આંતરરાષ્ટ્રીય મુડી રોકાણકારો માટે ગુજરાતે ‘લાલ જાજમ’ પાથરી !
સરકારે પરવાનગી આપતા જ આગામી બેથી ત્રણ વર્ષમાં ૨૦૦૦થી વધુ રોજગારીની તકો ઉદભવિત થશે
વિશ્વ સ્તર ઉપર જુજ જ એવા દેશો છે કે જે આર્થિક મુદ્દા ઉપર ટકી ગયેલા હોય જેમાં હોંગકોંગ, સિંગાપોરનો પણ સમાવેશ થાય છે ત્યારે ગુજરાતને ભારતનું આર્થિક રાજધાની બનાવવા માટેનાં પ્રયત્નો હાલ સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર વચ્ચે આવેલા ગીફટ સીટીનાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સરકારે ૨૮ જેટલી નાણાકિય સંસ્થાઓને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધેલો છે ત્યારે આગામી બે થી ત્રણ વર્ષમાં ૨૦૦૦થી વધુ રોજગારીની તકો ઉભી થશે. ગીફટ સીટીનાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનનાં ડેવલોપમેન્ટ કમિશનરે આ અંગે ટેલીકોન્ફરન્સ મારફતે તમામ ૨૮ જેટલી નાણાકિય સંસ્થાઓને પોતાની ઓફિસ સ્થાપવા માટેની પરવાનગી આપી છે. આ તમામ ૨૮ યુનિટો દ્વારા ઓનલાઈન એપ્લીકેશન મારફતે પરવાનગી લેવાય હતી ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે, આગામી બે થી ત્રણ વર્ષમાં ૨૦૦૦થી વધુની રોજગારીની અમુલ તકો ઉભી થશે.
સરકાર ગુજરાત રાજયને અનેકવિધ રીતે વિકસિત કરવા માટે ઘણાખરા પ્રયત્નો પણ કરી રહ્યું છે ત્યારે વિદેશી રોકાણકારોને આવકારવા માટે પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ૨૭ એપ્રિલ-૨૦૨૦નાં રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય નાણાકિય સર્વિસ સેન્ટર ઓથોરીટીની હેડ ઓફિસ સ્થપાશે. સાથોસાથ બીએસઈ ઈન્ડિયા એનએસઈ સહિતની સંસ્થાઓનાં પણ કાર્યાલયો ગીફટ સીટીમાં સ્થપાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. ભારત દેશ પાસે પુરતા પ્રમાણમાં તકો હોવા છતાં જે રીતે વિકાસ થવો જોઈએ તેમાં કયાંકને કયાંક પીછેહઠ જોવા મળી છે. હાલ મુંબઈ, દિલ્હી, બેંગલોર સહિતનાં અનેકવિધ શહેરોમાં વિશ્ર્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આજ વિશ્ર્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર ગુજરાત રાજયમાં સ્થાપિત કરવામાં આવે તે હેતુસર સરકાર કાર્ય કરી રહ્યું છે જેના ભાગરૂપે ગીફટ સીટીમાં સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં ૨૮ જેટલી નાણાકિય સંસ્થાઓને પ્રોત્સાહિત કરી તેઓને પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતનાં ૪ મહાનગરો સ્માર્ટ સીટી બનવા તરફ પણ અગ્રેસર થયા છે જેથી આવનારા સમયમાં જીવન જરૂરીયાત તમામ ચીજવસ્તુઓ ખુબ જ નજીક મળી રહે તે માટે સરકાર દ્વારા આ વિશેષ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે. સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં ૨૮ જેટલી જે નાણાકિય સંસ્થાઓ આવી રહી છે તેમાં સંસ્થા તેઓને વિશેષ લાભ આપી તેઓને પ્રોત્સાહિત કરશે અને જે રાજયની આર્થિક સ્થિતિ છે તેમાં પણ ઘણોખરો વધારો કરવામાં મદદગાર પણ સાબિત થશે.
૨૫ બેંકો પાસેથી ૨૬૭૨ કરોડ રૂપિયા ઉસેડનારી કલકતાની પેઢીને ૭૨૨૦ કરોડ રૂપિયાની ફેમા નોટિસ ફટકારાઈ
દેશમાં અનેકવિધ એવા લોકો છે કે જે ગેરરીતી આચરી પોતાનો ગેરકાયદે વ્યવસાય ચલાવતા હોય છે ત્યારે આ તમામ ઉધોગો પર લાલ આંખ કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ કાયદાઓનું નિર્માણ કર્યું છે જેમાં ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ હેઠળ જે કોઈ કંપની વિદેશમાં રહી નાણાકિય ગેરરીતી આચરતા હોય તો તેઓને ફેમાની નોટીસ પાઠવવામાં આવતી હોય છે ત્યારે ઈડીએ કલકતાની પેઢીને ફેમા નોટીસ પાઠવી ૭૨૨૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફેમા કાયદામાં મની લોન્ડરીંગ, હવાલા કૌભાંડ સહિતનાં અનેક ગુનાઓ પર તવાઈ કરતું હોય છે. ફેમા એકટ હેઠળ જે કોઈ આરોપી બેંકો પાસેથી નાણા ઉસેડી ગેરકાયદે નાણાકિય વ્યવહાર કરતા હોય તેના ઉપર ઈડી ફેમા નોટીસ પાઠવતું હોય છે.
ફેમા એકટ હેઠળ આવતા તમામ આરોપીઓ કે જેઓએ ફેમા કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તેઓને નાણાકિય રીતે દંડિત પણ કરવામાં આવે છે. ફેમા એકટ હેઠળ ગેરકાયદે નાણાકિય વ્યવહારો, ભારત બહાર ફોરેન એકસચેન્જ હોલ્ડીંગ સહિત અનેક મુદા પર ફેમા કાર્યરત રહેતું હોય છે. વર્ષો પહેલા લોકો તેમના બેનામી સંપતિ સ્વિસ બેંકમાં રાખતા હોવાનું પણ સામે આવ્યું છે જે માટે તેઓ સ્વીસ બેંકને પણ નાણા ચુકવે છે. સ્વીસ બેંકમાં નાણા રાખવા પાછળનું મુખ્ય કારણ તો એ કે જે વ્યકિતનાં નાણા સ્વીસ બેંકમાં રાખવામાં આવે છે તેઓની ગોપનીયતા જાળવવામાં આવતી હોય છે. ફેમા કાયદા હેઠળ કલકતાની પેઢી ગણેશ જવેલરી હાઉસને ઈડીએ ૭૨૨૦ કરોડ રૂપિયાની ફેમા નોટીસ પાઠવી છે.