ખેડૂતોના પ્રશ્નો જાણી તેના નિરાકરણ લાવવા શિંદે સરકારના પ્રયાસો, હવે સ્થિતિ સુધરે તેવી આશા
મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાની વધતી સંખ્યા ચિંતાજનક છે. જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે 1800 થી વધુ ખેડૂતોએ દેવા અને સરકારની ઉદાસીનતા સહિતના વિવિધ કારણોસર જીવનનો અંત લાવ્યો છે. આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન મોટાભાગના ખેડૂતો અમરાવતીમાં મૃત્યુ પામ્યા હતા.
રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના ડેટા દર્શાવે છે કે 8 મહિનામાં 1875 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે 2021માં આ સમયગાળા દરમિયાન દેવામાં ડૂબેલા 1605 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે ઘણી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ માહિતી એકઠી કરી રહી છે. ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળવાના મુખ્ય કારણો, પરિવારની તનાવ અને જવાબદારીઓ, સરકારની ઉદાસીનતા, સિંચાઈની યોગ્ય વ્યવસ્થાનો અભાવ, લોનમાં ભ્રષ્ટાચાર, સબસિડી અને હવામાનની સ્થિતિ વગેરે અનેક મુખ્ય કારણો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ તાજેતરમાં શાસનમાં આવેલી શિંદે સરકાર હવે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે એટલે હવે આ સ્થિતિ સુધરે તેવી આશા જાગી છે.
મૃતકો પૈકી 981 ખેડૂતો સરકારી નિયમો મુજબ આર્થિક સહાય માટે પાત્ર હતા
જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે આત્મહત્યા કરનારા 1875 ખેડૂતોમાંથી 981 ખેડૂતો સરકારી નિયમો મુજબ આર્થિક સહાય માટે પાત્ર હતા. જ્યારે 439ને અયોગ્ય ગણવામાં આવ્યા હતા. તે જ સમયે, 455 ખેડૂતોની તપાસ એટલે કે કેસોની તપાસ ચાલી રહી હતી. હાલમાં, વિભાગ મૃતકના નજીકના સંબંધીઓને 1 લાખ રૂપિયા આપી રહ્યું છે.
એકલા અમરાવતીમાં જ સૌથી વધુ 725 ખેડૂતોએ આપઘાત કર્યો
રાજ્યના અમરાવતીમાં 2022માં સૌથી વધુ 725 ખેડૂતોના મોત થયા હતા. જ્યારે 2021માં આ સંખ્યા 662 હતી. આ પછી ઔરંગાબાદમાં આંકડો 532 થી વધીને 661 થયો. ગયા વર્ષે નાશિકમાં 201 મૃત્યુની સામે આ વખતે 252 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. નાગપુરમાં સંખ્યા 2021 માં 199 થી વધીને 2022 માં 225 થઈ ગઈ. સારા સમાચાર એ છે કે કોંકણ પ્રદેશમાં છેલ્લા બે વર્ષમાં કોઈ ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું નથી.