- નરેન્દ્ર સોલંકી, રાજદીપસિંહ જાડેજા, રોહિત રાજપુત સહિતના આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત
- ઘટનાના પીડિત પરિવારના સભ્યોની પણ અટકાયત કરી લેવાઈ
ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટનામાં 27 જેટલાં જીવતા ભડથું થયાં હતા. ત્યારે ગોઝારી ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે એલાનના પગલે અઢળક વેપારી મંડળે આજે સ્વૈચ્છિક બંધ પાળ્યું હતું. દરમિયાન બે હાથ જોડી બંધ પાળવા વિનંતી કરવા નીકળેલા આશરે ચાલીસ જેટલાં કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જયારે પીડિત પરિવારના બે સભ્યોની પણ અટકાયત કરી લેવાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર આજે જયારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે મોટા મોટા વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો જાહેર કરી અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળ્યું હતું. પીડિત પરિવારોને ન્યાયની માંગણી સાથે આજે જયારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે સવારથી કોંગી આગેવાનો બે હાથ જોડીને વેપારીઓને બંધના આહવાનમાં જોડાવા અપીલ શરૂ કરવામાં આવી હતી.
શાંતિપૂર્ણ રીતે બંધમાં જોડાવા અપીલ કરવા નીકળેલા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, પ્રદેશ કોંગ્રેસ આગેવાન રાજદીપસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત સહિતના આગેવાનોએ અમીન માર્ગ પરથી શરૂ કરી માતૃ મંદિર સ્કૂલ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, પારુલ હોમિયોપેથી કોલેજ, સરસ્વતી સ્કૂલ તેમજ સેંકડો દુકાનોને બંધમાં જોડ્યા હતા. દરમિયાન કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે કોંગી આગેવાનો પહોંચતા પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ થયાં બાદ તમામ આગેવાનોને ડિટેઇન કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
પોલીસે ડિટેઇનની કાર્યવાહી હાથ ધરીને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનો સહીત કુલ 40 જેટલાં આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસે શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા અપીલ કરી રહેલા આગેવાનોની અટકાયત શરૂ કરતા ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પીડિત પરિવારના પણ બે જેટલાં સભ્યોની અટકાયત કરી હતી. જાહેર માર્ગ પરથી કોંગી આગેવાનોની અટકાયત દરમિયાન ઘર્ષણ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.