મતદાર બનવા 10,082 લોકોએ કરી અરજી : આધારકાર્ડ લીંક કરવા 13,579 તેમજ અન્ય સુધારા 8732 અરજીઓ મળી
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. 12 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ગઈકાલ તા. 28 ઓગસ્ટના રવિવારના રોજ તમામ મતદાન મથકોએ મતદારયાદી ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. જેને જનતા તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
સર્વે મતદાન મથકોએ બી.એલ.ઓ.ની હાજરીમાં મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક માટેની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 24,150 જેટલાં ફોર્મ ભરાયા હતા. ઉપરાંત ઓનલાઈન પણ બહોળી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર કુલ 10,082 નવા નામ નોંધાવવા માટેની અરજીઓ, ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવા અંગેની કુલ 13,579 અરજીઓ તેમજ 8732 જેટલી અરજીઓ અરજદારોના નામ, સરનામા, જન્મતારીખ તેમજ ફોટા સુધારવા અંગેની નોંધાઈ હતી.
આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા અર્થે જિલ્લાના ઈ-રોલ ઓબ્ઝર્વર દિલિપસિંહ રાણા તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ખાચરે વિવિધ મતદાન મથકોની મુલાકાત પણ લીધી હતી. આ સમગ્ર કામગીરીને બહોળો પ્રતિસાદ મળતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે સરાહનીય ગણાવી હતી.
ખાસ કેમ્પમાં 40 દિવ્યાંગોએ મતદાર બનવા માટે ભર્યું ફોર્મ
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ માટેના મતદારયાદી સુધારણા કેમ્પનું આયોજન સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ હોલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને ‘પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન’ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ મતદારયાદી સુધારણા કેમ્પ દરમિયાન 40 જેટલા નવા મતદારોની નોંધણી અને 40 જેટલા ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડનું લીંકીંગ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોએ સેલ્ફી પોઈન્ટ પાસે સેલ્ફી પડાવીને સોશ્યલ મિડીયામાં અપલોડ કરીને અન્યોને મતદાન કરવા પ્રેરીત કરવાનો સંક્લ્પ કર્યો હતો.આ તકે પ્રાંત અધિકારી કે.જે. ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, ચૂંટણી શાખાના પ્રિતી વ્યાસ, માય એફ.એમના આર.જે. ધારા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.