડેમમાં પાણી આવશે. વિતેલા ૨૪ કલાકમાં ધુલીયામાં ૧.૫ ઇંચ, ચીખલધરા, દહીંગાવમાં ૦.૫ ઇંચ તેમજ યરલી, હથનુર, બુરહાનપુર, નંદરબારમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમની સપાટી આજે ૨૮૫.૩૦ ફૂટ નોંધાઇ હતી. અને વિતેલા ૨૪ કલાકમાં કુલ વરસાદ ૮૦ મિ.મિ વરસ્યો હતો