ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને અપાતો આખરી ઓપ
૪૧૪ ગ્રામ પંચાયતો માટે ૯૬૪ મતદાન મથકો ઉપર ૨૨૩૫ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રહેશે : ૧૪૪ ચૂંટણી અધિકારી અને તે તમામના મદદનીશ અધિકારી પણ ચાપતી નજર રાખશે
અબતક, રાજકોટ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ૧૩૪ પંચાયતો સમરસ બન્યા બાદ હવે ૪૧૩ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે જેમાં આગામી શનિવારે સાંજ સુધીમાં ૫૫૦૧ જેટલો પોલિંગ સ્ટાફ રાજકોટથી જરૂરી સાધન સામગ્રી લઈને ૯૬૪ જેટલા મતદાન મથકોનો કબજો સંભાળી લેવાનો છે. આ મતદાન મથકો ઉપર ૨૨૩૫ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેવાનો છે.
રાજકોટ જિલ્લામાં આગામી તા ૧૯ને રવિવારના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાવાની છે. જે સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ હવે પૂર્ણતાને આરે પહોંચી છે. અગાઉ ૧૩૪ જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. જેથી હવે તંત્ર દ્વારા ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. હવે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૧૧૬૮ અને સભ્ય પદ માટે ૫૭૭૫ ઉમેદવારો મેદાને છે.
આ ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યા ૯૬૪ જેટલી છે. આ મતદાન મથકો ઉપર ૧૦૮૯ મતપેટીઓ હશે. આ માટે ૧૪૪ ચૂંટણી અધિકારી અને ૧૪૪ મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરાયા છે. જે મતદાન પ્રક્રિયા વેળાએ સતત ચાપતી નજર રાખશે. વધુમાં મતદાન વેળાએ કાયદો વ્યવ્થા જળવાઈ રહે તે માટે ૨૨૩૫ જેટલા પોલીસ જવાનોનો બંદોબ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
વધુમાં ચૂંટણી માટે ૫૫૦૧ જેટલો પોલિંગ સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ પોલિંગ સ્ટાફ શનિવારે બપોર સુધીમાં જરૂરી સાધન સામગ્રી લઈને સાંજ સુધીમાં મતદાન મથકોએ પહોંચીને તેનો કબજો સંભાળી લેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ૩,૮૮,૭૨૪ પુરુષ અને ૩,૫૩,૬૦૬ સ્ત્રી અને એક અન્ય મળી કુલ ૭,૪૨,૩૩૧ મતદારો છે. જે આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
જિલ્લાના ૬૧ મતદાન મથકો અતિ સંવેદનશીલ અને ૩૫૮ સંવેદનશીલ
રાજકોટ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતોના ૯૬૪ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા યોજાવાની છે. આ મતદાન મથકોમાંથી ૬૧ મતદાન મથકોને અતિ સંવેદનશીલ તથા ૩૫૮ મતદાન મથકોને સંવદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ઉપર જિલ્લા પોલીસ દ્વારા તથા મામતદારો દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થઇ શકે.
૨૧મીએ દરેક તાલુકા મથકે કુલ ૯૨૮ જેટલો સ્ટાફ કરશે મતગણતરી
૧૯મી એ ૪૧૩ ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાવાની છે. ત્યારબાદ ૨૧મીએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. દરેક તાલુકા મથકે કુલ ૨૧૨ ટેબલમાં ૯૨૮ જેટલો સ્ટાફ મત ગણના કરવાનો છે. આ માટે ૧૧૮ જેટલા મતગણતરી હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મતગણતરી દરમિયાન ૧૪૩ ચૂંટણી અધિકારી અને ૧૪૩ મદદનીશ ચૂંટણી અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. આ વેળાએ ૭૨૪ જેટલો પોલીસ સ્ટાફ પણ હાજર રહેશે. ૧૦૪ જેટલો આરોગ્ય સ્ટાફ અને ૨૩૪ જેટલાં વર્ગ ૪ના કર્મચારીઓ પણ ફરજ ઉપર રહેશે.