- પ્રથમ આવનારને રૂ.2500, દ્વિતીયને રૂ.1500 અને તૃતીયને રૂ.1000 રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે
- અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ તેમજ મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે: લોકસંગીતના સાધક બિહારી ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ
- કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ 51માં યુવક મહોત્સવની તડામાર તૈયારીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શક્તિને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે એવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51મા યુવક મહોત્સવ “અભિવ્યક્તિ” આયોજન આગામી તા.11 અને 12 માર્ચ, 2024ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51 મા યુવક મહોત્સવ “અભિવ્યક્તિ” ઉદઘાટન તા.11/03/2024ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ તથા પ્રથમ નાગરીક મેયર નયનાબેન પેઢડીયા તેમજ લોકસંગીતના સાધક બિહારીભાઈ હેમુભાઈ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર 51 મા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો તથા સંલગ્ન જીલ્લાઓની કોલેજોના આશરે 1096 સ્પર્ધકો 33 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લેશે અને આ સ્પર્ધાઓમાં વિવિધ ક્ષેત્રના આશરે 100 જેટલા તજજ્ઞો નિર્ણાયક તરીકે સેવાઓ આપશે.
આ યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહન મળે એ માટે યુવક મહોત્સવની 33 ઈવેન્ટમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવનારને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમે આવનાર સ્પર્ધકને રૂ.2500/-, દ્વિતિય ક્રમે આવનાર સ્પર્ધકને રૂા.1500/-, તૃતિય ક્રમે આવનાર સ્પર્ધકને રૂા.1000/- રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર તથા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51 મા યુવક મહોત્સવના સુંદર આયોજન માટે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે તથા કુલસચિવ ડો.2મેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51 મા યુવક મહોત્સવનું www. saurashtrauniversity. edu, Saurashtra University Youtube Page અને Facebook Page: પરથી લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. 51 મા યુવક મહોત્સવને સફળ બનાવવા માટે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગ તથા કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ યુવક મહોત્સવમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એકઝીકયૂટીવ કાઉન્સિલના સભ્યના કોલેજોના આચાર્યઓ, ભવનોના અધ્યક્ષઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.