વર્ષાઋતુ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવનાર છે. પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આજ રોજ “બીટ પ્લાસ્ટીક પોલ્યુશન” થીમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી.
આગામી તા. ૫મી જુનથી ૧૨મી જુન સુધી રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ સ્વચ્છતા અને પાર્યાવરણ જાગૃતિ સપ્તાહની ઉજવણી થનાર છે. જે અન્વયે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમેવર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અન્વયે લોક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટ રેસકોર્ષ ખાતે “બીટ પ્લાસ્ટીક પોલ્યુશન” થીમ અંતર્ગત ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ધો. ૧ થી ૫, ધો.૬ થી ૧૦ અને અન્ય એવી કુલ ત્રણ કેટેગરીમાં ૧૬૦થી વધુ બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો.
આ ચિત્રસ્પર્ધાનો હેતુ બાળકો અને યુવાનોમાં વધતા પ્લાસ્ટીક પોલ્યુશન અને તેની ગંભીર અસરો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ ઉપરાંત સવારે ફન સ્ટ્રીટ ખાતે વિશેષરૂપે પર્યાવરણને લગતી રમતો રમાડાઇ હતી. જયારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું સર્જન કરવાના કાર્યનું નિદર્શન, ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન જનરલ કિવઝ અને ૧૧-૪૫ થી ૧૨-૪૫ દરમિયાન ઝિરો સેડો ડેનું નિદર્શન કરાવવામાં આવેલું હતું.
આ કાર્યક્રમ પ્રસંગે લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટર શ્રી રમેશભાઇ ભાયાણી તથા તેમની ટીમ અને ગુજરાત પોલ્યૂશન કંટ્રેાલ બોર્ડના અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.