જૂનાગઢ ખાતે આગામી તા. 1 જાન્યુઆરી, 2023ના રોજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓ 547, જુનિયર ભાઈઓ 498, સિનિયર બહેનો 234, જુનિયર બહેનો 192 એમ મળી રાજયભરમાંથી કુલ 1,471 સ્પર્ધકો ભાગ લેશે.
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, જુનાગઢ સંચાલિત 37 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા તા. 1/1/2023ના રોજ સવારે 7 કલાકે યોજાશે. ત્યારે આયોજક દ્વારા વિવિધ સૂચનાઓ સ્પર્ધકોને આપવામાં આવી છે જે મુજબ સ્પર્ધકોનું રિપોર્ટિંગ તા. 31/12/2022ના રોજ 3.00 વાગ્યે કરવાનું રહેશે. સ્પર્ધકોની નિવાસ વ્યવસ્થા સિનિયર ભાઇઓ માટે સનાતન ધર્મશાળા ખાતે, જુનીયર ભાઇઓ માટે તળપદા કોળી સમાજની વાડી ખાતે, અને સિનિયર/જુનિયર બહેનો માટે મહેર સમાજની વાડી ખાતે માટે રાખવામાં આવી છે.
સ્પર્ધકોએ પોતાના નિવાસ સ્થળેથી ચેસ્ટ નંબરની બારીએથી પોતાના ચેસ્ટ નંબર, ટી-શર્ટ (કિટ), તા. 31/12/2023ના રોજ બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીમાં મેળવી લેવાના રહેશે. કિટ મેળવ્યા બાદ સાંજે 5 કલાકે મહંતશ્રી મંગલનાથજી આશ્રમ ખાતે સ્પર્ધાના નિતી-નિયમો, સૂચનાઓ અને વ્યવસ્થા અંગેની જાણકારી માટેની સામન્ય બેઠકમાં અચૂકપણે હાજર રહેવાનું છે.
તે સાથે આ સ્પર્ધામાં નાપસંદગી પામેલ સ્પર્ધકોની યાદી તથા સૂચનાપત્ર ફેસબુક આઇ.ડી. dso Junagadhcity પર મૂકવામાં આવ્યું છે, તથા વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (0285)2630490 પરસંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.