દવા પર લગાવેલો ક્યુઆર કોડ અસલી – નકલીની રમતમાં ભજવશે મહત્વપૂર્ણ ભૂમિકા
સામાન્ય લોકોને જલ્દી જ મોંઘી દવાઓમાંથી છુટકારો મળવાનો છે. કેન્દ્ર સરકારે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કર્યો છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ એમેન્ડમેન્ટ 2023 મુજબ હવે કંપનીઓ દ્વારા લેવામાં આવેલી પેટન્ટને નાબૂદ કરવાની વાત થઈ રહી છે. પેટન્ટની સમાપ્તિ બાદ હવે મોંઘી દવાઓ 50 ટકા સસ્તી થશે. એટલે કે સામાન્ય લોકો માટે આ ખૂબ જ સારા સમાચાર છે અને રાહતના સમાચાર છે. લોકોને મોંઘી દવાઓથી છુટકારો મળશે અને હવે પેટન્ટવાળી દવાઓ પણ 50 ટકા સસ્તી થશે.
કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે કંપનીઓએ પેટન્ટ નાબૂદ કરવાનું વિચારવું પડશે. આ સિવાય હાલની ફોર્મ્યુલા મુજબ 1 વર્ષ પછી રિવિઝન કરવામાં આવશે. નવા દરો અગાઉની ફિક્સ સીલિંગ કિંમતમાં 50 ટકા ઘટાડો કરીને નક્કી કરવામાં આવશે. નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા દરો નક્કી કરતી વખતે પેટન્ટ કંપની અને તેના દ્વારા લાઇસન્સ મેળવનાર કંપનીને આ પ્રક્રિયાથી બહાર રાખવામાં આવશે.
આ સાથે એક જ કંપનીની બહુવિધ બ્રાન્ડની કિંમતો માટે એક નવી ફોર્મ્યુલા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઘણી કંપનીઓના ઉત્પાદનોની સરેરાશ કરવામાં આવતી હતી, હવે તે જ કંપનીની સૌથી ઓછી કિંમતવાળી બ્રાન્ડના આધારે કિંમતો નક્કી કરવાની યોજના છે.
બનાવટી દવાઓની રમતને ખતમ કરવા માટે ક્યુઆર કોડની સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે આ સિસ્ટમ 1 ઓગસ્ટ, 2023થી ફરજિયાત થઈ જશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ તમામ દવા ઉત્પાદકોને આદેશ આપ્યો છે.
ક્યુઆર કોડ લાગુ કરવાનો આ નિયમ 300 દવાઓ માટે જરૂરી રહેશે. સરકારે આ માટે ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940માં સુધારો કર્યો છે. પહેલા આ નિયમ 1 જાન્યુઆરી, 2023થી લાગૂ થવાનો હતો, પરંતુ પછી તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ નવી સિસ્ટમથી દવા બનાવતી કંપનીને ટ્રેક કરવામાં સરળતા રહેશે.