કર્હાં સે આયે બદરા હો… ધુલતા જાયે કજરા…
કેરી, તલ, મગ, અડદ, ચણા, ડુંગળી, મરચા, જુવાર, બાજરા સહિતના પાકને પારાવાર નુકશાની થવાની ભીતિ
વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનીક સરકયુલેશન સર્જાવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વૈશાખ માસમાં અષાઢી માહોલ જાવેા મળી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 50 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે.
ગોંડલ, જેતપુર, જસદણ, જામકંડોરણા અને ધોરાજી પંથકમાં જોરદાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા હતા યાર્ડમાં રાખેલી જણસી પલળી ગઈ હતી. જગતાતે પારાવાર નુકશાની વેઠવી પડી હતી. હજી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. અનેક યાર્ડમાં ખૂલ્લામાં રાખવામાં આવેલી જણસી પલળી જતા ભારે નુકશાની થવા પામી છે.
ગુજરાતમાં આ વર્ષ શિયાળાની સિઝન બાદ ઉનાળામાા પણ માવઠાનો કહેર જારી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજયના છુટા છવાયા વિસ્તારોમાાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ બપોર બાદ માવઠાનું જોર વધ્યું હતુ ગત મધરાતથી ફરી મેઘાના મંડાણ થયા છે. ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દેવભૂમી દ્વારકા, અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ છે. રાજકોટ શહેરમાં મધરાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના ગોંડલ તાલુકામાં સવારે બે કલાકમાં દોઢ ઈંચ, કોટડાસાંગાણીમાં એક ઈંચ, જામકંડોરણામાં એક ઈંચ વરસાદ પડયો હતો.
જૂનાગઢ
જૂનાગઢ શહેર, કોડીનાર,માંગરોળ, કેશોદ, મેંદરડા, સુત્રાપાડા, વડીયા, કપડવંજ, વડાળી, બાયડ, ધોરાજી, જેતપુર, ગીર ગઢડા, વાવા સિનોર, ઈડર, જસદણ, વંથલી, વિસાવદર, વેરાવળ, ઉપલેટા, અમરેલી, વિજયનગર, ભુણાવાડા, માણાવદર, દ્વારકા, મહેમદાવાદ, કછલાલ, માળપુર, ખાનપુર, કુતીયાણા, વસો, અને દહેગામ સહિત 36 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ લખાય રહ્યું છે. ત્યારે પણ સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હજી ચાર દિવસ સુધી એટલે કે મંગળવાર સુધી વરસાદની આગાહી આપવામા આવી છે.
જામનગર
જામનગરમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા. જામનગર તાલુકા ના સપડા ગામમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, અને ઠેર ઠેર પાણીના રેલા ઉતર્યા હતા. તો ક્યાંક બરફના કરા પણ પડ્યા હતા. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ બન્યું હતું અને, વરસાદી ઝાપટાં વરસી ગયા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ધોરાજી
ધોરાજીમાં આજે વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. અને સવારના 8.30 કલાક સુધી ધીમી ધારે વરસાદ પડતો હતો. અને આ કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચીતામાં છે. કારણ કે તલ, અડદ, મગ, ડુંગળી, લસણ અને ખેતરમાં રાખેલ ઘાસચારો પલળી જાય અને બગડી જાય આ કમોસમી વરસાદથી ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવેલ છે.
કાલાવડ
કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર, વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતા. કાલાવડ તાલુકાના નીકાવા, શીશાંગ, આણંદપર, વડાલા સહિત ના અનેક ગામો માં ધોધમાર વરસાદ ખેતરો માં પાણી ભરાયાં હતા.
સુરેન્દ્રનગર
ઝાલાવાડ પંથકમાં ગઇકાલે પણ વરસાદી માહોલ રહ્યો હતો. વૈશાખી તાપ અને વાયરાની જગ્યાએ ગાજવીજ અને વરસાદથી ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ છે. ગુરૂવારે લખતર અને સુરેન્દ્રનગરમાં વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ પડયા બાદ ગઇકાલે શુક્રવારે થાનગઢ, લખતર સહીતનાં પંથકમાં વરસાદ પડયો હતો. થાનગઢ ખાતે બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. થોડીવારમાં જ રોડ રસ્તા પાણી-પાણી કરી નાખ્યા હતા.
શહેરમાં કેટલીક જગ્યાએ ભૂગર્ભ ગટર બ્લોક થઇ ગઇ હોઇ પાણીનો નિકાલ ન થતા કેટલાક ઘરોમાં ભર ઉનાળે વરસાદી પાણી ઘુસવાની સમસ્યા ઉભી થઇ હોવાનું જાણવા મળેલ છે. લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ રહ્યુ હતું. દસ થી પંદર મીનીટ સુધી ધીમીધરે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી. પરંતુ ભર ઉનાળે માવઠાથી ખેડુતોનાં જીવ અધ્ધર થઇ ગયા હતા. ખેતરમાં ઉભેલા તલ, ડુંગળી, જુવાર જેવા પાકોને નુકશાન થવાની ભીતી પણ સેવાઇ રહી છે.
ગીરગઢડા
ગીરગઢડાના જંગલ બોર્ડરના ધોકડવા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. કેસર કેરી, ઘઉં, તલ,બાજરો સહિતના પાકને વ્યાપક નુકશાન જવાની ભીતી સેવાય રહી છે.
સવારે બે કલાકમાં ગોંડલમાં દોઢ ઈંચ, કોટડાસાંગાણી, જામકંડોરણામાં એક ઈંચ, જૂનાગઢ, કોડીનાર, માંગરોળ, કેશોદમાં અર્ધા ઈંચ વરસાદ: સવારથી 36 તાલુકાઓમાં કમોસમી વરસાદ: જગતાત ચિંતિત પાકને પારાવાર નુકશાની
રાજ્યના 50 તાલૂકાઓમાં વરસાદ
વૈશાખ માસમાં જ ચોમાસુ બેસી ગયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 50 તાલૂકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ચાર દિવસ માવઠાની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યભરમાં ગઇકાલ બપોરથી વાતાવરણ પલટાયું છે. મધરાતથી માવઠાનું જોર વધ્યું છે. રાજ્યના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવી પડી છે. ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઇંચ, મહેસાણાના જોટાનામાં એક ઇંચ, ઉપરાંત હારીજ, મહુવા, સાવરકુંડલા, દાંતા, માનણા, ભીલોડા, વીજાપુર, બેચરાજી, ઇડર, હિંમતનગર, થાન, કુતિયાણા, ખાંભા, લખતર, રાજકોટ, મોરબી, તાલાલા સહિત 50 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં વીજળી પડતા ચાર લોકોના કરૂણ મોત
રાજ્યમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. જ્યારે આ કમોસમી વરસાદમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે જેમાં પાટણવાવમાં બે કચ્છ અને સાવરકુંડલામાં એક યુવાન તેમ ચાર લોકોના કરુણ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
જેમાં પાટણ દવાખાને 4 મિત્રો ડોક્ટર હાજર ન હોઇ સમય પસાર કરવા રાણકી વાવ ગયા હતા, ત્યારે વીજળી પડતાં ઝાડ નીચે બેઠેલા એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે બીજાને ઇજા પહોંચી હતી. જ્યારે પાલનપુરના સામઢી નાઢાણીવાસનો 15 વર્ષીય કિશોર ખેતરથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે વીજળી પડતાં કાળનો કોળિયો બન્યો હતો.જ્યારે કચ્છ ભુજના રતનાલની ખાણમાં કામ કરતા 35 વર્ષીય બાબુરામ શિવનાથ સહાની ખાણ નજીક આવેલી વાડી પર હતા.દરમિયાન બપોરે 3 વાગ્યાના અરસામાં અચાનક આકાશી વીજળી યુવક પર પડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભુજની એકોર્ડ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબ પલ્લવી રાવતે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે અંજાર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો છે.જ્યારે ત્રીજા બનાવમાં મુજબ
સાવરકુંડલાના સાકરપરામા કચરાભાઇ ભાભાભાઇ પડસાલીયા (ઉ.વ.70) નામના વૃધ્ધનુ વિજળી પડવાની મોત થયુ હતુ. તેઓ સીમમા માલઢોર ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક વિજળી પડી હતી. ત્યારે તાત્કાલિક સરપંચ ભનુભાઇ પાઘડાળ અને અન્ય લોકોએ 108ની મદદથી કચરાભાઇને સાવરકુંડલા ખસેડયા હતા.જયાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ કમોસમી વરસાદમાં વીજળી પડતાં યુવાનનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીના 15 હજાર બોકસ પલળી ગયા
માવઠાના કારણે ચિકુ અને રાવણાના ભાવ ગગડયા
જૂનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ઉનાળાના દિવસોમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. અને ગઈકાલે મોડી રાતથી દે ધનાધન વરસાદ પડતા સમગ્ર જિલ્લામાં પાણી પાણી થઈ જવા પામ્યુ છે. આ સાથે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ 15 હજાર જેટલા કેરીના બોક્સો પલડી જવા પામ્યા હતા. તો માવઠાના કારણે વંથલી પંથકના પ્રખ્યાત ચીકુ અને રાવણાના ભાવ પણ ગગડીયા હોવાના વાવડ મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહી મુજબ ગઈકાલે મોડી રાત્રિના જુનાગઢ મહાનગર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઓચિંતા ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું અને મેંદરડામાં ધોધમાર વરસાદ થયો હતો. આ સાથે જુનાગઢ, વંથલી, ભેસાણ, વિસાવદરમાં પણ વ્યાપક કમોસમી વરસાદ થયો હોવાની સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદના વાવડ મળી રહ્યા છે. તથા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હાલમાં કભી ધુપ, કભી છાવની જેમ ક્યારેક તડકો અને ક્યારેક વાદળીઓ છાજીત નભ બની જતા ભર ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો ખડા થઈ રહ્યા છે.
બીજી બાજુ જૂનાગઢમાં ગત રાત્રે અચાનક આવી પડેલ વરસાદના કારણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા લગભગ 15 હજાર જેટલા કેરીના બોક્સ પલડી જતા કેરીઓના ઢગલા થઈ જવા પામ્યા છે. જેના કારણે ખેડૂતોને માથે હાથ રાખી રડવાનો વારો આવ્યો છે. તે સાથે જ્યારે કેરી આંબા પર હતી ત્યારે થયેલ માવઠાથી ખેડૂતો આર્થિક ખોટ ખાઈ ચુક્યા છે, અને હવે જ્યારે કેરી માર્કેટમાં મૂકવામાં આવી ત્યારે ફરી માવઠા એ ખેડૂતો સાથે ક્રૂર મજાક કરતા હોય તે રીતે વરસી પડતા ખેડૂતો આર્થિક રીતે ભારે સપડાયા હોવાની બૂમો સાથે સરકાર દ્વારા આંબાવાડીના ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે
આ સાથે વંથલી પંથકના પ્રખ્યાત રાવણા અને ચીકુને પણ માવઠું અડી જતા રૂ. 700 થી 800 ના ભાવે વેચાતા રાવણા આજે 100 થી 150 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. તો વંથલી માર્કેટિંગ યાર્ડમાં ચીકુના ભાવ પણ ભારે ગગડયા હોવાનું વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે.
મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેશે
આજે અમરેલી, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદ ખાબકશે
વેસ્ટર્ન ડિસ્ટબ્રન્સ અને પાકિસ્તાનમાં સર્જાયેલા સાયકલોઝીક સરકયુ લેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ઉતર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છમાં વરસાદ પડશે આવતીકાલે રવિવારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત અને તાપી ઉપરાંત જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં સોમવારે અરવલ્લી, સાંબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને કચ્છમાં જયારે મંગળવારે બનાસકાંઠા, મહેસાણા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.