ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છરથી જ મેલેરિયા ફેલાઇ છે, મેલેરિયા નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી છે. મચ્છરજન્ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી લેવાની રહે છે.
પીવાના તેમજ ઘરવપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફુલદાની, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લેવા અને ચુસ્ત ઢાંકણાથી બંધ કરવા, બંધિયાર પાણીના ખાડા-ખાબોચિયાનો નિકાલ કરવો, તેમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવો, બંધ પડેલી ગટરોની સાફસફાઇ કરવી અને ચાલુ કરાવવી, આજુબાજુમાં ઉગેલુ ઘાસ કઢાવવુ તથા ડસ્ટીંગ કરાવવું, મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો, સંડાસ-બાથરૂમની વેન્ટ પાઇપો પર પાતળા આછા કપડાથી બંધ કરવી, શહેર કે આજુબાજુના વિસ્તારોમાં મકાન બાંધવાની કામગીરી શરૂ અથવા બંધ હોય ત્યારે બનાવેલ પાણીની કુંડીમાં મચ્છર ઉત્પન થાય નહિ તે માટે કોન્ટ્રાકટરે ખાસ કાળજી લેવી, પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો, પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવી અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધુમાડો કરી બારી-બારણા ત્રીસ મિનિટ બંધ રાખવા જોઇએ.
આ ઉપરાંત મચ્છરથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો, રીપેલેન્ટનો ઉપયોગ કરવો, સંધ્યા સમયેથી જ બારી-બારણા બંધ રાખવા અને શરીર પૂરતુ ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચોમાસા દરમિયાન તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી જરૂરી છે